Advertisement
Author: નોબત સમાચાર

પહેલા વરસાદમાં જ પ્રિ-મોન્સુનની પોલ દર વર્ષે ખૂલે છે, જે ચૂંટણી ટાણે જ ભૂલાઈ જાય છે!

આવરે વરસાદ... ઢેબરિયો વરસાદ...

જામનગર તા. ૨૧: દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ચોમાસાના પડઘમ સંભળાયા અને મેઘાના મંડાણ થયા. ટાબરિયાઓ 'આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ' જેવી પરંપરાગત પંક્તિઓ ગણગણતા ગણગણતા મેઘો માણતા જોવા મળ્યા, તો મોટેરાઓ પણ પહેલા વરસાદની મોજ માણતા જોવા મળ્યા. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ અને લોકોના દિલોદિમાગને પણ ટાઢક મળી. પરંતુ તે પછી ચોમાસુ વલસાડ અને નવસારીમાં જ થંભી ગયુ છે જે હવે આગળ વધશે તેવા અહેવાલો છે.

જેવી રીતે ચૂંટણીઓ પછી ઈવીએમને લઈને અચૂક ઉહાપોહ જાગે અને તેના અહેવાલો પર અવશ્ય ચર્ચાઓ ચાલે, અને પછી ચૂંટણી પંચ ચોખવટો કરે, તથા આ મુદ્દો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યા પછી દેશની સર્વોચ્ચ અદાલતના ચૂકાદા સુધીની દલીલો થાય, તેવી જ રીતે પહેલો વરસાદ પડ્યા પછી તરત જ ઠેર-ઠેર જલભરાવ થવાના, ગટરો ખુલી હોવાના અહેવાલો આવવા લાગ્યા. જો તમે ગયા વર્ષે ચોમાસાના પ્રારંભે પ્રિ-મોન્સુન કામગીરીને લઈને આવેલા અખબારી અહેવાલો વચ્ચે કે ન્યૂઝ ચેનલોના રિપોર્ટીંગનું ફાઈલ રેકોર્ડીંગ નિહાળશો, તો એમ જ લાગે કે આ વર્ષે જે અહેવાલો છપાઈ રહ્યા છે કે પ્રસારિત થઈ રહ્યા છે, તેની નકલ જ છે. મતલબ કે આખું વર્ષ વીતી ગયા પછી પણ કોઈ સુધારો થયો નથી. નવાઈની વાત એ છે કે આ પ્રકારની ફરિયાદો ગયા વર્ષે જે વિસ્તારો-સ્થળોમાંથી ઊઠી હોય, તે મોટાભાગના વિસ્તારોમાં પણ આ વર્ષે પણ એની એ જ ફરિયાદો ઊઠી છે અને તેમાં નવા વિસ્તારો ઉમેરાયા છે, પરંતુ જૂની મોટાભાગની સમસ્યા તો યથાવત જ રહી છે.

પ્રિ-મોન્સુન કામગીરીની ચર્ચા થાય ત્યારે મોટાભાગે પંચાયતો-પાલિકા-મહાપાલિકાઓના ધ્યાને આવે, પરંતુ હકીકત એ છે કે લોકોની સુખ-સુવિધાઓ સાથે સંકળાયેલા મોટાભાગના સરકારી વિભાગો, અર્ધસરકારી તંત્રો, બોર્ડ-નિગમો પણ આ અંગેતી પૂર્વ તૈયારી કરતા હોય છે. હવે તો કેન્દ્ર અને રાજ્યોના માહિતી-પ્રસારણ ખાતા જેવા પ્રચાર વિભાગો-પ્રસાર એકમો પણ પ્રિ-મોન્સુન કામગીરીની વ્યાપક પ્રસિદ્ધિ પછી તે અંગેની ફરિયાદો ઊઠે, ત્યારે તેને સંબંધિત કવર કરવા તંત્રની તત્કાળ કામગીરીની પબ્લિસિટી માટે કદાચ પૂર્વ-આયોજનો કરવા લાગ્યા હશે, કારણ કે આ સમસ્યા સાશ્વત જ રહેવાની છે અને દર વર્ષે ફરિયાદો તો ઊઠતી જ રહેવાની છે, ખરૂ ને?

અત્યારે જ્યાં વરસાદ પડી રહ્યો છે, ઠંડક પ્રસરી રહી છે ત્યાં લોકોમાં ખુશી વ્યાપી રહી છે, તેમ છતાં ઘણાં સ્થળે માયુશી ઘટી નથી, કારણ કે પહેલા વરસાદે જ કેટલીક સાશ્વત સમસ્યાઓ પણ ઊભી થવા લાગી છે, અને હવે 'પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ' જેવા અખબારી અને ઈલેક્ટ્રોનિક ઉપરાંત હવે તો સોશ્યલ મીડિયાના અહેવાલોના પણ ઘોડાપૂર આવવાના છે! નવાઈની વાત એ છે કે આ તમામ સમસ્યાઓ ચૂંટણી ટાણે જ કેમ ભૂલાઈ જતી હશે?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh