Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ૧૦૦ વર્ષ જુનું જર્જરિત મકાન જમીનદોસ્તઃ દબાઈ જતા દાદી સાથે બે પૌત્રીના મોત

ફાયરબ્રિગેડ સાથે એનડીઆરએફની ટીમે સાંકડા વિસ્તારમાં કલાકો સુધી મહેનત કરીઃ ટોળાઓ એકઠા થતા પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો

ખંભાળિયા તા. ર૪: ખંભાળિયાના સતવારા પરિવારમાં અતિ કરૂણ બનાવ બન્યો છે. જુનું મકાન પડી જતા તેના કાટમાળમાં દબાઈ જતા દાદી અને બે પૌત્રીના કરૂણ મોત થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેકોર્ડરૂપ બે-બે દિવસમાં મોસમનો ટોટલ વરસાદ તથા કલાકો સુધી ભારે વીજળી પડવાની ઘટનાઓમાં પણ કોઈ મૃત્યુ માનવ જિંદગીના થયા નહતાં, ત્યારે ગઈકાલે બપોરે ખંભાળિયામાં એક જુનુ જર્જરિત મકાન પડતા તેમાં ૧૦ વ્યક્તિ દબાઈ ગયા હતી જે પૈકી ત્રણ વ્યક્તિઓ દાદી તથા બે પોત્રીઓ ૧૬ થી ૧૮ ના મૃત્યુ નિપજતા ભારે કરૂણતા સમગ્ર પંથકમાં છવાઈ હતી.

ખંભાળિયામાં રાજડારોડ પર મોહન પાનવાળાની દુકાન પાસે અશ્વિનભાઈ જેઠાભાઈ કણઝારિયા સતવારા કેબિનમાં ચા નો ધંધો કરતા હતાં અને ત્યાંથી નજીક બજાર જતા અગાઉ જ્યાં ડીકુબેન રાજડાનું મકાન જેમાં બાલમંદિર ચાલતું હતું. તેમાં ૪૦ વર્ષથી રહેતા હતાં આ મકાન ૧૦૦ વર્ષથી વધુ જુનું અને જર્જરિત થઈ ગયેલું ત્રણ માળનું હતું. ગઈકાલે સાંજે આ ત્રણ માળનું મકાન કે જેનો પાછળનો ભાગ ખૂબ જ જર્જરિત થઈ ગયેલો તથા લાકડાના પાપડી પેઢિયાવાળું છત પાકી ન હોય તેવું ત્રણ માળનું હતું તે સાંજે ધડાકાભેર પડી ગયેલ આ મકાન મોટા ધડાકા સાથે પડતા બજારમાં દોડધામ સાથે ભયની લાગણી ફેલાઈ હતી. ત્રણ માળના પડેલા આ મકાનમાં પડ્યું ત્યારે કુલ નવ વ્યક્તિ બીજા માળે તથા નીચેના ફ્લોર પર હતાં જેમાંથી અશ્વિનભાઈ જેઠાભાઈ કણઝારિયા ઉ.વ. પર, એમના પત્ની ગીતાબેન ઉ.વ. ૪૦, તેમની પુત્રી આરતીબેન ઉ.વ. ર૧, તન્વીબેન ઉ.વ. પ તથા તેજસ ઉ.વ. પ ને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે અશ્વિનભાઈની માતા કેસરબેન (ઉ.વ. ૬પ તેમની બે પુત્રીઓ પ્રીતિબેન ઉ.વ. ૧૩, પાયલબેન ઉ.વ. ૧૮ વાળી નીચેના માળમાં હોય, ઉપરથી બે માળનો કાટમાળ પડતા દબાઈ ગયા હતાં.

ધડાકા સાથે પડેલા ત્રણ માળના આ જુના જર્જરિત મકાનમાં ત્રણ વ્યક્તિ દબાઈ ગયાની જાણ થતાં જ ખંભાળિયાના પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં તથા જેસીબી મશીન ઓટલા તથા દુકાનોની દીવાલો તોડીને સાંકડી જગ્યામાં પહોંચાડી ત્રણેય દબાયેલાને કાઢવા કામગીરી હાથ ધરી હતી જેમાં ત્રણેક કલાક પછી કેસરબેન તે પછી પ્રીતિબેનને કાઢવામાં આવેલા તથા તાકીદે ખંભાળિયા હોસ્પિટલમાં પહોંચાડ્યા હતાં જ્યાં મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું હતું, જ્યારે બનાવના ચારેક કલાક પછી પાયલની બોડી મળી હતી તેનું લાકડાના મોટા ભારોટ પડતા માથું ફાટી જવાથી મૃત્યુ સ્થળ પર જ નિપજ્યું હતું.

ત્રણ માળના મકાનના કાટમાળ નીચે પડ્યા પછી પણ આ ત્રણ મૃતકો બચી ગયા હોય, તેમની ઉપર કાટમાળ હોય, બયાવો બચાવોની દર્દભરી બૂમો તેમણે દોઢેક કલાક પાડી હતી પણ અત્યંત સાંકડા રસ્તા પરથી જેસીબી, પહોંચીને કામગીરી કરતા જ્યાં ફસાયા હતાં ત્યાં સુધી પહોંચતા બે કલાક જેટલો સમય થઈ જતા આ ત્રણેયના ફસાઈ ગયેલ સ્થિતિમાં જ મોત નિપજ્યા હતાં.

આ મકાનની પડોશમાં રહેતા લોકોના કહેવા મુજબ આ મકાનનો ઉપરનો માળ જર્જરિત થઈ ગયો હતો તથા ટેકાના લાકડા ધ્રુજતા હતાં. ગઈકાલે બપોરે પણ આ મકાન હલતું હતું, અને રીપેરીંગ માટે લોખંડ પાઈપ વિગેરે પણ રાખ્યા હતાં પણ ભારે વરસાદથી જુનું જર્જરિત મકાન પડી ગયું.

બનાવની જાણ થતાં ખંભાળિયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા અગ્રણીઓ જગુભાઈ રાયચુરા, અનિલભાઈ તન્ના, જીજ્ઞેશભાઈ પરમાર, રસિકભાઈ નકુમ, નીતિનભાઈ ગણાત્રા, સંજયભાઈ દત્તાણી, યોગેશભાઈ મોટાણી, ભરતભાઈ મોટાણી, મોહનભાઈ મોટાણી વિગેરે ઘટના સ્થળે મદદ માટે સતત તત્પર હતાં, તો ખંભાળિયા ડે. કલેક્ટર કે.જે. કરમટા, મામલતદાર વિક્રમભાઈ વરૂ, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ વિગેરે પણ જોડાયા હતાં.

ત્રણ માળના અતિ જર્જરિત મકાન પડવાની જાણ થતા ખંભાળિયા પાલિકા ફાયરબ્રિગેડ સાથે એન.ડી.આર.એફ.ની ટૂકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તથા તેમના માર્ગદર્શન હેઠળ કામગીરી થઈ હતી તથા તેમણે મૃતકોને કાઢવા ખૂબ જહેમત ઊઠાવી હતી..

એક સાથે ત્રણ વ્યક્તિ કાટમાળમાં ફસાયાની જાણ થતા ખંભાળિયા શહેર આખું ઘટના સ્થળે તથા નજીકની અગાશી-મકાનોમાં ઉમટી પડ્યું હતું તથા પોલીસે એક તબક્કે લોકોને હટાવવા બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.

ખંભાળિયા સતવારા સમાજમાં બનેલી આ કરૂણ દુર્ઘટના કે જે આ વર્ષના ચોમાસામાં દ્વારકા જિલ્લામાં માનવ મૃત્યુ પ્રથમ છે. આ ઘટનામાં મૃતકોની અંતિમ યાત્રા સાંજે ચાર વાગ્યે નીકળશે.

મૃતક કેશરબેનની દીકરી ભીવંડી મુંબઈ હોય, ત્યાંથી તેઓ ખંભાળિયા આવા નીકળી ગયા હોય, તેઓ આવે તે પછી ત્રણેયની સાથે અંતિમ યાત્રા નીકળશે.

ખંભાળિયા શહેરમાં હજુ પણ જુની ઢબના પાપડી પીઢિયા ભારોટવાળા છત વગરના અનેક જર્જરિત મકાનો હોય, તંત્ર એ તરફ ધ્યાન દે તેવી પણ માંગ ઊઠી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh