Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના માંડાસણ ગામના આંગણે વિરાટ અગ્નિષ્ટોમ સોમયજ્ઞનો પમી એપ્રિલથી થશે પ્રારંભ

પૃષ્ટિ સંપ્રદાય દ્વારા થનારા ભવ્ય આયોજનમાં પ.પૂ.ગો. ૧૦૮ શ્રી હરિરાયજી મહોદય યજ્ઞકર્તા તરીકે બીરાજશે

જામનગર તા. ૩: તા. પ-એપ્રિલથી ૧૦ એપ્રિલ ર૦ર૪ દરમિયાન પુષ્ટિ સંપ્રદાય દ્વારા જામજોધપુરના માંડાસણ ગામને આંગણે સમસ્ત વૈષ્ણવ સમાજ - માંડાસણ દ્વારા સૌપ્રથમ વાર વિરાટ અગ્નિષ્ટોમ સોમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે સૌ પ્રથમવાર વિરાટ સમસ્ત વૈષ્ણવ સમાજ માંડાસણ દ્વારા અગ્નિષ્ટોમ સોમયજ્ઞ તા. ૫ એપ્રિલથી ૧૦ એપ્રિલ, ૨૦૨૪ દરમિયાન  યોજાશે. આ વિરાટ અગ્નિષ્ટોમ સોમયજ્ઞમાં પરમ વંદનીય વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી દામોદરલાલજી મહારાજશ્રી (શ્રી વિજયકુમારજી મહારાજશ્રી)ના મંગલ આશીર્વાદથી યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો.૧૦૮ શ્રી હરિરાયજી મહોદયશ્રી (કડી, અમદાવાદ, સુરત, મુંબઈ, મુરેના) યજ્ઞકર્તા તરીકે બિરાજશે.તથા યુવા વૈષ્ણવાચાર્ય પ પૂ. ગો. શ્રી દર્શનકુમારજી મહોદયશ્રીના સાંનિધ્યમાં માંડાસણ ગામના ઉત્સાહી યુવા આયોજકો તરીકે શ્રી શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ સાકરીયા(કન્વીનર, જામજોધપુર ખોડલધામ ટીમ),શ્રી દિલીપભાઈ બાબુભાઈ ગધેથરિયા, શ્રી ગોપાલભાઈ રણછોડભાઈ સાકરીયા, શ્રી વ્રજલાલભાઈ જેરામભાઈ મુંજપરા, શ્ર ી પ્રવીણભાઈ છગનભાઈ વિરાણી ના માર્ગદર્શનમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં હજારો યુવકો સ્વયમ્ સેવકોની ભૂમિકા નિભાવશે. સમગ્ર આયોજન દરમિયાન પાંચેય દિવસ વૈષ્ણવો માટે પ્રસાદ (ભોજન) ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.રાત્રિ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૈષ્ણવ રાસનું આયોજન થશે. સોમયજ્ઞને સમાંતર શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞ પણ યોજાશે.કાર્યક્રમના આગલા દિવસે તા.૪ એપ્રિલના ભવ્ય શોભાયાત્રા નીકળશે.

આ આયોજન માટેના મોટા ખર્ચને પહોંચી વળવા માંડાસણ ગામના જામનગર અને રાજકોટ સ્થિત ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે દાન આપીને વતન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ સોમયજ્ઞ પાંચેય દિવસ દરમિયાન વિવિધ સામાજિક અગ્રણીઓ, રાજકીય મહાનુભાવો, ધારાસભ્યો અને સંસદ સભ્યો તેમજ અગ્રણી વૈષ્ણવ મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. પાંચેય દિવસમાં હજારો વૈષ્ણવો સોમયજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવશે.

ઉલ્લેખનીય છે કે, સોમયજ્ઞ સનાતન વૈદિક સંસ્કૃતિની રક્ષા માટે, વૈશ્વિક શાંતિ માટે, પર્યાવરણની શુદ્ધિ માટે, યજ્ઞના અગ્નિમાં વનસ્પતિનો સ્થૂળ રૂપે વિનિયોગ થાય છે સૂક્ષ્મ રૂપે વનસ્પતિનો પ્રભાવ યજ્ઞના ધુમાડા દ્વારા સમગ્ર વાયુ મંડળમાં ફેલાય છે તેનાથી પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશમાં રહેલા ઝેરી કીટાણુઓ નાશ પામે છે. સોમ યજ્ઞ સ્થળ બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવે છે. સોમ યજ્ઞમાં વેદની ઋચાઓના ગાનના શ્રવણનું પણ વિશેષ મહત્ત્વ છે.

આ ભવ્યાતિભવ્ય આયોજન માટે મુખ્ય દાતા પરિવાર જીતુભાઈ કરમશીભાઈ કમાણી અને ભોવાનભાઈ ભુરાભાઈ કમાણી પરિવાર, અને રમેશભાઈ વલ્લભભાઈ અભંગી, મુકેશભાઈ વલ્લભભાઈ અભંગી પરિવાર આ બંને પરિવારો દ્વારા એકવીસ લાખ રૂપિયાની માતબર રકમનું દાન, અન્ય દાતા પરિવારોમાં દિલીપભાઈ મુળજીભાઈ વાદી, સુરેશભાઇ ગંગદાસભાઈ કાછડીયા  બંને પરિવાર તરફથી અગિયાર લાખનું દાન, સુરેશભાઇ પાંચાભાઈ વિરાણી અને દિનેશભાઈ પાંચાભાઈ વિરાણી તરફથી પાંચ લાખ, અશોકભાઈ કાનજીભાઈ શાહ (પરફેક્ટ ગ્રુપ) પાંચ લાખ એકાવન હજાર, દિલીપભાઈ હદવાણી ગોપાલ (નમકીન) પાંચ લાખ, દિપકભાઈ કનખરા દ્વારા પાંચ લાખ તેમજ જેરામભાઈ રવજીભાઈ મુંજપરા, જયેશભાઈ દેવજીભાઈ સંઘાણી, ધીરૂભાઈ વલ્લભભાઈ સાકરીયા અને દિનેશભાઈ મોહનભાઈ કપુરિયા તરફથી બે લાખ એકાવન હજારનુ દાન અર્પણ કરેલ છે. આ ઉપરાંત અનેક વૈષ્ણવો દ્વારા ફૂલ નહી તો ફૂલની પાંખડી અર્પણ કરી પોતાનું યોગદાન અર્પણ કરેલ છે.

આગલા દિવસે તા.૪-૪-૨૦૨૪, ગુરૂવારે બપોર પછી યજ્ઞકર્તા કડી ગૃહના વૈષ્ણવાચાર્યોને રથમાં પધરાવીને ભવ્ય સામૈયા થશે. હજારો વૈષ્ણવો બેન્ડ વાજા, નિશાન ડંકા અને કીર્તન મંડળી સહિત રાસની રમઝટ સાથે નાચતા ગાતા ઝૂમતા અબીલ ગુલાલના છંટકાવ સાથે વાજતે ગાજતે ધાર્મિક પરંપરા અનુસાર સામૈયા થશે.

વિરાટ સોમયજ્ઞ સાથે સમયાંતરે શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞ પણ યોજાશે. જેમાં પાંચેય દિવસના કુલ પાંચસો વૈષ્ણવ દંપતીઓ યજ્ઞમાં બેસી આહુતિ આપીને પોતાના ચિત્તનું શુદ્ધિકરણ કરશે.

તા  ૪ અને ૫ એપ્રિલના રાત્રે નવ કલાકે  કીર્તનીયાઓના સથવારે વૈષ્ણવ રાસ અને તા. ૬-૪-૨૦૨૪, શનિવારે રાત્રે ૮.૦૦ કલાકે શ્રીનાથજી ભક્તિ સંગીતનો ભવ્ય કાર્યક્રમ. પ્રસિદ્ધ ગાયકો નીતિન દેવકા, શ્રદ્ધા શ્રીધરાણી અને અમી ગોસાઈ સંગીતના સથવારે કૃષ્ણ ભક્તિ અને શ્રીનાથજીના ગીતો રજૂ કરશે. તા. ૭ અને ૮ ના રોજ રાસ કીર્તન અને તા. ૯-૪-૨૦૨૪ના રાત્રે પુષ્ટિમાર્ગીય ઢાઢી લીલાનો નૃત્ય અને સંગીતમય કાર્યક્રમ યોજાશે.

નરેશ પટેલ (પ્રમુખ. ખોડલધામ), કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, દિવ્યેશભાઈ અકબરી, સંજયભાઈ કોરડીયા, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ સાપરિયા, લલિતભાઈ વસોયા તથા ખોડલ ધામ ટ્રસ્ટી જીતુભાઈ કમાણી, શ્રીમતી અનારબેન પટેલ , અગ્રણી વૈષ્ણવ મૌલિશભાઈ ઉકાણી, હરિભાઈ બાંગા, પોપટભાઈ પાચાણી, અશોકભાઈ મોરડ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh