Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મૂકાયેલા રૂપિયા ૯૮૦ કરોડના સુદર્શન બ્રિજમાં પાંચ મહિનામાં જ ગાબડા અને તીરાડો

તાકીદે મરામત કરાવીને આ બ્રિજને ભયમુક્ત જાહેર નહીં કરાય, તો લોકોનો વિશ્વાસ ઊઠી જશેઃ

જામનગર/ખંભાળિયા તા. ર૪: હાલારને ગત્ તા. રપ-ર-ર૦ર૪ ના દિને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓખા અને બેટદ્વારકા વચ્ચે દરિયામાં કેબલ બેઈઝ્ડ અતિ આધુનિક ટેકનોલોજીથી નિર્માણ થયેલા સુદર્શન બ્રીજની અણમોલ ભેટ આપી હતી.

રૂા. ૯૮૦ કરોડના ખર્ચે બનેલા આ સુદર્શન સેતુની હાલત માત્ર પાંચ મહિનામાં જ ચિંતાજનક બની રહી હોવાનું જાણવા મળે છે. આ બ્રીજના માર્ગ ઉપર મોટા મોટા ખાડા/ગાબડા પડી ગયા છે, જેમાં ખાડા નીચેના લોખંડના સળિયા પણ દેખાય રહ્યા છે અર્થાત્ માર્ગનું કામ નબળું થયું હોવાની શંકા જાગે છે. એટલું જ નહીં, બ્રીજ ઉપર કેટલીક જગ્યાએ મોટી મોટી તિરાડો પણ નજરે પડી રહી છે જેથી આ બ્રીજની મજબૂતાઈ અંગે પણ ચિંતા ફેલાઈ રહી છે.

રૂા. ૯૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા આ સુદર્શન સેતુનો શિલાન્યાસ પણ ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓક્ટોબર-ર૦૧૭ માં કર્યો હતો.

ભાજપના સત્તાધારી નેતાઓ દ્વારા એવું સૂત્ર જાહેર કરાયું છે કે, અમે જેનું ખાતમુહૂર્ત/શિલાન્યાસ કરીએ છીએ, તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. તે મુજબ જ વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ અને તેમના હસ્તે જ સુદર્શન સેતુનું લોકાર્પણ થયું...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંગત રસ લઈ આ બ્રીજનું નામ જે અગાઉ સિગ્નેચર બ્રીજ જાહેર થયું હતું તેને બદલીને સુદર્શન સેતુનું નામકરણ કરી ભારત દરિયામાં અતિ આધુનિક ટેકનોલોજી સાથે આવા મેગા પ્રોજેક્ટનું નિર્માણ કરવાની શક્તિ ધરાવે છે તેનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.

ઓખા અને બેટદ્વારકા વચ્ચે માત્ર દરિયાઈ માર્ગ જ હતો. અવરજવર માટે ફેરી બોટ જ સાધન હતું, પણ ર.પ૦ કિ.મી. લાંબો અને ર૭.ર૦ મીટર પહોળો આ બ્રીજ દરિયામાં ભારતનો સૌથી લાંબો કેબલ બેઈઝ્ડ બ્રીજ છે. ફોર લેન બ્રીજની બન્ને તરફ ર.પ૦ મીટર પહોળાઈની ફૂટપાથો પણ છે.

ભારતની ટેકનોલોજીની શાન સમાન આ બ્રીજની સ્થિતિ માત્ર પાંચ જ મહિનામાં ચિંતાજનક બની રહી છે. ત્યારે આ બ્રીજની મજબૂતાઈ અંગે સવાલો પેદા થયા છે.

બ્રીજના લોકાર્પણ પૂર્વે તેની પરથી અતિ ભારે વજન સાથેના ટ્રકો-વાહનો પસાર કરાવી તેના ટેસ્ટીંગ પણ થયા જ હતાં. તેમ છતાં બ્રીજના માર્ગ ઉપર લોખંડના સળયા દેખાય જાય તેવા ગાબડા અને તિરાડો બ્રીજના ટેસ્ટીંગની કામગીરી અંગે પણ સવાલો પેદા કરે છે. સદ્નસીબે અત્યાર સુધી બ્રીજને સંલગ્ન કોઈ નાની-મોટી દુર્ઘટના થઈ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા અઠવાડિયામાં ઓખા, બેટદ્વારકા તથા દ્વારકા પંથકમાં ખાબકેલા પ૦ ઈંચથી વધુ તોફાની અને મુશળધાર વરસાદના કારણે બ્રીજ ઉપર ખાડા પડ્યા હોય શકે!

અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા બે-ત્રણ મહિનામાં ભારતના બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં નવા જ બનેલા બ્રીજ તૂટી ગયા હોવાના અને દુર્ઘટનાઓના કારણે હાલારના સુદર્શન સેતુની હાલની સ્થિતિ અંગે વધુ ચિંતા થાય તે સ્વાભાવિક છે.

સરકારે તાકીદે તપાસ કરી બ્રીજને અવરજવર માટે ચિંતામુક્ત કરવાની તાતી જરૂર છે. કદાચ... ટેકનિકલ દૃષ્ટિએ હાલની ક્ષતિઓ ભયમુક્ત હોય તો પણ તમામ રીપેરીંગ કરાવી બ્રીજને સત્તાવાર રીતે ભયમુક્ત જાહેર કરવાની પણ જરૂર છે જ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh