Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દવા છંટકાવ, જનજાગૃતિ, સર્વેલન્સની કામગીરી
ખંભાળીયા તા. ૩૦: ચાંદીપુરા વાયરસ ફેલાતો અટકાવવા માટે દેવભૂમિ દ્વારકા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે. કાચા મકાનોમાં તેમજ શાળાઓ, આંગણવાડીઓમાં જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ જાગૃતિ, સર્વેલન્સ સહિતની કામગીરી થઈ રહી છે.
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં છેલ્લા થોડા દિવસોથી એકયુટ એન્કેલાયટીસ સિન્ડ્રોમ કે જેને ચાંદીપુરા ડીસીઝ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વધારો જોવા મળેલ છે. આ બીમારી નવજાત શિશુથી ૧૪ વર્ષ ઉંમરના બાળકોમાં ખાસ જોવા મળે છે. આ બીમારીમાં બાળકોને સખત તાવ, ઉલ્ટી, ઝાડા, માથાનો દુઃખાવો, ખેંચ, અનિદ્રા, અમૂક કલાકોમાં કોમા જેવા લક્ષણો જોવા મળે છે. દેવભૂમિ દ્વારકામાં પણ ચાંદીપુરા બીમારીનો એક કેસ નોંધાયેલ છે. આ રોગના કિસ્સામાં રોગ અટકાયતી રસી કે કોઈ વિશિષ્ટ દવાઓ ઉપલબ્ધ ન હોવાથી સંક્રમણ રોકવું એ જ એક ઉપાય છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ બીમારીનો ફેલાવો અટકાવવા સઘન ઝુંબેશના રૂપમાં વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તમામ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ તેમજ ફિલ્ડ કક્ષાએ ફરજ બજાવતા કર્મચારીઓને આ બિમારી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે તથા આ પ્રકારના કોઈપણ શંકાસ્પદ કેસ નોંધાય તો તેની તાત્કાલિક જાણ કરી સમયસર સારવાર શરૂ કરી દેવા તાકીદ કરેલ છે. જિલ્લામાં અન્ય જિલ્લાઓમાંથી ખેતરોમાં મજુરી કામ અર્થે આવતા લોકોની ખાસ માહિતી મેળવવા તથા તેઓની આરોગ્ય તપાસ કરવા સૂચનાઓ અપાયેલ છે.
જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલ માટીના લિપણથી બનાવેલ દીવાલો તેમજ તિરાડો વાળા કાચા મકાનોમાં તેમજ આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં બહારની દીવાલોમાં મેલેથિયોન દવાના પાઉડરનો છંટકાવ અને અંદરની દીવાલો પર આલ્ફા સાયપરમેથ્રિન નામની જંતુનાશક દવાના છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી આ રોગની વાહક સેન્ડફલાય માખીનો નાશ થાય અને પરિણામે રોગચાળો ફેલાતો અટકાવી શકાય. જિલ્લામાં કુલ ૭૦૬૦ ઘરો પૈકી ર૧૯૦ ઘરોમાં તથા ૮૦ આંગણવાડી કેન્દ્રો અને ૮૦ શાળાઓમાં જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે.
ચાંદીપુરા રોગનો વાહક સેન્ડફલાય મુખ્યત્વે લીપણવાળા કાચા મકાનો અને દીવાલોની તિરાડો અને છિદ્રોમાં રહેતો હોવાથી, તમામ લોકોને આ છિદ્રો અને તિરાડો સત્વરે પુરાવી લેવા તેમજ ઘરની અંદરના ભાગમાં શકય હોય ત્યા સુધી હવા ઉજાસ (સૂર્યપ્રકાશ) આવે તેવી વ્યવસ્થા રાખવા જણાવવામાં આવે છે. સર્વેલન્સની કામગીરી દરમ્યાન દરેક ઘરે બાળકોને ઉકાળ્યા બાદ જ દૂધ આપવા માટે સંદેશો અપાયેલ છે. તમામ લોકોને પોતાના બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર રમવા ના દેવા તેમજ સુવડાવતી વખત જંતુનાશક દવાયુકત મચ્છરદાનીનો ઉપયોગ કરવા જણાવવામાં આવે છે. પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો પશુની માવજત દરમ્યાન હાથમોજાનો ઉપયોગ કરે તે માટે માહિતગાર કરવામાં આવેલ છે તેમ જિલ્લા પંચાયતની સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ શાખાની યાદીમાં જણાવાયું છે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial