Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાની ચૂંટણીમાં રર પૂર્વ મુખ્યમંત્રીઓએ ઝંપલાવ્યું

ભાજપના ૧૧ અને કોંગ્રેસના પ સહિત

નવી દિલ્હી તા. ૧૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રર પૂર્વ મુખ્યમંત્રીઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે પી.એમ. મોદી ત્રીજી વખત ચૂંટણી જંગમાં ઉતર્યા છે.

સાત તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ૧૮ મી લોકસભા માટે દેશના સેંકડો નેતાઓ પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે, જેમાં વડાપ્રધાન મોદી સહિત રર પૂર્વ મુખ્યમંત્રીઓ મેદાનમાં છે.

લોકસભા ર૦ર૪ ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ દિવસ પછી ૧૯ મી એપ્રિલે થવાનું છે ત્યારે દરેક રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત શિવરાજસિંહ ચૌહાણ, દિગ્વિજયસિંહ, ઓમર અબ્દુલ્લા, ગુલામ નબી આઝાદ, એચડી કુમારસ્વામી, ચરણજીતસિંહ ચન્ની, જીતન રામ માંઝી, ભૂપેશ બઘેલ, મનોહર લાલ ખટ્ટર અને બિપ્લબ કુમાર સહિત રર પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે જેમાંથી ભાજપના ૧૧ જ્યારે કોંગ્રેસના પ સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૦૦૧ થી ર૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતાં. હાલમાં તેઓ ઉત્તરપ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ પછી રાજનાથસિંહ ર૦૦૦ થી ર૦૦ર સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતાં. તેઓ આ વખતે લખનૌથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. મધ્યપ્રદેશના પૂર્વ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિદિશા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલ સંસદીય ક્ષેત્રથી પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત અર્જુન મુંડા ઝારખંડની ખુંટી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ર૦૦૩ થી ર૦૦૬ અને ફરીથી ર૦૧૦ થી ર૦૧૩ સુધી ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા હતાં.

આ ઉપરાંત જગદીશ શેટ્ટર બેલગામ બેઠક પરથી જ્યારે બસવરાજ બોમાઈ હાવેરીથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ સિવાય ભાજપે ત્રિવેન્દ્રસિંહ રાવતને ઉત્તરાખંડના હરિદ્વારથી ટિકિટ આપી છે, તો એચડી કુમારસ્વામી માંડ્યા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નોંધનીય છે કે કર્ણાટકમાં ભાજપ-જેડીએસનું ગઠબંધન છે. નલ્લારી કિરણ કુમાર રેડ્ડી આંધ્રપ્રદેશના રાજમપેટથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે સર્બાનંદ સોનોવાલ ડિબ્રુગઢથી બેઠક પરથી ઊભા રહ્યા છે.

બિપ્લબ કુમાર દેબ ભાજપની ટિકિટ પર ત્રિપુરા પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત ઓ પનીરસેલ્વમ (ભાજપ સમર્થિત સ્વતંત્ર) તમિલનાડુના રાનાથપુરમ્થી ચૂંટણી લડી રહ્યા છે. જીતન રામ માંઝીને ગયા બેઠક પરથી ઊભા રાખ્યા છે. ઉલ્લેખનિય છે કે માંઝીની પાર્ટીનું ભાજપ સાથે ગઠબંધન છે. આ લિસ્ટમાં કોંગ્રેસના દિગ્વિજયસિંહ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય કોંગ્રેસના ભૂપેશ બઘેલ રાજનાંદગાંવ, ઓમર અબ્દુલ્લા બારામુલાથી, મહેબુબા મુફતી અનંતનાગ-રાજૌરીથી, ચરણજીતસિંહ ચન્ની જલંધરથી, ગુલામ નબી આઝાદ અનંતનાગ-રાજૌરીથી, વી. વૈથિલિંગમ્ પુડુચેરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

નોંધનીય છે કે ૧૮ મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં ૧૯ એપ્રિલ, ર૬ એપ્રિલ, ૭ મે, ૧૩ મે, ર૦ મે, રપ મે અને ૧ જૂનના યોજાશે. ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે, પાર્ટી અથવા ગઠબંધનને ર૭ર બેઠકો જીતવી આવશ્યક છે. ર૦૧૯ માં છેલ્લી ચૂંટણીઓમાં, ભારતીય જનતા પાર્ટીએ ૩૦૩ બેઠકો જીતી હતી, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પર બેઠકો જીતી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh