Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પી.એમ. મોદીની મુલાકાત પછી
વેરાવળ તા. ૨૮: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાસણગીરમાં જંગલ સફારીની મુલાકાત પછી ગીર આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ૧૮%થી વધુનો ઉછાળો આવ્યો છે, અને ગુજરાતના પ્રવાસ પછી બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ફક્ત એક જ મહિનામાં બમણી થઈ ગઈ છે. બરડા વન્યજીવ અભયારણ્ય આજે એશિયાઇ સિંહોનું બીજું નિવાસસ્થાન બન્યું છે. ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસ થકી વન્યજીવ સંરક્ષણની સાથે લાખો સ્થાનિકોની આવકમાં વધારો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧ થી ૩ માર્ચ, ૨૦૨૫ દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે ૩ માર્ચ, ૨૦૨૫ના તેઓએ સાસણગીર સ્થિત જંગલ સફારીમાં 'વિશ્વ વન્યજીવ દિવસ'ની ઉજવણી કરી હતી. તેમણે ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો તેમજ ઓપન જીપમાં સવાર થઈને કેમેરાથી સિંહોના ફોટા પણ પાડ્યા હતા. વડાપ્રધાનની આ મુલાકાત પછી સાસણગીર જંગલ સફારીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની મુલાકાત પહેલાના ૨૦ દિવસમાં ગીરમાં પ્રવાસીઓની સંખ્યા ૪૯,૬૮૧ હતી, જે તેઓની મુલાકાત પછીના ૨૦ દિવસમાં વધીને ૫૯,૦૦૯ થઈ ગઈ છે, જે પ્રવાસીઓની સંખ્યામાં ૧૮.૮% નો વધારો દર્શાવે છે.
વડાપ્રધાનની ગીર જંગલ સફારીની મુલાકાતના પગલે પોરબંદર જિલ્લામાં સ્થિત બરડા વન્યજીવ અભયારણ્ય, જે એશિયાઇ સિંહોનું બીજું નિવાસસ્થાન કહેવાય છે, તેમાં પણ હવે પ્રવાસીઓનો રસ જાગૃત થયો છે. તેના કારણે, ફેબ્રુઆરી, ૨૦૨૫ની સરખામણીએ માર્ચ, ૨૦૨૫માં બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન બરડા સફારીની મુલાકાતે ૧૦૮ પ્રવાસીઓ આવ્યા હતા, જેની સામે માર્ચ મહિનામાં ૨૧૫ પ્રવાસીઓએ બરડા સફારીની મુલાકાત લીધી છે.
બરડા વન્ય જીવ અભ્યારણ્યમાં પણ સિંહોને નિવાસ
અત્યારસુધી જૂનાગઢ સ્થિત ગીર અભયારણ્ય એશિયાઇ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન હતું. પોરબંદર જિલ્લામાં આવેલું બરડા વન્યજીવ અભયારણ્ય ગીર સંરક્ષિત વિસ્તાર સાથે આવાસસ્થાનો, ભૌગોલિક ક્ષેત્ર અને ભૂમિપ્રદેશની દૃષ્ટિએ ખૂબ જ સમાનતા ધરાવે છે. બરડા અભયારણ્ય સિંહ જનીનપૂલના સંરક્ષણ માટે ખૂબ જ મહત્વનું સ્થળ છે. ઐતિહાસિક રીતે તે સિંહોના નિવાસસ્થાન તરીકે જાણીતું હતું. બરડા અભયારણ્યમાં સિંહોનું જૂથ છેલ્લે ૧૮૭૯માં જોવા મળ્યું હતું. પરંતુ, પછીથી આ વિસ્તારમાં સિંહો લુપ્ત થયા હતા.
સિંહોને તેમના ઐતિહાસિક રહેઠાણોમાં પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યમાં આહારશ્રૃંખલાના પાયાને પુનઃસ્થાપિત કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ ચિતલ અને સાબરના સંવર્ધન અને પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સિંહો માટે જરૂરી શિકાર પ્રજાતિઓ છે. આ સંરક્ષણ પ્રયાસોને ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ મોટી સફળતા મળી, જ્યારે બરડા વન્યજીવ અભયારણ્યમાં એક નર એશિયાઇ સિંહની હિલચાલ નોંધવામાં આવી. સિંહો એક સદી પછી તેમના ઐતિહાસિક નિવાસસ્થાનમાં પાછા ફર્યા. બરડા સ્થિત અભયારણ્યમાં ૮ સિંહોની વસ્તી સ્થાયી થયા પછી તેને સિંહોના 'સેકન્ડ હોમ' એટલે કે બીજા નિવાસસ્થાન તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં, બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહોના કુદરતી ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે, બરડા આજે સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે ઉભરી આવ્યું છે. આજે બરડા વન્યજીવ અભયારણ્યમાં ૧૭ સિંહો વસવાટ કરે છે, જેમાં ૧ નર, ૫ માદા સિંહ અને ૧૧ બાળસિંહ છે.
ઈકો-ટૂરિઝમને પ્રોત્સાહન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગીરના સિંહોના વિસ્તારમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 'ખૂશ્બૂ ગુજરાત કી' કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઇને મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કર્યા. ભારતભરના પ્રવાસીઓની સાથે અન્ય દેશોના પ્રવાસીઓને પણ આમંત્રિત કરીને ગીરના સંરક્ષિત ક્ષેત્રની વિઝિબિલિટીમાં વધારો કરવામાં આવ્યો, જેનાથી ગીર વૈશ્વિક પ્રવાસન નકશા પર આવી ગયું.
ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસે વન્યજીવ સંરક્ષણમાં જ યોગદાન નથી આપ્યું, પરંતુ હજારો સ્થાનિક રહેવાસીઓની આવકમાં પણ હકારાત્મક પરિવર્તન આણ્યું છે, જેનાથી આ વિસ્તારના ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૩૩,૧૫,૬૩૭ પ્રવાસીઓએ ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial