Advertisement
Author: નોબત સમાચાર

રાહુલ ગાંધી અમેઠી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તેવી સંભાવના

ફોર્મ ભરતા પહેલા અયોધ્યામાં રામલલ્લાના દર્શને જઈ શકેઃ

નવી દિલ્હી તા. રપઃ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં વાયનાડમાં મતદાન થયા પછી પહેલી મે ના દિવસે રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તેવી સંભાવના દર્શાવાઈ રહી છે.

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ મતદાન થવાનું છે. આ તબક્કા હેઠળ કેરળના વાયનાડમાં પણ મતદાન થવાનું છે. આ બેઠક પરથી રાહુલ ગાંધી ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. અહીં તેમનો મુકાબલો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા એની રાજા સાથે થશે.

સૂત્રોનું કહેવું છે કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીટો પર ઉમેદવારીની જાહેરાત પહેલા પ્રિયંકા અને રાહુલ અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કરી શકે છે. ૧લી મે ના રાહુલ અને પ્રિયંકા ફોર્મ ભરે એવી શક્યતા છે. આ બેઠકો પર નોમિનેશ ર૬ એપ્રિલથી શરૂ થવાનું છે.

સૂત્રોનું કહેવું છે કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા આ બન્ને બેઠકો પરથી ચૂંટણી લડી શકે તેવી પૂરી સંભાવના છે, જો કે સૂત્રોનું કહેવું છે કે આ બન્ને બેઠકો અંગે ઔપચારિક જાહેરાત ૩૦ એપ્રિલ પહેલા કરવામાં આવશે નહીં. કોંગ્રેસના નેતાઓએ પણ આ બે બેઠકો પર રાહુલ અને પ્રિયંકાની સંભવિત ઉમેદવારી અંગે કંઈ કહ્યું નથી. સૂત્રોનું એમ પણ કહેવું છે કે અમેઠી અને રાયબરેલી જતા પહેલા રાહુલ અને પ્રિયંકા અયોધ્યા જઈ શકે છે, જ્યાં તેઓ રામ લલ્લાના દર્શન કરશે, જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

રાહુલ ગાંધીને અમેઠીથી ચૂંટણી લડાવવા માટે પક્ષ દ્વારા સ્થાનિક સ્તરે પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે પણ વાતચીત ચાલી રહી છે. વાયનાડમાં મતદાન પછી રાહુલના નામની જાહેરાત થવાના સંકેતો પણ સૂત્રોને ટાંકીને અપાઈ રહ્યા છે.

વાસ્તવમાં પાર્ટી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે અને તેમાં કોંગ્રેસને ઈનપુટ મળ્યા છે કે રાહુલ સીટ જીતી શકે છે. એક વરિષ્ઠ નેતાએ સંકેત આપ્યો છે કે જો રાહુલ અને પ્રિયંકા આ બેઠકો પરથી ચૂંટણી લડવાનું નક્કી કરે છે, તો આ બેઠકો પર ૧ અને ૩ મે ના નામાંકન થઈ શકે છે. અહીં નોમિનેશનની છેલ્લી તારીખ ૩ મે છે.

અમેઠીથી ચૂંટણી લડવા માટે રાહુલ ગ ાંધીની ટીમે અમેઠીમાં પડાવ નાંખવાનું શરૂ કરી દીધું છે. રાહુલ ગાંધીના નામાંકન માટે યુપી કોંગ્રેસની ટીમને ૧લી મેની સંભવિત તારીખ આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ ૧ મે ના અમેઠીમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. મળતી માહિતી મુજબ ર૬ મી એપ્રિલની ચૂંટણી પછી રાહુલ ગાંધી ર૭ મી એપ્રિલે અમેઠી પહોંચે તેવી શક્યતા છે. તેઓ ૧લી મે ના ઉમેદવારી નોંધાવી શકે છે.

અમેઠી અને રાયબરેલી કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે. રાહુલ ગાંધી બે વખત અમેઠીથી લોકસભા સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાયબરેલીથી સતત જીતનો ઝંડો લહેરાવી રહ્યા છે. ર૦૧૯ ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હરનો સામનો કરવો પડ્યો હતો. મોદી સરકારમાં મંત્રી રહેલા સ્મૃતિ ઈરાની દ્વારા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો, જો કે તેઓ વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતાં. કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠી લોકસભા ક્ષેત્રમાં પ વિધાનસભા બેઠકો છે.

ર૦રર ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અમેઠી અને ગૌરીગંજમાંથી બે ધારાસભ્યો મેળવવામાં સફળ રહી હતી, જ્યારે તે ખૂબ જ ઓછા મતોથી સેલોન બેઠક હારી ગઈ હતી. અમેઠીમાં ભાજપને ત્રણ ધારાસભ્યો મેળવવામાં સફળતા મળી હતી.

સોનિયા ગાંધીએ ર૦૧૯ માં જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી હશે. ૧૯૯૯ માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી તેઓ પહેલીવાર અમેઠીથી ચૂંટણી લડ્યા અને જીત્યા. તે પછી ર૦૦૪ માં તેણીએ પ્રથમ વખત રાયબરેલીથી ચૂંટણી લડી અને જીતી. સોનિયા ગાંધી કુલ પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતાં. તે પછી તેઓએ રાજ્યસભાના સભ્ય બનવાનું પસંદ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh