Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સુપર લીગની ટ્રોફીનું ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસો. દ્વારા અનાવરણ

રાજ્યમાં જીએસએલ દ્વારા ફૂટબોલના વિકાસની મોટી પહેલઃ પરિમલ નથવાણી

અમદાવાદ તા. રપઃ રાજ્યસભાના સભ્ય અને જીએસએફએના પ્રમુખ પરિમલ નથવાણીએ પ્રથમ ગુજરાત સુપર લીગની ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. તેમણે આ તકે કહ્યું હતું કે, જીએસએલ ગુજરાતમાં ફૂટબોલના વિકાસનું મહત્ત્વપૂર્ણ સિમાચિન્હ છે.

ગુજરાત સુપર લીગએ ગુજરાત રાજ્યમાં ફેન્ચાઈઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છ. જીએસએલ માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું આજે રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ભારે ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીએસએલમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા હતાં. નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રથમ વખત ફેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે જીએસએફએની આ અક મોટી પહેલ છે.

જીએસએફએને ગર્વ છે કે ગુજરાતના ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગપતિઓએ જીએસએલના વિચારને હૃદયપૂર્વક આવકાર્યો અને ટીમની માલિકી માટે સહેલાઈથી સંમત થયા. દરેક ટીમના માલિકે તેમની ટીમનું નામ પ્રેમપૂર્વક રાખ્યું છે. આમ, જીએસએલ ટુર્નામેન્ટમાં જે ૬ ટીમ ભાગ લેશે તે છે અમદાવાદ એવેન્જર્સ (ગોડ ટીએમટી અને વિવાન ધ રાઈટ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ), ગાંધીનગર જાયન્ટ્સ (એએનવીઆઈ સ્પોર્ટસ), કર્ણાવતી નાઈટ્સ (ધ એડ્રેસ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (અક્ષિતા કોટન લિમિટેડ અને બીલાઈન), સુરત સ્ટ્રાઈકર્સ (લોયલ ઈક્વિપમેન્ટ્સ લિમિટેડ), વડોદરા વેરિયર્સ (કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ).

શ્રી નથવાણીએ જણાવ્યું હતું કે, 'અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. ગુજરાત સુપર લીગ રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવા માટેની નાનકડી પહેલ છે. જીએસએલમાં હાલ છ ટીમ છે, પરંતુ આગામી ત્રણ-ચાર વર્ષમાં અમે ટીમની સંખ્યા વધારીને ૧ર સુધી લઈ જવાનું આયોજન ધરાવીએ છીએ.'

જીએસએલના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત છે. ટ્રોફી અનાવરણ પ્રસંગ રાજ્યમાં ફૂટબોલને આગળ વધારવાની સામૂહિક પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ લીગમાં ભારતના ૧૦ રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જીએસએલથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ તેમજ એક્સપોઝરનો લાભ મળશે.

આ તમામ છ ટીમ અતૂટ સમર્પણ સાથે એપ્રિલ ૧પ, ર૦ર૪ થીી આઈઆઈટી, પીડીઈયુ અને જીએફસીના મેદાન પર તેમની કૌશલ્યને નિખારી રહી છે. દરેક પ્રેક્ટિસ સેશન ગુજરાતને ફૂટબોલની શ્રેષ્ઠતા તરફ લઈ જવાની અદમ્ય ભાવનાનો પૂરાવો છે.

જીએસએલ ટુર્નામેન્ટ ૧લી મે થી ૧ર મી મે ર૦ર૪ દરમિયાન અમદાવાદમાં ઈકેએ એરેના, ટ્રાન્સસ્ટેડિયામાં યોજાવાની છે. મેચના દિવસો પહેલી, બીજી, ચોથી, પાંચમી, આઠમી, દસ મે છે. ફાઈનલ ૧ર મે ર૦ર૪ ના રમાશે. જીએસએલ મેચો આશાસ્પદ અને રોમાંચક બનવાની છે અને ફૂટબોલના ઉત્સાહીઓને કેટલીક અવિસ્મરણીય ક્ષણો પૂરી પાડશે.

દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે અને ટોચની બે ટીમ ૧ર મી મે ર૦ર૪ ના સાંજે ૭ વાગ્યે ફાઈનલ મેચ રમશે. જીએસએલમાં વિજેતા ટીમને રૂ. ૧૧ લાખનું ઈનામ આપવામાં આવશે, જ્યારે રનર્સ અપ રહેનારી ટીમને રૂ. પ લાખનું ઈનામ મળશે. આ સાથે જ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાનારા ખેલાડીઓને જુદી જુદી આઠ કેટેગરીમાં રૂ. રપ,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે, તેમજ દરેક મેચના પ્લેયર ઓફ ધ મેચને રૂ. પ,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટીસથી શરૂ કરીને ફાઈનલ મેચ સુધી દરેક દિવસનું રૂ. ૧પ૦૦-ર૦૦૦ સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે. એમ જીએસએફએના ઓનરરી જનરલ સેક્રેટરી શ્રી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

જીએસએલ ટ્રોફીના અનાવરણ સાથે હવે સંપૂર્ણ ધ્યાન ટુર્નામેન્ટ પર કેન્દ્રિત થાય છે. ગુજરાતમાં ફૂટબોલ માટેનો ઉત્સાહ તેની ચરમસીમાએ પહોંચ્યો છે અને ફૂટબોલના કૌશલ્યને પ્રદર્શિત કરવા માટેનો મંચ હવે સંપૂર્ણ રીતે સજ્જ છે. જીએસએફએના ઓનરરી જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ ટ્રોફી અનાવરણની વિધિનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે જીએસએફએના હોદ્દેદારો તથા એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

જીએસએલની મેચો માટેની સિઝન ટિકિટની કિંમત રૂ. ૪૯૯ રાખવામાં આવી છે, જ્યારે ફાઈનલ મેચની ટિકિટની કિંમત રૂ. ૩૯૯ રાખવામાં આવી છે. ટિકિટ બુકમાઈશો પરથી મળી શકશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh