Advertisement
Author: નોબત સમાચાર

તણાવયુક્ત યુગમાં યોગ શારીરિક-માનસિક સામાજિક-સ્વસ્થતાનું ચાલકબળઃ મૂળુભાઈ બેરા

દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો યોગમયઃ ખંભાળીયામાં જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત જિલ્લાભરમાં યોજાયા યોગાભ્યાસના કાર્યક્રમો

ખંભાળીયા તા. ર૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખંભાળિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વન અને પર્યાવરણ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કલાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવતા પ્રવાસન મંત્રી મૂળુભાઇ બેરાએ જણાવાયું હતું કે,  આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ એટલે યોગ. યોગએ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. દરેક રોગની સમસ્યાઓનું સમાધાન પણ યોગ છે. યોગને વિશ્વ ફલક પર અંકિત કરવા તેમજ યોગનો લાભ વિશ્વના દરેક નાગરિકોને પ્રાપ્ત થાય તેવા માનવીય અભિગમ સાથે દીર્ઘ દૃષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સયુંકત રાષ્ટ્રની મહાસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સયુંકત રાષ્ટ્રની મહાસભા દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસ્તાવ સ્વીકાર કરી વર્ષ ૨૦૧૫થી દર વર્ષે  ઉજવણી કરવામાં આવે છે.

યોગએ શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતાથી જીવનની સુખાકારી વધારવાનું કાર્ય કરે છે. યોગથી પ્રેરણા મળે છે. યોગએ આપણી વિરાસત છે જે વિરાસત અને વિકાસને જોડે છે. આજના તણાવયુક્ત જીવનમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવવા યોગએ ઉત્તમ માધ્યમ બન્યું છે. સ્વયં અને સમાજને સ્વસ્થ રાખવા માટે યોગ ખૂબ ફાયદાકારક છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ પણ "સ્વયં અને સમાજ માટે યોગ" છે. ઉપરાંત રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે તથા જન સમુદાયમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા તથા યોગ પ્રવૃત્તિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ૨૧ જૂન, ૨૦૧૯ ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની સ્થાપના કરવામાં આવી હતી.

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ફકત એક જ દિવસ યોગ દિવસની ઉજવણી ન કરતા સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો થકી દરરોજ યોગ દિવસ તરીકે ઉજવી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ, યોગ સ્પર્ધા, બાળકો માટે સમર યોગ કેમ્પ, કાઉન્ટ ડાઉન કાર્યક્રમો, સાંસદ યોગ સ્પર્ધા, યોગ શિબિરો, યોગ જાગરણ રેલી વગેરે કાર્યક્રમો કરી છેવાડાના માનવી સુધી યોગની જાગૃતતા કેળવવામાં મદદરૂપ થઇ રહી છે.

આ કાર્યક્રમ દરમિયાન ૧૦મા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું. આ તકે  કલેકટર જી.ટી.પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય,  નિવાસી અધિક કલેકટર ભૂપેષ જોટાણીયા, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, અગ્રણી પી.એસ.જાડેજા, રેખાબેન ખેતિયા, અધિકારીઓ, કર્મચારીઓ, યોગ સાધકો, વિદ્યાર્થીઓ સહિતના બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ શાળા, મહાશાળાઓમાં યોગદિનની ઉજવણી વિવિધ આસનો તથા પ્રાણાયમની વિવિધ મુદ્રાઓ સાથે નિષ્ણાતો દ્વારા કરાવવામાં આવી હતી.

દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ખંભાળીયા શહેર, તાલુકો, દ્વારકા શહેર તાલુકો, ભાણવડ શહેર તાલુકો તથા જામરાવલ, ઓખા, સલાયા સહિત દશ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક મંડળના પ્રમુખો તથા જિલ્લા હોદ્દેદારો તથા અન્ય હોદ્દેદારો, સદસ્યો જોડાયા હતાં.

ખંભાળીયા પાલિકા યોગ હોલમાં તથા પાલિકા બગીચામાં ગાર્ડન ગ્રુપ મિત્રમંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની દરેક શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા તથા શ્રીમતી મધુબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો.

દશમાં યોગ વિશ્વ દિનની ઉજવણી ભાણવડમાં બરડા ડુંગરની ગોદમાં નવલમા મંદિર પાસે કરવામાં આવી હતી. જેમાં ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૂ તથા પોલીસ સ્ટાફ, વિવિધ સરકારી કચેરીઓનો સ્ટાફ તથા શાળાના છાત્રો, શિક્ષકો, ગ્રામજનો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh