Advertisement
Author: નોબત સમાચાર

રૂપિયા ૪૦ લાખ સામે ૮૧ લાખ વ્યાજ પેટે પડાવી લેવાયાની વડાપાઉંના વેપારીની ૧૫ સામે ફરિયાદ

બે વાહન તથા બે દુકાન પણ વ્યાજખોરોએ પડાવી લીધીઃ

જામનગર તા. ૨૧: જામનગરની જી.જી. હોસ્પિટલ સામે વડાપાઉંની દુકાન ચલાવતા એક આસામી ત્રણ વર્ષ પહેલાં વ્યાજના વિષચક્રમાં ફસાયા પછી તેની પાસેથી રૂ. ૪૦ લાખના મુદ્દલ સામે ૧૫ વ્યાજખોરે રૂ. ૮૧ લાખ વસૂલી લીધા પછી પણ ત્રાસ વર્તાવતા અને આ આસામીને બીજી દુકાન ચાલુ કરતા તેને પણ પચાવી પાડતા હાલમાં જામનગર છોડી અન્યત્ર ચાલ્યા ગયેલા આ આસામીએ પોલીસનું શરણું લીધુ છે. પોલીસે ૧૫ વ્યાજખોરના નામ જોગ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં વસવાટ કરતા અને દાંડિયા હનુમાન મંદિર સામે ભૂતનાથ વડાપાઉં નામની દુકાન ચલાવતા કમલેશ રાજુભાઈ સોલંકી નામના કોળી યુવાને જામનગરના પંદર વ્યાજ ખોર સામે રૂ. ૪૦ લાખ ઉપરાંતની રકમ વ્યાજે લીધા પછી રૂ. ૮૧ લાખથી વધુ રકમ વ્યાજપેટે ચૂકવી દીધા પછી પણ વધુ વ્યાજની માગણી કરાતી હોવાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ કમલેશે ત્રણેક વર્ષ પહેલાં મોડા ગામના કનકસિંહ જાડેજા પાસેથી રૂ. ૪ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. તેના વ્યાજપેટે કમલેશે રૂ. ૩ લાખ ૬૦ હજાર ચૂકવી આપ્યા હતા. તે પછી રૂ. પ લાખ ૧૦ ટકા વ્યાજે લઈ તેની સામે રૂ. ૧૨ લાખ મોડાના જયરાજસિંહ કનકસિંહ જાડેજાએ વસૂલી લીધા હતા. તે પછી પણ કમલેશનો ચેક અને તેના સસરા ખીમજીભાઈના બે ચેક, સાળા સંજયનો એક ચેક અને કમલેશના પિતાનો રૂ. ૭ લાખનો ચેક મેળવી આ શખ્સે બેંકમાંથી રિટર્ન કરાવી લીધો હતો. તે ઉપરાંત જયદીપસિંહ જાડેજા નામના શખ્સે રૂ. ૩૦ હજાર ૧૦ ટકા વ્યાજે ધીરી રૂ. ૩૯ હજાર વ્યાજ પેટે મેળવી લીધા હતા. આમ, છતાં વધુ વ્યાજની માગણી કરી આ શખ્સે કમલેશનું એક્ટિવા સ્કૂટર ઝૂંટવી લઈ ગિરવે મૂકી દીધુ હતું. યોગેશ કોળી નામના શખ્સે રૂ. ૧ લાખ ૩૦ હજાર વ્યાજે આપી રૂ. ૪ લાખ ૬૮ હજાર પડાવી લીધા પછી ત્રણ કોરા ચેક મેળવી લીધા હતા અને તેમાં રૂ. ૩-૩ લાખની રકમ ભરી પોતાના મિત્રોના બેંક ખાતામાં રજૂ કરી તેને પરત કરાવી લીધા હતા અને કુલ રૂ. ૯ લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ કરી નાખી હતી તેની પાસેથી કમલેશના સાળા સુરજે પણ રૂ. ૨૦ હજાર વ્યાજે લીધા હતા તેનો ચેક પણ રૂ. ર લાખ ૯૦ હજારની રકમ ભરી બેંકમાંથી પરત કરાવી કોર્ટમાં ફરિયાદ કરી નખાઈ હતી.

જામનગરના રામેશ્વર નગરમાં રહેતા દુશ્યતસિંહ ઝાલા નામના શખ્સ પાસેથી પણ રૂ. ૧ લાખ કમલેશે હાથ ઉછીના લઈ ૩૦ ટકા લેખે રૂ. ૨ લાખ ૪૦ હજાર વ્યાજપેટે ચૂકવી આપ્યા હોવા છતાં તેની દુકાને આવી દુશ્યંતસિંહે ગાળો ભાંડી પઠાણી ઉઘરાણી કરી હતી અને સસરાના ઘેર જઈ ઘરવખરી તોડી નાખી હતી.

નવાગામ ઘેડમાં રહેતા અભિરાજસિંહે રૂ. ૭૦ હજાર ૧૦ ટકા વ્યાજે આપી રૂ. ૧ લાખ ૫ હજાર વ્યાજ પેટે લઈ લીધા હતા. તે પછી પણ દુકાને જઈ ગાળો ભાંડી બે ચેક લઈ લીધા હતા અને તેમાં રૂ. ૧૨ લાખની રકમ લખી નાખી ચેક પરત ફેરવી લીધા હતા. તેમજ કોર્ટમાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી.

વડાપાઉંના આ વેપારીએ નવાગામ ઘેડના અર્જુનસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા પાસેથી પણ રૂ. ૪ લાખ ૧૦ ટકા વ્યાજે લઈ રૂ. ૧૪ લાખ ૪૦ હજાર વ્યાજ પેટે ભર્યા હતા. આમ છતાં કમલેશના પિતા રાજુભાઈ મગનભાઈની સહીવાળો ચેક મેળવી લઈ આ શખ્સોએ રૂ. ૬ લાખની રકમ ભરી ચેક પરત ફેરવી લીધો હતો. ગાંંધીનગરવાળા હરપાલસિંહ ઝાલાએ ૧૫ ટકા લેખે રૂ. ર લાખ આપી રૂ. ૨ લાખ ૭૦ હજાર વ્યાજ પેટે લીધા હતા અને દુકાને જઈ ગાળો ભાંડી હતી, બેડેેેશ્વરના સાદીક સફીયાએ રૂ. ૯ લાખ ૧૨ ટકાના વ્યાજે આપી રૂ. ૨૫ લાખ ૫૦ હજાર પરત લઈ લીધા પછી પણ ધંધામાં ભાગીદારીનું લખાણ કરાવી લઈ બે ચેક પડાવી લીધા હતા. તે ચેક પણ પરત ફર્યાની ફરિયાદ કરી નાખી હતી.

સરમત ગામના પાટીયા પાસે રહેતા અતુલ મેઘાણંદ ગઢવીએ રૂ. ૧૩ લાખ ૧૦ ટકા વ્યાજે આપી ચાલુ ધંધો પડાવી લીધો હતો તેથી કમલેશે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે બીજી દુકાન શરૂ કરી હતી. તેમાં પણ ભાગીદારી રાખી અતુલે બંને ધંધા પર કબજો કરી લીધો હતો અને કમલેશના પિતા રાજુભાઈએ ખરીદેલા જીજે-૧૦-ડીએન ૯૦૭ નંબરના ટ્રેક્ટરનો કબજો લઈ લીધો હતો. તેમજ તેના પિતાના બે ચેક બળજબરીથી મેળવી લીધા હતા. રામેશ્વરનગરમાં ગરબી ચોક પાસે રહેતા સલીમ નામના શખ્સે રૂ. ૩ લાખ લઈ લીધા પછી પણ વ્યાજની ઉઘરાણી કરી હતી અને જી ફાયનાન્સ નામની પેઢીના માલિકે રૂ. ૧ લાખ ૩૦ હજારની ઉઘરાણી કરી બે ચેક પડાવી લીધા હતા. રામેશ્વરનગરવાળા રાજ આહિરે રૂ. ૬૦ હજાર અંગે વ્યાજની ઉઘરાણી કરી કોરો ચેક પડાવી લીધો હતો અને જનતાફાટક પાસે રહેતા વિજયસિંહ રાઠોડે રૂ. ૧ લાખ કાર્ડમાં ભરી આપવામાં આવ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપ્યો હતો.

આવી રીતે ઉપરોક્ત પંદર શખ્સોએ જુદી જુદી ટકાવારી મુજબ રૂ. ૪૦ લાખ ૩૦ હજાર ધીર્યા પછી તેની સામે રૂ. ૮૧ લાખ ૪૪ હજાર વ્યાજપેટે વસૂલી લીધા હોવા છતાં વધુ વ્યાજની માગણી કરતા હાલમાં જામનગર છોડીને અન્યત્ર રહેવા ચાલ્યા ગયેલા કમલેશે કંટાળી જઈ આખરે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવી છે. આઈપીસી ૩૮૪, ૫૦૪, ૫૦૬ (ર), ૪૨૭, નાણા ધિરધારની કલમ હેઠળ નોંધાયેલા આ ગુન્હાની પીએસઆઈ ઝેડ.એમ. મલેકે તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh