Advertisement
Author: નોબત સમાચાર

લોકસભામાં રાહુલ ગાંધીનું વિપક્ષના નેતા તરીકે બજેટ પર ભાષણઃ ચક્રવ્યૂહની ચોમેર ચર્ચા

ચૂંટણી ચિહ્ન કમળના ફૂલને નિશાન બનાવ્યું?

નવી દિલ્હી તા. ૩૦: લોકસભા અને રાજ્યસભામાં મોદી ૩.૦ ના બજેટ પર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ એક અલગ જ ઢબે કરેલા જુસ્સેદાર ભાષણની આજે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે અને આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બન્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં ડરનો માહોલ એટલો છે કે ભાજપના જ નેતાઓ ડરેલા છે. ચોક્કસ ઉદ્યોગપતિઓ અદાણી, અંબાણીનું નામ લેતા લોકસભાના અધ્યક્ષે રાહુલ ગાંધીને ટોક્યા તો તેમણે લોકસભાના સ્પીકર ઓમ બીરલા સામે પણ પ્રશ્નો ઊઠાવ્યા. ટોકાટોકી વચ્ચે રાહુલ ગાંધીએ ફરીથી એ જ નામો લેતા અને તે પહેલા બજેટ સેશન પહેલાની હલવા સેરેમનીની તસ્વીરો ગૃહમાં બતાવતા અધ્યક્ષે તેમને ટોક્યા અને સંસદીય કાર્યમંત્રી કિરણ જિજ્જુએ કહ્યું કે વિપક્ષના નેતાને ગૃહના નિયમોની જ જાણકારી નથી!

રાહુલ ગાંધીએ મહાભારતમાં કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન ચક્રવ્યૂહ રચીને અભિમન્યુને કૌરવોએ ઘેર્યો હતો, તેનો ઉલ્લેખ કરીને તે ચક્રવ્યૂહને લોટસ એટલે કે ભાજપના કમળના ફૂલના ચૂંટણી ચિહ્ન તરફ સાંકેતિક રીતે સાંકળીયો હતો અને ભાજપ તથા મોદી સરકાર પર તીખા તમતમતા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે અભિમન્યુના ચક્રવ્યૂહમાં ૬ વ્યક્તિ સામેલ હતા, તેવી જ રીતે ર૧ મી સદીના નવા ચક્રવ્યૂહમાં પણ મોદી, શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ, અંબાણી અને અદાણી કંટ્રોલર છે, અને દેશને ફસાવ્યો છે. આ નિશાન પીએમ મોદી પોતાની છાતી પર લગાવીને ફરે છે.

રાહુલ ગાંધીએ કોરોના કાળ, અગ્નિવીર, ઈન્ટર્નશીપ પ્રોગ્રામ, કિસાનો દ્વારા એમએસપીની ગેરંટીની માંગણી, નેટ, પેપલીક વગેરે મુદ્દા ઊઠાવ્યા હતાં અને દેશની અર્થવ્યવસ્થા પણ બે ઉદ્યોગપતિઓના હાથમાં હોવાનું કહ્યું હતું, ત્યારે ફરીથી તેમને રોકવામાં આવ્યા હતાં અને ગૃહમાં ભારે હોબાળો થયો હતો.

આ ઘટના પછી સંસદની બહાર એક તરફ ગૃહમાં વિપક્ષના નેતા તરીકે પરંપરાઓ - નિયમોનો ઉલાળિયો કરીને મનફાવે તેમ બોલવાના આક્ષેપો કરી રહેલા કેન્દ્રિય મંત્રીઓ તથા ભાજપના નેતાઓને કેટલાક કોંગી નેતાઓ લૂલો બચાવ ગણાવીને પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. એવી ચર્ચા પણ છે કે, રાહુલ ગાંધી બજેટના વિષય પર ઓછું બોલ્યા, વિપક્ષના સંયુક્ત નેતા તરીકે નહીં, પણ કોંગ્રેસના નેતા તરીકે ઈન્ડિયા ગઠબંધનના વડા તરીકે બોલતા હોય, તેવું લાગ્યું, તો કોંગ્રેસના પ્રવક્તાઓ કહે છે કે રાહુલ ગાંધીએ સત્ય કહ્યું તેમાં શેના મરચા લાગે છે? આજે આ 'ટોક ઓફ ધ નેશન છે.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh