Advertisement
Author: નોબત સમાચાર

ઉંડ નદીના કાંઠે આવેલા રહેવાસીઓ, ખેડૂતોની જમીનનું ધોવાણ

જોડિયા તાલુકાના બાદન પર ગામના

જામનગર તા. ૬: જોડિયા તાલુકાના બાદનપર ગામના ઉંડ નદીના કાંઠે આવેલ જમીનોનું ધોવાણ થઈ જવા અંગે બાદનપર ગામના ખેડૂતોએ રાજ્યના કૃષિમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરી છે.

ચાલુ વર્ષે ઓગસ્ટ-ર૦ર૪ માં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થયેલ છે. ઉંડ-ર ડેમના નીચાણવાળા વિસ્તારમાં લખતરથી લઈને જોડિયા સુધી ખેડૂતોની જમીનો છે. વધારે વરસાદને કારણે ઉંડ-૧ અને ઉંડ-ર ડેમ ઓવરફલો થતા જેનું પાણી બધા દરવાજા ખોલી નાખતા એકદમ પ્રવાહને કારણે કાંઠા વિસ્તાર તેમજ કાંઠાની નજીક આવતા જમીનોમાં સખત ધોવાણ થયેલ છે. જેને કારણે ઊભા પાકો જેવા કે મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકો પાણીના પ્રવાહમાં તણાઈને નાશ પામેલ છે. આ ઉપરાંત ઘણાં વિસ્તારોમાં બાગાયતી પાકો જેવા કે મગફળી, કપાસ, આંબા, નાળિયેરી, ચીકુ, ખારેક, બોરડી અને અન્ય ફળઝાળો પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલ છે. અથવા તો પડી ગયેલ છે. ઉપર પૂર આવવાને કારણે જમીનોના સેઢા, જમીનમાં ધોવાણથી વોકરા પડી જવા, ઉપરની બધી માટીનું ધોવાણ થઈને વહી ગયેલ છે. અને ઘણી જમીનો પરથી બહારથી આવેલ માટી પથ્થરો અને અન્ય કચરાના ઢગલા થઈ ગયેલ છે. આથી સમગ્ર નુકસાની જોતા ખેડૂતોને માથે ઓઢીને રડવા સિવાય કોઈ સહારો દેખાતો નથી. આવી પૂરની ઘટનાઓ છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ વખત બનવા પામેલ છે. હવે ખેડૂતો પાસે રીપેર કરવા માટે દમ કે દામ નથી રહ્યાં, અગાઉ સરકાર દ્વારા બનાવેલ અધકચરા બંધ પાળા તૂટી જવા પામેલ છે. આથી સરકારના નાણાનો પણ દૂરઉપયોગ થાય છે, અને ખેડૂતોને હેરાનગતિ થાય છે.

ઉંડ-ર અને ઉંડ-૧ ડેમમાંથી અવિરત પાણી છોડવાને કારણે ડેમના પાણી નદી કાંઠાના પાળાઓ તોડીને ખેતરોમાં અંદાજે પાંચથી સાત ફૂટ સુધીના લેવલ સુધી ગયેલ, અને ખેડૂતોના ઊભેલા પાકોનો વિનાશ વેરી નાખેલ છે. આ સીઝનના ઊભા પાકોમાં, મુખ્યત્વે મગફળી, કપાસ, કઠોળ અને બાગાયતી પાકો, નષ્ટ પામેલ છે. આથી હાલ તુરંત પાકમાં થયેલ નુકસાન મુજબ સર્વે કરી અને તાત્કાલીક ધોરણે સહાય ચુકવવામાં આવે તેમજ ધોવાણ થયેલ જમીનને સરખી કરવા માટે સરકાર દ્વારા તેમની સાધન સામગ્રીથી બંધપાળા તેમજ જમીન લેવલ કરી આપવામાં આવે. ખેતરો અને વાડીએ જવાના રસ્તાઓ પણ સરકાર દ્વારા રીપેર થાય તેવી રજુઆત કરવામાં આવી છે.

ઉંડ-ર નદીના પટ વિસ્તારમાંથી સરકાર દ્વારા રેતી કાઢવા માટે લીઝ આપવામાં આવે છે. આથી ઠેકેદારો દ્વારા વિપુલ માત્રામાં રેતી કાઢી લેવામાં આવે છે. જેને કારણે નદી ઉંડી થઈ જાય છે અને પાણી ઘુમરે ચડીને કાંઠા વિસ્તારનું ધોવાણ કરી નાખેલ છે. રેતી કાઢવાના હિસાબે આવી પરિસ્થિતિ ઉભી થયેલ છે. આવું ૧૦૦ વર્ષમાં કયારેય પણ આટલું મોટું નુકસાન કે ધોવાણ થયેલ નથી. જેટલું આ સાલ થયેલ છે. આથી જો સરકારે ખેડૂત અને ખેતી બચાવવા હોય તો તાત્કાલિક અસરથી રેતી કાઢવાની લીઝ બંધ કરવામાં આવે તેવી માંગણી છે.

સરકાર દ્વારા આ પાક અને જમીન ધોવાણની બાબતે સર્વે થાય અને નુકસાની મુજબ સહાય ચુકવવામાં આવે નહીં કે વિઘા દીઠ સર્વે માટે એક જ ધારા ધોરણ નક્કી થાય વધારે નુકસાન તો વધારે વળતર એ મુજબ ન્યાય આપવામાં આવે. નદી કાંઠા ઉપર આવેલ જમીનનું ઘણાં ખેડૂતોને એકથી ત્રણ વિઘા સંપૂર્ણપણે ધોવાઈ ગયેલ છે અને તે નદીમાં પરિવર્તિત થઈ ગયેલ છે. આના કારણે નદીનો વિસ્તાર પણ પહોળો થઈ ગયેલ છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોના નદી કાંઠે આવેલ કુવા, ઈલેકટ્રીક મોટર, ઓરડીઓ, પાઈપલાઈન, વીજ કનેકશન મોટર ચલાવવાના લાઈટ બોર્ડ વિગેરે સંપૂર્ણ પણે તણાઈ ગયેલ છે. નદીમાં જતી રહેલ જમીનનો યોગ્યતમ બજારભાવે વળતર મળે, તણાઈ ગયેલ સાધન સામગ્રીનું યોગ્ય વળતર મળે તેવી માંગણી કરવામાં આવી છે.

સૂચનો : ઉંડ-ર ડેમ વિસ્તાર લખતરથી લઈને જોડીયા સુધી આવેલ છે. તેમાં પાણી નિકાલ માટે અગાઉ આયોજન હતુ જે હાલ બંધ છે. પાણી મુખ્ય નદીમાંથી જ વહે છે. આથી આ જુના નિકાલો ફરીથી ચાલુ થાય કે જેથી કરીને પાણીનો પ્રવાહ ઘટાડી શકાય. સરકાર દ્વારા એવી એક પેટા કેનાલ બનાવવામાં આવે જે જરૂરિયાત મુજબ પાણીને ડાયવર્ટ કરીને સીધુ સમુદ્રમાં મોકલી શકાય. ગામની ગૌચર જમીનમાં આવેલ ગાંડા બાવળોનો નિકાલ કરવો જે પાણીને જવા માટે અવરોધરૂપ છે.

જોડિયાથી જામનગર જવા માટે આવેલ રોડ પાણીને અવરોધરૂપ થાય છે. જે પાણીને રોકીને પરત મોકલે છે. આથી આ ફલાયઓવર પુલ બનાવીને પાણીનો યોગ્ય નિકાલ કરી શકાય આવા પુલનું નિર્માણ કરવામાં આવે તથા નદીના કાંઠે સિમેન્ટ ક્રોકીંટનું પેચીંગ કરી પાકો કાંઠાનું આયોજન કરવા ખેડૂતોએ રજુઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh