Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના તમામ બ્રિજના ઈન્સ્પેકશન અને પીડિતોની સ્થિતિનો અહેવાલ રજૂ કરવા હાઈકોર્ટનું ફરમાન

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના અંગે સુઓમોટો સુનાવણી દરમિયાન સરકારને

અમદાવાદ તા. ર૪: રાજ્યના તમામ બ્રિજના ઈન્સ્પેકશન અને પીડિતોની સ્થિતિનો અહેવાલ રજૂ કરવા રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે ફરમાન કર્યું છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટની સુનાવણી દરમ્યાન આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે કોર્ટની આંખ અને કાન બનીને પીડિતો સાથે મુલાકાત કરી તેમની તમામ અપેક્ષાઓ અને જરૂરિયાતોની જાણ કરવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ વકીલ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂક કરી હતી.

બીજી બાજુ, હાઈકોર્ટે મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે થયેલી કામગીરીના અહેવાલ પણ રાજ્ય સરકાર પાસેથી માંગ્યો હતો. હાઈકોર્ટે આગામી મુદત સુધીમાં રાજ્યના તમામ બ્રિજના ઈન્સ્પેકશન અને પીડિતોની સ્થિતિ બાબતનો અહેવાલ પણ રજૂ કરવા રાજ્ય સરકારને હુકમ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે મંગળવારે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોને મળવા અને તેમની જમીનની સ્થિતિ વિશે વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે તેના પ્રતિનિધિ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂક કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, એડવોકેટ સીા હાઈકોર્ટના પ્રતિનિધિ તરીકે કામ કરશે અને જે કોર્ટની આંખ અને કાન બનીને કામ કરશે.

હાઈકોર્ટે પીડિતોને રૂબરૂ મળી તેમની સમસ્યાઓ, પીડા અને જરુરિયાતો સમજવા આ સ્વતંત્ર એડવોકેટને અનુરોધ કર્યો હતો. હાઈકોર્ટે એમ પણ જણાવ્યું કે, નિષ્પક્ષ વકીલ તરીકે નિમાયેલ આ વકીલે પીડિતોને તેમના ઘેર જઈ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે, તેઓને કોઈ એક જગ્યાએ બોલાવવા નહીં, કલેકટર ઓફિસ તેમને લોજિસ્ટીક સ્પોર્ટ આપશે પરંતુ બધાને વ્યક્તિગત રીતે મળશો તો જ ખ્યાલ આવશે કે પીડિતોની સાચી સ્થિતિ શું છે અને તેઓની શું જરૂરિયાત કે માંગ છે.

આ કેસમાં કોર્ટ સહાયક તરીકે વરૂણ  પટેલ પણ પીડિતોની મુલાકાત વખતે તેમની સાથે રહેશે. જો કે, હાઈકોર્ટના નિર્દેશાનુસાર, ઐશ્વર્યા ગુપ્તા દ્વારા જ પીડિતોની મુલાકાત અને તેમની બુનિયાદ સાચી સ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

દરમ્યાન ગત સુનાવણીમાં સરકાર તરફથી મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ નહીં થતાં હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા આજે કોર્ટમાં એકશન ટેકાન રિપોર્ટ રજૂ કરાયો હતો અને જણાવાયું હતું કે, પીડિતોની દેખરેખ અને કલ્યાણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રતિનિધિ સમયાંતરે પીડિતોને મળશે. બેંક ખાતા અને કોપર્સ ફંડ બનાવવા ટ્રસ્ટ વ્યક્તિઓનો સંપર્ક કરવા માટે તેમના માટે એક સમર્પિત મોબાઈલ નંબર રજૂ કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે રાજ્ય સરકારને મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામેની કામગીરીનો રિપોર્ટ પણ માંગ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દેવાઈ છે અને ચીફ ઓફિસર વિરૂદ્ધ ખાતાકીય રાહે કાર્યવાહી ચાલુ છે, તો, ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરૂદ્ધ પણ ક્રિમીનલ પ્રોસીક્યુશન ચાલુ છે.

ચોમાસા દરમ્યાન પુલો ધોવાઈ જાય છે, સાવધાની જરૂરી સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, રાજ્યના તમામ બ્રિજોનું ચોમાસા પહેલા અને ચોમાસા પછી ઈન્સ્પેકશન કરવામાં આવશે અને તેનો સ્થિરતા અંગેનો સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેથી ચીફ જસ્ટિસે માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે, ચોમાસા દરમ્યાન પુલો ધોવાઈ જાય છે તેથી આ બાબતે પહેલેથી જ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ચીફ જસ્ટિસે ઉત્તરાખંડનું ઉદાહરણ પણ આપ્યું હતું અને સરકારને આ મુદ્દે ગંભીરતા રાખવા ટકોર કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh