Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાનું રૂ. ૧૨૪૩.૭ કરોડનું કરદર વધારા વિનાનું પુરાંતલક્ષી બજેટ

મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ આજે સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કર્યુંઃ

જામનગર તા. ૨ઃ જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫નું રૂ. ૧૨૪૩.૭૦ કરોડનું કરદર વધારા વગરનું પુરાંતલક્ષી બજેટ આજે મ્યુનિ. કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કર્યું છે.

જામનગર મહાનગર-પાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫ નું વાર્ષિક રૃા. ૧૨૪૩.૭૦ કરોડનું બજેટ આજે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેનને સુપ્રત કરવામાં આવ્યું હતું. પાણીની લાઈનમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું સમ્ય, રોડ-રસ્તાના કાર્યો, ગૌરવ પથ, નંદઘર, રિવરફ્રન્ટ, ઓડિટોરિયમ, નવા ફાયર સ્ટેશન, શાક માર્કેટ, સિવિક સેન્ટર, વગેરેનો નવા આયોજનો બજેટમાં સૂચવાયા હતા. આ ઉપરાંત વધુ એક વખત નવા સ્મશાનનું આયોજન પણ સૂચવાયું છે. આ બજેટમાં કરદરમાં કોઈ વધારો સૂચવાયો નથી.

જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ડે. મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સભ્યો, અધિકારીઓ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જે વર્ષ ૨૦૨૪-૨૫ નું વાર્ષિક રૃા. ૧૨૪૩ કરોડ ૭૦ લાખનું કરદર વધારા વગરનું બજેટ મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સમક્ષ કરવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષણ સમિતિનું બજેટ પણ રજૂ કરાયું હતું.

અવિરત વિકાસ અને સેવાયજ્ઞને આગળ વધારતા વિશેષ આયોજનો બજેટમાં સમાવાયા હતા. જેમાં ખીજડિયા ફિલ્ટર પ્લાન્ટ અને ફોરેસ્ટ ઓફિસ (ગંજીવાડા), સુધી બંને ફિલ્ટર પ્લાન્ટની ઠેબા ચોકડી સુધી ૭૦૦ એમએમ ડાયાની લંબાઈ સુધી પાઈપલાઈન  માટે રૂ. ૨૦.૮૨ કરોડના ખર્ચનું આયોજન થયું છે. જેમ છેવાડાના વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સારી બનશે. ઉપરાંત રૃા. ૨૩.૮૪ કરોડના ખર્ચે પાણી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નક્કી કરવામાં આવશે.

ઉંડ-૧ ડેમ પાસે ઈન્ટેકબેલ અને મશીનરી માટે રૃા. ૧૦ કરોડ ૯૧ લાખનો ખર્ચ, શંકર ટેકરી અને સમર્પણ ઈએસઆરમાં સમ્પ અને  મશીનરી માટે બાર કરોડના ખર્ચનું આયોજન કરાયું છે, રૂ. ૪૩.૮૩ કરોડના ખર્ચ રોડ રસ્તાના કામો, પાયલોટ બંગલાથી પંચવટી માન સરોવર એપાર્ટમેન્ટ સુધી ગૌરવ પથ માટે રૃા. ૧૫.૨૨ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.

૧૦૦ ટકા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચાર કરોડના ખર્ચે સીસીરોડ-પેવર બ્લોક તથા આયોજન મંડળ હસ્તક ધારાસભ્યની ૧૦, ર૦ તથા ૧૦૦ ટકા ગ્રાન્ટ અંતર્ગત રૃા. ૩ કરોડના ખર્ચે સીસીરોડ, પેવર બ્લોકના કામો કરવામાં આવશે.

જામનગરમાં રૂ. ૬ કરોડ ૩૬ લાખના ખર્ચે બનશે નંદઘર, જયારે રિવરફ્રન્ટ માટે ૬૦૦ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. જેથી શહેરને એક રી-ક્રિએશન ઝોન મળશે.

૧પ૦૦ બેઠકની સમક્ષા સાથેનું ઓડીટેરીયમનું પણ આયોજન દર્શાવાયું છે. તથા કાલાવડ રોડ અને લાલપુર માર્ગે એમ બે નવા ફાયર સ્ટેશનના કામો પણ સૂચવાયા છે. શહેરની હદ વધતા જરૃરીયાત મુજબ ખંભાળીયા અને લાલપુર માર્ગે રૂ. ૪ કરોડનું ખર્ચ નવા બે સીવીક સેન્ટર, સુભાષ માર્કેટનું રી-ડેવલોપમેન્ટ ઉપરાંત સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામ અને બે નવા કેટલ પોન્ડ કામો પણ બજેટમાં સૂચવાયા છે.

વિશાલ હોટલ પાછળ રર હજાર ચો.મી. જગ્યામાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી રૂ. ૩૧ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. હાપા નજીક પાંચ કરોડના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ અન્ય સ્થળે ફૂટબોલ ગ્રાઉન્ડનું પણ સરકારના સહયોગથી આયોજન થયું છે.

રૂ. સાડાચાર કરોડના ખર્ચે ૧પ કિ.મી લંબાઈમાં બાઈડનીંગ તથા ડી.પી. રસ્તા ખુલ્લા કરવા તેમજ ટીપી-ડીપીના રસ્તા માટે ૬પ કિમીની લંબાઈના રસ્તા ખુલ્લા કરવા માટે રૃા. ૧૦ કરોડની ગ્રાન્ટનું આયોજન છે. પેકેજ-૧ અન્વયે રૃા. ૧૯.પ૦ કરોડના ખર્ચે પેકેજ -રમાં ૧૪.૯પ કરોડના ખર્ચે આસ્ફાલ્ટ રોડનું આયોજન સૂચવાયું છે.

વિજયનગર જકાત નાકાથી નાઘેડી બાયપાસ રોડ પર અન્ડર બ્રીજ માટે રૂ. ૧૯.ર૦ કરોડ, તેમજ ત્રીજા સ્મશાન માટે વધુ એક વખત આયોજન જાહેર કારયું છે. બેડી મરીનથી વાલસુરા નેવી થઈ રોઝી પોર્ટ સુધી રૃા. ૧૦ કરોડના ખર્ચે નેકલેશ રોડનો પણ ફરી વખત ઈરાદો જાહેર થયો છે.

શહેરમાં બે ડિજીટલ લાયબ્રેરી પાર્ટી પ્લોટ, વિકસાવવા, પીપીપીના ધોરણે મીની એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા, કુલ પાંચ ગૌરવ પથ બનાવવા તથા ત્રણ દાદા-દાદી પાર્ક બનાવવાનો ઈરાદો જાહેર કરાયો છે.

રણમલ તળાવ ફેસ-રના ડેવલોપમેન્ટ માટે રૂ. ૩પ કરોડ ના સરકારની અમૃત યોજનાની ગ્રાન્ટ અન્વયે કામનું આયોજન માંડવી ટાવરનું રેસ્ટોરેશન, ઈ.બસ સેવા વધારવા શહેરના માર્ગો રોશનીથી સુશોભિત કરવા, પાંચ મેગાવોટ પાવર ગ્રીન-રીન્યુએબલ એનર્જીથી મેળવવા, ગંદા ઘર વપરાશી પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાસ કરવા માટે ૧૧૦ કરોડના ખર્ચે એસ.ટી.પી અને પમ્પીંગ સ્ટેશન બનાવવા, આવાસ રી-ડેવલોપમેન્ટ, સ્વચ્છ જામનગર સ્વસ્થ જામનગર યોજના અન્વયે સેન્ટી લેન્ડફીલ સાઈટ વિકસાવવા, કમ્પોસ્ટ પ્લાન્ટ વિકસાવવા સહિત મશીનરી વગેરે માટેનું આયોજન પણ ઘડી કાઢવામાં આવ્યું છે.  ૧૩ નવી ટીપી સ્કીમના અમલીકરણ, વગેરેનું આયોજન કરાયું છે. આગામી વર્ષમાં રૃા. ૭૯૪ કરોડના કામોનું આયોજન જાહેર થયું છે. જેમાં ગ્રાન્ટ ઉપ્લબ્ધ થયેથી કામો શરૃ કરાશે.

આ ઉપરાંત શહેરમાં કરોડો રૃપિયાના ખર્ચે અનેક વિકાસ કામો પ્રગતિમાં હોવાનું જાહેર કરાયું છે. જેમાં ફલાય ઓવરબ્રીજ, રેલવે ઓવરબ્રીજ, અન્ડર બ્રીજ, સાયન્સ નોલેજ પાર્ક, નવા જનલર બોર્ડની ઈમારત, ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર,રોશનીથી માર્ગ સુશોભિત, ઘરના ઘરની યોજના અન્વયે આવાસ યોજના વગેરે કામોનો સમાવેશ થાય છે.

ઉઘડતી પુરાંત રૂ. ૩૬પ.૧૬ કરોડ, સ્વભંડોળની આવક રૃા.૩૧૪.૧૪ કરોડ, ગ્રાન્ટની આવક રૂ. ૧૦૬.૮૬ કરોડ, કેપીટલ સ્વભંડોળની આવક ૩પ કરોડ, કેપીટલ ગ્રાંટ આવક રૃા. પ૬૪ કરોડ અનામત આવક રૃા. ૪૧.૩૦ કરોડ અને એડવાન્સ આવક રૂ. ૧.૧૦ કરોડ મળી કુલ ૧૦૬ર. ૪૦ કરોડ અને ઉઘડતી સિલક સહ રૃા. ૧૪ર૭.પ૬ કરોડની આવક સામે ખર્ચના અંદાજમાં મહેસુલી ખર્ચમાં સ્વભંડોળ ખર્ચ રૂ. ૩૬પ.૯૯ કરોડ, ગ્રાન્ટ ખર્ચ રૃા. પપ.૦૧ કરોડ, કેપીટલ સ્વભંડોળ ખર્ચ રૃા. ૪પ કરોડ, કેપીટલ ગ્રાન્ટ ખર્ચ રૃા. ૭.૪૯ કરોડ, અનામત ખર્ચ રૃા. ર૭.૪૦ કરોડ, તેમજ એડવાન્સ ખર્ચ રૂ. ૧.૩૦ કરોડ મળી કુલ ૧ર૪૩.૭૦ કરોડનો ખર્ચ અને રૃા. ૧૮૩.૮૭ કરોડથી બંધ પુરાંત દર્શાવાઈ છે.

મહેસુલી આવક રૃા.૪ર૧ કરોડ અંદાજવામાં આવી છે. જેમાં શરૂઆતની મહેસુલી સિલક કુલ રૃા. ૧૭.૯૩ કરોડ ઉમેરતા કુલ રૃા. ૪૩૮.૯૩ કરોડ અને મહેસુલી ખર્ચ ૪ર૧ કરોડ અંદાજવામાં આવ્યા છે. અને વર્ષાન્તે રૂ. ૧૭.૯૩ કરોડની બંધ મહેસુલી બંધ પુરાંત દર્શાવાઈ છે.

મહેસુલી આવકમાં ટેકસની આવક ૧૧૭.૬૭ કરોડ ટેકસ વગરની આવક ૧૬૧.પ૪, એજ્યુકેશન શેષ, લેબર વેલ્ફેર શેષની આવક રૃા. ૧૮.૪૦ કરોડ, ઓકટ્રોય ગ્રાન્ટ આવક ૪ર કરોડ અન્ય ગ્રાન્ટ આવક રૃા. ૬૪.૮પ કરોડ તથા અન્ય આવક રૃા. ૧૬.પ૩ કરોડ મળી ૪૨૧ કરોડ સાથે મહેસુલી ખર્ચમાં એસ્ટા (સ્ટાફ) રૃા. ૯૮.૭ર કરોડ, એસ્ટા (સફાઈ) રૃા. ૧૦૬.૧૩ કરોડ, એસ્ટા (જેએમટીએસ) રૃા. પ.૬૪ કરોડ, વહીવટી ખર્ચ રૃા. પ.પ૮ કરોડ, મરામત નિભાવ રૂ. ૬૬.૧૦ કરોડ મહેસુલી ગ્રાન્ટ ખર્ચ રૂ. પપ.૦૧ કરોડ, લોન વ્યાજ ખર્ચ  રૂ. ૦.૮પ કરોડ, એજ્યુકેશન શેષ લેબર વેલફેર સરકારમાં જમા કરાવવા માટે રૂ. ૧૭.૯૦ કરોડ, પ્રોગ્રામ ખર્ચ રૃા. પ.૯૩ કરોડ

જાહેર શિક્ષણ ખર્ચ રૂ. ર૭.રપ કરોડ તેમજ કેપીટલ ખાતે ટ્રાન્સફર ખર્ચ રૂ. ૧૧.૭૪ કરોડ મળી કુલ ૪ર૧ કરોડ થવા જાય છે.

રૂપિયો કયાંથી આવશે કયાં વપરાશે

મહેસુલી આવકમાં ટેકસની આવક ર૮ પૈસા, ટેકસ વગરની આવક ૩૮ પૈસા, એજ્યુકેશન શેષ, લેબર વેલફેર શેષ ૪ પૈસા ઓકટ્રોય ગ્રાન્ટ આવક ૧૦ પૈસા, અન્ય ગ્રાન્ટ આવક ૧૬ પૈસા અને અન્ય આવક ૪ પૈસા મળી કુલ ૧૦૦ પૈસા સામે ખર્ચમાં એસ્ટા (સ્ટાફ) ર૪ પૈસા, એસ્ટા (સફાઈ) રપ પૈસા, એસ્ટા (જેએમટીએસ) ૧ પૈસા વહીવટી ચાર્જ ૧પૈસા, મરામત નિભાવ ૧૬ પૈસા, મહેસુલી ગ્રાન્ટ ૧૨ પૈસા એજ્યુ. વેલફેર શેષ ૪ પૈસા, પ્રોગ્રામ ખર્ચ ૧ પૈસો, જાહેર શિક્ષણ પાંચ પૈસા, પરચુરણ ખર્ચ ૭ પૈસા, કેપીટલ ટ્રાન્સફર ૩ પૈસા મળી ૧૦૦ પૈસા.

જામનગર મહાનગર પાલિકાની વિવિધ લોન, પાણી ચાર્જ વગેરે મળી અને વ્યાજ સહિત કુલ રૂ. ૮૧૯૩૮.૭૯ લાખની જવાબદારી અને રૂ. ૬૩૬૪૦. ૯૧ લાખનું લેણું બાકી નીકળે છે. આમ માથા દીઠ આવક રૂ. ૬૯૦૬ ની છે. જ્યારે માથાદીઠ દેવુ રૂ. ૧૩૪૪૦ નું છે.

આમ આજે કરદર વધારા વગરનું અંદાજપત્ર રજુ થયું છે હવે તેમાં સુધારા-વધારા સૂચવી સામાન્ય સભા સમક્ષ રજુ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh