Advertisement
Author: નોબત સમાચાર

વલસાડ જિલ્લામાં પોણા આઠ, ગીર સોમનાથ-જૂનાગઢમાં બે-અઢી ઈંચ વરસાદઃ એલર્ટ

ગુજરાતના ૧૦૭ તાલુકાઓમાં મેઘમહેરઃ સુરતના તાલુકાઓમાં ૭ થી ૮ ઈંચ વરસાદ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા.૨: ગઈકાલથી ગજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. સુરતના ત્રણ-ચાર તાલુકાઓમાં તથા વલસાડ-વાપીમાં ૭ થી ૮ ઈંચ તો સૌરાષ્ટ્રના ગીરસોમનાથ-જૂનાગઢ જિલ્લામાં થોડા કલાકોમાં જ બે-અઢી ઈંચ વરસાદ થતા લોકોને ઠંડક સાથે રાહત થઈ છે. ઉપરવાસના વરસાદના કારણે નર્મદામાં નવાનીરની આવક પણ શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં મેઘરાજાની મોડી પધરામણી છતાં, ગઈકાલે ૧૦૭ તાલુકામાં નોંધપાત્ર વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. ખાસ કરીને સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘમહેર જોવા મળી. છેલ્લા ૨૪ કલાકમાં સુરતના પલસાણામાં ૭.૯૯ ઇંચ અને વલસાડના ઉમરગામમાં ૭.૭૨ ઇંચ સહિત અનેક તાલુકામાં સરેરાશ ૭ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેનાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ગરમીથી મહદઅંશે રાહત મેળવી હતી. જોકે સૌથી વધુ વરસાદ ગુજરાતના સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ પર મેઘરાજાએ કૃપા વરસાવી હતી.

છેલ્લા ૨૪ કલાકમાં બારડોલીમાં ૭.૭૬ ઈંચ, મહુવામાં ૭.૫૨ ઈંચ, અંબિકામાં ૬.૪૬ ઈંચ, ઉમરપાડામાં ૪.૭૨ ઈંચ, વાપીમાં ૭.૪૪ ઇંચ અને પારડીમાં ૪.૪૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

નર્મદામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના દોરને પગલે હાલમાં ડેમમાં ૩૯૩૧૫ ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૬.૧૭ મીટરે પહોંચી ગઇ છે.

જૂનાગઢમાં પણ આજે સવારના બે કલાકમાં જ વંથલીમાં ૧.૭૩ ઈંચ વરસાદ સિવાય જૂનાગઢ તાલુકામાં ૦.૮૩ અને જૂનાગઢ સિટીમાં ૦.૮૩ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સુરતના પલસાણામાં આજે સવારના બે કલાકમાં અડધો ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.

મેઘરાજાએ ધોધમાર બેટિંગ યથાવત રાખતા આજે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં માત્ર બે કલાકના ગાળામાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે કોડીનારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા ૫ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કર્યુ છે. હવામાન વિભાગના મતે પવનની ગતિ ૪૦ થી ૫૦ કિમીની રહેશે અને વીજળી પડવાની શકયતા પણ રહેશે.

રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહૃાું છે અને થોડા-થોડા સમયના અંતરે ઝરમર ઝરમર વરસાદી ઝાપટા શહેરમાં વરસી રહૃાા છે. ગઈકાલે પણ સાંજના સમયે રાજકોટ શહેરમાં ઝરમર ઝરમર વરસાદી ઝાપટા અમુક વિસ્તારોમાં પડ્યા હતા, જેના કારણે ગઈકાલ સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં ૧૯ એમએમ, વેસ્ટ ઝોનમાં ૮ એમએમ અને ઇસ્ટ ઝોનમાં ૪ એમએમ વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

એનડીઈએમ પોર્ટલ પરથી મળેલા આઈએનસીઓઆઈએસ અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠે હાઈ વેવ એલર્ટ (ઊંચા મોજા ઉછળવાની ચેતવણી) જાહેર કરવામાં આવી છે. ૨ જુલાઈના રાત્રે ૧૧:૩૦ વાગ્યાથી લઈને ૩ જુલાઈના રોજ રાત્રે ૧૧:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન દરિયામાં ૩.૪થી ૩.૬ મીટર જેટલા ઊંચા એટલે કે, ૧૧ ફૂટથી ઊંચા મોજા ઉછળવાની પ્રબળ શક્યતા છે. દરિયાની આ તોફાની સ્થિતિને જોતાં માછીમારો, દરિયાઈ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને દરિયાકાંઠે મનોરંજન માટે જતાં પ્રવાસીઓને ખાસ સાવચેતી રાખવા અને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

હવામાન ખાતાની તાજી આગાહી

ગુજરાતમાં હવે ચોમાસાની ઝડપ વધવા લાગી હોય તેમ દક્ષિણ ગુજરાત તરફથી એન્ટ્રી કર્યા બાદ હવે ધીમે ધીમે અન્ય જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધતુ દેખાઈ રહૃાું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે આજે બે જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ૧૦ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ અને ૧૦ જિલ્લામાં હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ. પોરબંદર, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ. રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh