Advertisement
Author: નોબત સમાચાર

શેઠની શિખામણ ઝાપા સુધી...... ટકોર થી નહીં ચાલે, ટકોરા મારવા પડશે.....

જામનગરમાં વીઆઈપી કે રાષ્ટ્રીય કક્ષાના વીવીઆઈપી આવે, ત્યારે એરપોર્ટ અથવા એરફોર્સમાં તેઓનું વિમાન કે હેલિકોપ્ટર ઉતરાણ કરે, અને તે પછી કાર્યક્રમના સ્થળે જાય, સરકીટ હાઉસમાં જાય છે. આ સમયે એરપોર્ટ કે એરફોર્સથી લાલબંગલા સુધીના માર્ગો તથા જે-તે મહાનુભાવોના કાર્યક્રમના સ્થળ સુધીના માર્ગો તદ્દન સાફ-સુથરા થઈ જાય, દવા છંટકાવ થઈ જાય, રખડતા ઢોર, અને આવારા શ્વાન હટી જાય અને જ્યાં પોલ ખુલી જાય, તેવા આજુબાજુના સ્થળો છુપાવવા બન્ને સાઈડમાં કામચલાઉ પાર્ટીશન ઊભા કરીને પડદા લાગી જાય, તે જામનગરની જનતાએ અવાર-નવાર જોયું જ હશે. ઘણી વખત ગવર્નર કે નેવીના સર્વોચ્ચ સત્તાધીશો આવે અને આઈએઅએસ વાલસુરા તરફ જાય, ત્યારે એરપોર્ટ કે એરફોર્સ ચોકડીથી દિગ્જામ મીલ, બેડીબંદરવાળા રોડ ઉપર પણ આવું જ "કામચલાઉ" પરિવર્તન થતુ જોવા મળે.

આ સ્થાનિક તંત્રો અને નેતાઓની તરકીબ માત્ર જામનગરમાં જ અજમાવાતી હોય તેવું નથી, પરંતુ અન્ય શહેરોમાં પણ આવું જ હંગામી અથવા પ્રાસંગિક પરિવર્તન થતું હોય છે, અને ત્યાંના નગરજનો પણ આવા "દુર્લભ" બદલાવ હંગામી ધોરણે થતો જૂએ ત્યારે બોલી ઉઠતા હશે કે, "આજે કોઈક (વીઆઈપી કે વીવીઆઈપી) આવવાનું લાગે છે...!!!

એવું નથી કે આ પ્રકારની ચબરાકીભર્યા "ટેમ્પરરી એકસન્સ" થી આગંતૂક મહાનુભાવ - વીઆઈપી કે વીવીઆઈપીથી અજાણ હોય છે અથવા માહિતગાર હોતા નથી. આ પ્રકારની "તડામાર તૈયારીઓ" ની તેઓને પણ પૂરેપૂરી ખબર જ હોય છે, પરંતુ સ્વાભાવિક રીતે તેઓની પણ આ પ્રકારની ડ્રામેબાજીમાં મૂક સંમતિ જ હોય છે.

જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ અને મોરબીની મુલાકાતો દરમિયાન સ્થાનિક તંત્રો અને નેતાગીરીને કરેલી "ટકોર" પછી એ પુરવાર થઈ ગયું છે કે, સરકાર અને મહેમાન (વીઆઈપી કે વીવીઆઈપી) ને એ ખબર જ હોય છે કે તેઓની મુલાકાત સમયે જ આવી ચોક્કસાઈ રખાતી હોય છે, પરંતુ તેમાંથી જ કેટલાક સવાલો પણ ઉઠે છે, કેટલાક પોથીના પંડિતો સવાલો ઉઠાવવા સામે પણ સવાલો ઉઠાવતા હોય છે, પરંતુ જો સવાલો જ નહીં ઉઠે તો જવાબો પણ નહીં મળે, રાઈટ...?

મુખ્યમંત્રીએ ભલે જાહેર કાર્યક્રમોમાં ટકોરો કરી હોય કે "નેતાઓ આવે ત્યારે જ સફાઈ કરવાના બદલે કાયમી ધોરણે સફાઈ કરજો", પરંતુ "શેઠની શિખામણ ઝાપા સુધી" ની કહેવતની જેમ સ્થાનિક નેતાઓ અને તંત્રો બીજા જ દિવસે આ ટકોર ભૂલી ગયા હશે અથવા હળવી મજાક કે ઝુમલો ગણીને અવગણી રહ્યાં હશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝીણી નજરવાળા છે અને કાર્યક્રમમાં કોઈ સ્થાનિક નેતાની અવગણના થઈ હોય કે આંતરિક ખેંચતાણના કારણે કોઈ મહત્ત્વના લોકલ નેતાને યોગ્ય સ્થાન ન અપાયું હોય, ત્યારે મુખ્યમંત્રી નામ જોગ ઉલ્લેખ કરે છે અથવા "ક્યાંય દેખાતા કેમ નથી...?" તેવી ટકોર કરીને પાર્ટીના સ્થાનિક નેતૃત્વને પણ ઢંઢોળતા હોય છે.

જો કે, નિયમિત સ્વચ્છતા, સુશોભન, સારા માર્ગો અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિઓ કાયમી ધોરણે થતી રહે, તે માટે માત્ર આ પ્રકારની "ટકોર" કામ નહીં લાગે, બલ્કે ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે "ટકોરા" પણ મારવા પડશે... તંત્રો અને નેતાઓને સુધારવા "ટકોરા" કેવી રીતે મારવા, તે તો ભૂપેન્દ્રભાઈએ તેઓના રાષ્ટ્રીય નેતૃત્વ પાસેથી શિખી જ લીધુ હશેને...?

હમણાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શ્રેણીબદ્ધ આકરા કદમની આખી દુનિયામાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો ઉકેલવા તો ભારત સરકારે એક આખું પ્રતિનિધિમંડળ પણ મોકલવું પડ્યું, પરંતુ ભારત પાસેથી "પ્રેરણા" મેળવીને ટ્રમ્પે અમેરિકામાં પણ વિદેશી મહેમાન (વીવીઆઈપી) ના આગમન સમયે આજુબાજુની ઝુંપડપટ્ટી કે અયોગ્ય દૃશ્યો દેખાય ન જાય તે માટે પાર્ટીશન ઊભા કરાવ્યા હોવાના અહેવાલો આવ્યા હતાં.... જો આ પ્રકારની "પ્રેરણા" ટ્રમ્પે ભારતીય નેતાગીરી કે તંત્રો પાસેથી મેળવી હોય તો તે "ગૌરવપ્રદ" ન ગણાય...?.... વિચારો...

ગુજરતના શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે વીવીઆઈપી કે વીઆઈપીની મુલાકાતો સમય આ પ્રકારનો "ઢાંકપિછોડો" થતો હોય અને તે અંગે જો ત્રિપલ એન્જિનની સરકાર અને શાસક પક્ષની ત્રિસ્તરિય નેતાગીરી પણ માહિતગાર જ હોય, તો સવાલ એ પણ ઉઠે છે કે, આ પ્રકારનો "ઢાંક પિછોડો" કરવાનો અર્થ શું...? આવો "દેખાડો" શા માટે કરાતો હશે...?

તેનો જવાબ એ હોય શકે કે આ પ્રકારના પૂર્વ આયોજીત પ્રબંધો "કેમેરા" ની આંખોથી બચવા માટે કરાતા હશે. પ્રેસ મીડિયા જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના એક્ટિવ પબ્લિક "રિપોર્ટરો" ના હાથવગા મોબાઈલ સેલફોનના કેમેરાઓમાં "અનિચ્છનિય" દૃશ્યો ઝડપાઈ જાય, તેની તકેદારી રખાતી હોય, તેવું બની શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh