Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિટી બસના સ્ટાફનો વ્યવહારૂ અભિગમઃ મુસાફરોને રઝળવા ન દીધા
જામનગર તા. રઃ જામનગરમાં ગઈકાલે સાંજે લગભગ ૬ વાગ્યાની આસપાસ જ્યારે એકને બાદ કરતા અન્ય મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયા હતાં ત્યારે તેની માઠી અસર ઘણા વ્યવહારો પર થઈ હતી. તેમ છતાં ઈલેક્ટ્રીક સિટીબસ સેવાના સ્ટાફે ગઈકાલે પહેલી જુલાઈના દિવસે વ્યવહારૂ અભિગમ દાખવ્યો હતો.
મોબાઈલ નેટવર્ક ખોરવાતા ઊભી થઈ સમસ્યા
બન્યુ હતું એવું કે, ગઈકાલે સાંજે જ્યારે થોડા સમય માટે મોબાઈલ નેટવર્ક ખોરવાયા હતા, ત્યારે ટેકનીકલી તેની અસર અદ્યત્તન ટેકનોલોજી આધારિત વ્યવહારો પર પણ થઈ હતી, અને તે કારણે સાતરસ્તાથી ચેલા ગામ જતી એક ઈલે. સિટી બસનું પ્રસ્થાન અટકી પડ્યુ હતું.
બે સિટી બસોના સ્ટાફનું સંકલન
આ બસમાં બેસેલા સ્થાનિક મુસાફરો પણ દ્વિધામાં મૂકાયા હતાં અને બસનો સ્ટાફ પણ મુંઝવણ અનુભવી રહ્યો હતો. તેવામાં અન્ય ચેલા બસના સ્ટાફે આ બસના સ્ટાફ સાથે વાતચીત કરીને વ્યવહારૂ અભિગમ દાખવ્યો હતો.
વ્યવહારૂ અભિગમ
અન્ય સિટી બસના કન્ડક્ટર બહેનનું ટિકિટ બુકીંગ મશીન કામ કરતુ હોવાથી એ બસમાં આ બસના મુસાફરોને પણ શિફ્ટ કરાયા અને એ બસ ચેલા ગામ માટે રવાના થઈ હતી.
દોડીને સિટીબસમાં ચડ્યા મુસાફરો
આ દરમિયાન કન્ડક્ટર બહેને પ્રત્યેક મુસાફરોનું કાળજીપૂર્વક બુકીંગ કર્યુ હતું અને ચાલુ બસે પ્રથમ સ્ટોપ આવ્યુ, ત્યારે પણ બુકીંગ કરીને જ મુસાફરોને ઉતરવા દીધા હતાં, જેથી ટિકિટ બુકીંગમાં જૂના જમાના જેવી ગરબડ થતી નથી, તેવી ચર્ચા કરતા પણ મુસાફરો સંભાળાયા હતાં. આ દરમિયાન ચિક્કાર ભરાઈને જતી સિટીબસમાં દોડીને ચડતા મુસાફરોને જોઈને જામ્યુકોનો આ સિટીબસોનો આ પ્રયોગ સફળ થતો જણાયો હતો.
પરચૂરણની સમસ્યા
જો કે, ઈલે. સિટીબસમાં પરચૂરણની સમસ્યા જણાઈ હતી. મુસાફરો જ્યારે પાંચ-દસ રૂપિયાની ટિકિટ લેતી વખતે વીસ, પચાસ કે સો રૂપિયાની ચલણી નોટ આપે, ત્યારે સ્વાભાવિક રીતે જ બધાને બાકીની રકમ પરત કરવાની સમસ્યા ઊભી થતી હતી.
તે સમયે કેટલાક લોકોએ પાંચ-દસ રૂપિયાના સિક્કા આપીને ટિકિટ ખરીદી તો કેટલાક ત્રણ-ચાર મુસાફરોઓ એક સાથે ટિકિટ ખરીદી, પરંતુ આ રોજિંદી સમસ્યા નિવારવા જામનગર જનમાર્ગ ફાઉન્ડેશને બેંકો સાથે સંકલન કરીને પાંચ રૂપિયા અને દસ રૂપિયાના સિક્કા મેળવીને દરરોજ કન્ડક્ટરોને એડવાન્સમાં આપીને પછી ટ્રીપ પૂરી થયે તે સરભર કરવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેથી મુસાફરો અને સ્ટાફને મુશ્કેલી પડે નહીં, કારણ કે પાંચ-દસ, પંદર અને વીસ રૂપિયાના જ ટિકિટના દર હોવાથી પાંચ-દસ રૂપિયાના સિક્કાની વ્યવસ્થા થાય, તો આ સેવા ઘણી જ ઉપયોગી બની શકે છે.
પાંચથી વીસ રૂપિયામાં એ/સી ઈલેક્ટ્રીક બસની મજા !
આ ઈલેક્ટ્રીક સિટી બસ એરકન્ડીશન્ડ અને આરામદાયક બેઠક વ્યવસ્થા ધરાવે છે, તેથી આ આરામદાયક સ્થાનિક પ્રવાસની પણ એક અલગ જ મજા છે, તેમાં પણ અત્યારે ધોમધખતા તાપ અને અકળાવનારી ગરમીમાં આ સુખદ પ્રવાસ તરફ વધુને વધુ લોકો વળવા લાગે, તો આ સુવિધા હજુ પણ કાયમી ધોરણે વિસ્તરી શકે તેમ હોવાના પ્રત્યાઘાતો સંભાળાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial