Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: સમગ્ર ગુજરાતમાં અત્યારે ગામે-ગામ, દરેક શહેર-જિલ્લામાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સામે ઉગ્ર વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે.
રૂપાલાના નિવેદને ગુજરાતમાં ભાજપને બેકફૂટ ઉપર લાવી દીધો છે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજની નોંધપાત્ર વસતિ છે અને આ સમાજ રાજકીય તથા આર્થિક રીતે સક્ષમ સમાજ બની રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજની માંગણીને હવે ઉવેખવી ભાજપને પરવડે તેમ નથી... અને ક્ષત્રિય સમાજની એક માત્ર માંગણી છે કે ભાજપની નેતાગીરી તેમની ટિકિટ રદ કરી અન્ય ઉમેદવાર જાહેર કરે ક્ષત્રિય સમાજ અન્ય કોઈ ચર્ચા કે સમાધાન માટે તૈયાર નથી તેવા આક્રોશભર્યા નિવેદનો ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો અને પુરૂષ નેતાઓ કરી રહ્યા છે.
આટ આટલો વિરોધ ઉઠવા પામ્યો છે, દિવસે-દિવસે તે વધુ ઉગ્ર બની રહ્યો છે ત્યારે રહી-રહીને ગુજરાત પ્રદેશ ભાજપની નેતાગીરી જાગી છે... પ્રદેશ પ્રમુખે પોતાના નિવાસસ્થાને મિટિંગ બોલાવવી પડી... પણ ... આ મિટિંગમાં પણ ભાજપ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાને બદલવાના મૂડમાં નથી તેવો નિર્ણય લેવાયો હોય તેમ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજને મોટું મન રાખી માફ કરી દેવા વિનંતી કરવી પડી છે.
આજે ફરીથી ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવા-સમજાવવા ભાજપે મિટિંગ યોજી છે. પણ તે પહેલાં ક્ષત્રિય સમાજની લડત સંકલન સમિતિની બેઠક યોજાનાર છે અને અંતિમ સ્થિતિ પ્રમાણે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની એકમાત્ર માંગણી સાથે અડગ છે.
સમગ્ર ઘટનાક્રમમાં ભારતીય જનતા પાર્ટી જેવા અત્યંત મજબૂત અને સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા, અનુશાસન અને શિસ્તબદ્ધ કેહવાતા પક્ષના મોવડી મંડળે તેમના જ પક્ષના એક ઉમેદવારના વાણી વિલાસને કારણે જાહેરમાં માફી માંગવી પડે તે બાબત આશ્ચર્યજનક બની રહી છે. ભાજપે ગુજરાતમાં બે ઉમેદવારોને બદલ્યા જ છે, તો રૂપાલાને બદલવામાં ડર શાનો..?
ખરેખર તો જો રૂપાલા ભાજપના પાયાના અને પક્ષને સંપૂર્ણ સમર્પિત વ્યક્તિ હોય તો તેમણે ખૂદ જ સામે ચાલીને હાલની સ્થિતિને નજરમાં રાખીને ચૂંટણીમાંથી ખસી જવાની જરૂર છે. પણ... અહીં તો હજી પણ રૂપાલા સાહેબનો અહ્મ કે અન્ય કોઈ કારણોસર પક્ષના મોવડી મંડળ ઉપર પૂરો ભરોસો રાખીને જરાપણ વિચલીત થયા નથી...!
ભાજપના મોવડી મંડળ સામે હજી પણ વડોદરા, બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ જેવી બેઠકો પરના ઉમેદવારો સામે ચાલી રહેલા વિરોધ અંગે મુંઝવણ થઈ રહી છે ત્યારે રાજકોટનો પ્રશ્ન અત્યંત મહત્ત્વનો અને વધુ પેચીદો બની રહ્યો છે. જો ભાજપ આ બાબતે ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારીને રૂપાલાને હટાવી લ્યે તો અન્ય સ્થળે ચાલી રહેલા વિરોધને ઉત્તેજન મળી શકે છે.. અને આ સ્થિતિ ભાજપ ગમે તે ભોગે ટાળવા મથી રહ્યું છે.
જો કે ભાજપના ટોચના પ્રચારકો દ્વારા શરૂઆતથી જ એવો પ્રચાર થઈ રહ્યો છે કે પક્ષનો ઉમેદવાર કોઈપણ હોય, ત્યારે 'મોદી' અને 'કમળ' ને મતદાન કરવાનું છે તો પછી રૂપાલાને બદલે અન્ય ચહેરાને મૂકવામાં આટલો હીચકીચાટ શા માટે ?
આજે સાંજ સુધીમાં કોઈ નવાજુની કે આ પ્રકરણનો અંત આવે તેવી ગતિવિધિ ચાલી રહી છે હવે ખરેખર તો નિર્ણય લેવાનો સમય ક્ષત્રિય સમાજ નહીં, ભાજપનું મોવડી મંડળ નહીં પણ રૂપાલા માટે આવી ગયો છે. !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial