Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંદાજે ૧૦૦ થી વધુ દટાયા હોવાની આશંકાઃ ૪૦૦ જેટલા લોકો ગાયબઃ ચાર ગામોનું ધોવાણઃ ઉત્તરોત્તર વધતો મૃતાંકઃ
નવી દિલ્હી તા. ૩૦: કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન થતા ૪૩ ના મોત થયા છે અને ૭૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આ આંકડાઓ ઉત્તરોત્તર વધી રહ્યાં છે. રાહત-બચાવની કામગીરી માટે એનડીઆરએફ ઉપરાંત સૈન્ય તૈનાત કરાયું હોવાના અહેવાલો વડાપ્રધાન અને વિપક્ષના નેતાએ દુઃખ અને સંવેદના વ્યક્ત કરી છે.
કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભીષણ ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં અત્યાર સુધીમાં ૪૩ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા મોટા પાયે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સ્થાનિક સૂત્રોના અહેવાલ મુજબ ૭૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં આ ભૂસ્ખલન થતા લોકો દટાયાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ ટીમોને મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા સહાયની પણ જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમના માટે હું પ્રાર્થના કરૃં છું. તમામ અસરગ્રસ્ત લોકોને મદદ હાલમાં ચાલી રહી છે.' વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પીએમએનઆરએફ તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે ૨ લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને વળતર તરીકે ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
રાજ્યમાં ભૂસ્ખલનની ઘટના પછી કેરળના મુખ્યમંત્રીની ઓફિસ તરફથી એક નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને થમરાસેરી પાસ દ્વારા જરૂરી વાહનો સિવાયના વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી પાસમાં ટ્રાફિક જામ ન થાય અને બચાવ ટીમને મુંડકાઈ સુધી પહોંચાડી શકાય. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
ઈમરજન્સી સહાય માટે હેલ્પલાઈન નંબર ૯૬૫૬૯ ૩૮૬૮૯ અને ૮૦૮૬૦ ૧૦૮૩૩ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર એમઆઈ-૧૭ અને એક એએલએચને તામિલનાડુના સુલુરથી રવાના કરવામાં આવ્યા છે.
કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમો તૈનાયત કરવામાં આવી છે.
એસડીએમએ ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમને પણ બચાવ કામગીરીમાં મદદ માટે વાયનાડ મોકલવામાં આવી છે. ભૂસ્ખલનના કાટમાળ નીચે સેંકડો લોકો દટાયા હોવાનું અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ જણાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે સતત ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. સેનાના જવાનો તથા એરફોર્સના સંકલન સાથે રાહત-બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
ભારે વરસાદને કારણે ચુરલમાલાનો બજાર વિસ્તાર કાટમાળથી ભરાઈ ગયો છે અને ત્યાં ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા છે. વરસાદના કારણે રેસ્કયુ ટીમને ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચુરલમાલથી મુંડક્કાઈ સુધીનો રસ્તો ધોવાઈ ગયો હોવાથી બચાવ કામગીરી પર ખરાબ અસર પડી છે. તેમ છતાં રેસ્કયુ ઓપરેશન અવિરત ચલાવાઈ રહ્યું છે.
રાહુલ ગાંધીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે વાયનાડના મેપ્પડીમાં થયેલા મોટા ભૂસ્ખલનથી હું ખૂબ જ દુઃખી છું. આ દુર્ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું આશા રાખું છું કે જે લોકો હજુ પણ ફસાયેલા છે તેઓને જલદી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial