Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રાષ્ટ્રીય કક્ષાનો વિશ્વ યોગ દિન ઉજવાયોઃ
શ્રીનગર તા. ર૧: આજે વરસાદના વિઘ્ન પછી એકાદ કલાક મોડેથી શ્રીનગરમાં રાષ્ટ્રીય કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણીના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરીને યોગાના ફાયદા અને વ્યાપક્તા અંગે છણાવટ કરીને દેશવાસીઓ તથા વિશ્વસમુદાયને યોગદિવસની શુભકામનાઓ આપી હતી.
પીએમ મોદીએ ૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસની ઉજવણી કરી હતી. યોગ કર્યા પછી તેઓએ સંબોધન પણ કર્યું હતું. મહત્ત્વનું છે કે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ વર્ષ ર૦૧પ થી ર૧ જૂને યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી લઈને આજદિન સુધી દર વર્ષે ઉત્સાહભેર પીએમ મોદી યોગ કરતા જોવા મળે છે.
શ્રીનગરમાં દેશ અને દુનિયાને સંબોધિત કરી ખાસ સંદેશ પાઠવ્યો હતો. કેન્દ્રિય મંત્રીઓ પણ આજે દેશના વિવિધ ભાગોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે મેં ર૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના તે પ્રસ્તાવને ૧૭૭ દેશોએ ટેકો આપ્યો હતો જે પોતાનામાં એક રેકોર્ડ હતો. ત્યારથી યોગ દિવસ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ર૦૧પ માં દિલ્હીમાં કર્તવ્ય માર્ગ પર ૩પ હજાર લોકોએ એકસાથે યોગ કર્યા હતાં. અમેરિકામાં યુએનના મુખ્યમથક પર યોગ થયા હતાં. જમ્મુ-કાશ્મીર સાધનાની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલી રહી છે. વિશ્વમાં યોગ કરનાર લોકોની સંખ્યા વધી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. યોગથી આપણને જે શક્તિ મળે છે તે હું શ્રીનગરમાં અનુભવી રહ્યો છું. હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ૧૦ વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે. ૧૦ વર્ષમાં યોગનો વિસ્તાર થયો. લોકોની ધારણા બદલાઈ. ભારતમાં યોગ ટુરિઝમનો નવો ટ્રેન્ડ દેખાય છે. વિશ્વ યોગ માટે ભારત તરફ જોઈ રહ્યું છે. યોગ માત્ર વિદ્યા નથી, વિજ્ઞાન પણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, યોગ આજે લોકોને સામનો કરી રહેલી ઘણી સમસ્યાઓનું સમાધાન આપે છે. યોગ માત્ર જ્ઞાન જ નહીં, પણ એક વિજ્ઞાન પણ છે. માહિતી ક્રાંતિના આ યુગમાં માહિતી સ્ત્રોતોનો પૂર છે અને માનવ મન માટે એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું એક પડકાર છે. આનો ઉકેલ પણ યોગમાં રહેલો છે, કારણ કે તે મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે. યોગ સેનાથી લઈને રમતગમતની દુનિયાનો એક ભાગ બની ગયો છે. યોગ અવકાશમાં થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તેથી જ સેનાથી લઈને રમત જગત સુધી દરેક વ્યક્તિએ પોતાની દિનચર્યામાં સમાવેશ કર્યો છે. વડાપ્રધાને કહ્યું કે અવકાશયાત્રીઓ અને અવકાશ પ્રોજેક્ટ્સ પર કામ કરતા લોકોને પણ યોગની તાલીમ આપવામાં આવે છે. કારણ કે તેનાથી ઉત્પાદક્તા તેમજ સહનશક્તિ વધે છે.
તેમણે કહ્યું કે ઘણી જેલોમાં કેદીઓને યોગ પણ શીખવવામાં આવે છે જેથી તેઓ સકારાત્મક વિચાર કરી શકે. પીએમ મોદીએ સંતોષ વ્યક્ત કર્યો કે જમ્મુ અને કાશ્મીરના લોકો પણ યોગ અપનાવી રહ્યા છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રવાસન ક્ષેત્રને મદદ કરશે. તેમણે કહ્યું, ગઈકાલથી મેં જોયું છે કે, શ્રીનગર અને બાકીના જમ્મુ અને કાશ્મીરમાં યોગ લોકપ્રિય થઈ રહ્યો છે. તે મોટી વાત છે કે પ૦,૦૦૦ થી ૬૦,૦૦૦ લોકો યોગમાં સામેલ છે. તેનાથી અહીં વધુ પ્રવાસીઓ આવશે.
આ વર્ષની 'સ્વ અને સમાજ માટે યોગ' છે. આ થીમ વ્યક્તિગત સુખાકારી અને સામાજિક સંવાદિતા બન્નેને પ્રોત્સાહન આપવા માટે યોગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. ર૦૧પ થી વડાપ્રધાને દિલ્હી, ચંદીગઢ, દહેરાદૂન, રાંચી, લખનૌ, મૈસુર સહિત વિવિધ પ્રતિષ્ઠિત સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું છે અને ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટરમાં ફરજની લાઈન પર પણ.
મુખ્ય સમારોહ શરૂઆતમાં દાલ તળાવના કિનારે આવેલા એસકેઆઈસીસીના પરિસરમાં યોજાવાનો હતો, પરંતુ સવારે ભારે વરસાદના કારણે કાર્યક્રમને એસકેઆઈસીસી હોલમાં ખસેડવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં કાર્યક્રમ લગભગ એક કલાક મોડો શરૂ થયો હતો, જો કે વિધિ શરૂ થતાની સાથે જ કુદરતે પણ મહેરબાની કરી હતી અને વરસાદ થંભી ગયો હતો. આ પછી દાલ તળાવના કિનારે હાજર લોકોએ વડાપ્રધાન સાથે યોગ કર્યા અને યાદગાર પળોના સાથી બન્યા હતાં.
યોગ કર્યા પછી સેલ્ફી માટે પડાપડી
પીએમ મોદી વૈશ્વિક લોકપ્રિયતા ધરાવે છે. તેમની એક ઝલક જોવા માટે લોકો પડાપડી કરે છે, ત્યારે કાશ્મીરમાં પણ પીએમ મોદીનો ક્રેઝ જોવા મળ્યો હતો. યોગ કર્યા પછી પીએમ મોદી સાથે સેલ્ફી લેવા માટે લોકો ઘણાં ઉત્સુક જણાયા હતાં. પીએમ મોદીએ અહીં લોકો સાથે સેલ્ફી ક્લિક કરતા જોવા મળ્યા હતાં. તેમણે પોસ્ટ યોગા સેલ્ફી લખીને ટ્વિટર ફોટા શેર કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial