Advertisement
Author: નોબત સમાચાર

ધમ્મર વલોણું ફર્યુ...ચલક ચલાણાની રમતમાં પ્રદેશ નેતાગીરીએ દિલ્હી હાઈ કમાન્ડને ખો આપી દીધી...!

હવે શુંંંંં...? ની સ્થિતિ યથાવત...!

જામનગર તા. ૧૬: ગુજરાતના રાજકારણમાં રાજકોટ લોકસભાની બેઠક પરના ભાજપના ઉમેદવારને બદલવાના મુદ્દે ગઈકાલની સાંજથી મોડી રાત્રિ સુધીનો સમયગાળો હાઈવોલ્ટેજ ડ્રામા બની રહ્યો હતો.

સાંજે ગોતામાં રાજપૂત સમાજના સંકલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય અને ફોર્મ ભરે તો શું રણનીતિ સાથે વિરોધ પ્રદર્શન-આંદોલન કરવું તે અંગે ચર્ચા-વિચારણા થઈ રહી હતી... ત્યારે જ ગુજરાતના સીએમ કાર્યાલયમાંથી સીએમને મળવા રાત્રે ૧૦ વાગ્ય પછી આવો તેવું નિમંત્રણ સંકલન સમિતિના આગેવાનોને મળ્યું... સંકલન સમિતિની બેઠકમાં આખો એજન્ડા જ ફરી ગયો... સીએમ સાથેની બેઠકમાં શું પ્રસ્તાવ મૂકવો તે બાબતે લગભગ બે કલાક મનોમંથન થયું...

આ દરમિયાન ટીવી, સોશ્યલ મીડિયા ઉપર ક્ષત્રિય સમાજમાં ભંગાણ થઈ રહ્યું હોય તેવી ઓડીયો - વીડિયો ક્લીપો ફરતી થઈ... અને આ પ્રચાર-પ્રસારની સંકલન સમિતિમાં ભારે અસર થઈ... સંકલન સમિતિના દરેક આગેવાનોએ સર્વ સમ્મતિથી સીએમ સમક્ષ રૂપાલાની ટિકિટ રદ્દ કરોની એક લીટીનો પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય લઈ સમગ્ર ક્ષત્રિય સમાજ એક જ માંગ સાથે અડગ છે તેમ દર્શાવી દીધું...

તેમ છતાં રાત્રે ૧ર વાગ્યાથી એક પછી એક રાજપૂત આગેવાનો સીએમ નિવાસે પહોંચ્યા... તો ભાજપ તરફથી સીએમ ઉપરાંત પ્રદેશ પ્રમુખ, અન્ય મંત્રી હાજર રહ્યાં - ભાજપે અગાઉ ક્ષત્રિય સમાજ સાથે સમાધાન માટે મોકલેલા ભાજપના ક્ષત્રિય નેતાઓને પણ ભેગા કર્યા... જેમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જેવા નેતા પણ મોજુદ રહ્યાં...

આ બેઠક પણ ખાસ્સી લાંબી ચાલી... સંકલન સમિતિ રૂપાલાની ટિકિટ રદ્દ કરોની માંગ સાથે અડગ રહી તો સામાપક્ષે ભાજપે સમાધાન માટે વિવિધ વિકલ્પો રજૂ કર્યા... પણ અંતે બેઠક નિષ્ફળ ગઈ અથવા અનિર્ણિત રહી... ભાજપના પ્રદેશ મોવડીમંડળે સંકલન સમિતિને એવું આશ્વાસન આપ્યું કે, તમે ૧૯-એપ્રિલનું અલ્ટીમેટમ આપ્યું છે ત્યારે અમે તમારી આગામી માંગણી અને આજની બેઠકનો રીપોર્ટ દિલ્હી હાઈકમાન્ડને મોકલી આપશું... હવે દિલ્હી હાઈકમાન્ડ જ આ મુદ્દે અંતિમ નિર્ણય લેશે... આમ સાંજે ૪-પ વાગ્યાથી શરૂ થયેલો અને મોડીરાત્રિ ર-ર.૩૦ વાગ્યા સુધી ચાલેલો અત્યંત હાઈવોલ્ટેજ ડ્રામા અંતે ધમ્મર વલોણાની જેમ ફર્યે રાખ્યો... ચલક ચલાણું ઓલે ઘેર ભાણું જેમ પ્રદેશ મોવડી મંડળે હાથ ઊંચા કરી દીધા....

આ સમગ્ર ઘટના ક્રમમાં ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના આગેવાનોએ બેઠકમાં જ સીએમ તથા પ્રદેશ પ્રમુખને દિલ્હી પીએમ કે જે.પી. નડ્ડા / અમીત શાહ સાથે વિડીયો કોન્ફરન્સ કોલથી વાર્તાલાપ કરી લેવાની માંગણી કરવાની જરૂર હતી. તેમાંય અમીત શાહ તો ગાંધીનગર-અમદાવાદમાં જ હાજર હતાં.

દિલ્હી હાઈકમાન્ડ ૧-ર દિવસમાં નિર્ણય લેશે. તેવી મુદ્દત મળી અને સંકલન સમિતિએ બેઠક પૂર્ણ થયા પછી જાહેર કર્યુ કે અમે અમારી એક જ માંગણી કરી છે તેમાં અમે અડગ છીએ. હવે ભાજપે નિર્ણય કરવાનો છે. અમે અમારા આંદોલન વિરોધ પ્રદર્શન ચાલુ રાખશું...

આ દરમિયાન આજે રૂપાલાએ તેનું ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. તેથી એવું ચોક્કસપણે સમજાય છે કે, ભાજપની નેતાગીરીએ ધાર્યુ તો કર્યુ જ છે...?

સૌથી મહત્ત્વની બાબત ક્ષત્રિય સમાજ માટે એ પૂરવાર થઈ કે સાચા-ખોટા મેસેજ, ઓડીયો, વિડીયો ક્લીપ, ટીવી સમાચારોની વચ્ચે સમગ્ર સમાજ તેની રૂપાલાની ટિકિટ રદ્દ કરોની માંગણી સાથે અડગ રહ્યો... અને તેના કારણે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ કેવી રણનીતિ સાથે લડત ચાલું રાખે છે તે જોવાનું રહ્યું! ક્ષત્રિય સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસો હાલ તો નિષ્ફળ ગયા છે તેમ કહી શકાય.

આવનારા દિવસોમાં દિલ્હી હાઈ કમાન્ડ જો કોઈ દાદ ન આપે તો ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ પણ કરી શકે તેવી સ્થિતિની શક્યતા પણ છે. ત્યારે હવે પછીના દિવસોમાં ભાજપ તો જે કરે તે પણ સંકલન સમિતિના આગેવાનોએ સમસ્ત ક્ષત્રિય સમાજ અને ટેકો આપનારા અન્ય સમાજોને સાથે રાખીને ચોક્કસ રણનીતિ શું છે તેની જાહેરાત જલદી કરવી પડશે.

અને એક વાત નક્કી છે કે ભાજપની વ્યૂહરચના પ્રમાણે સમગ્ર પ્રકરણને વિલંબમાં નાંખવામાં આવી રહ્યું છે અને આંદોલન-ઉગ્રતાને ઠંડુ પાડવાની ગણતરી છે, તો બીજી તરફ ક્ષત્રિય સમાજે આમ જુઓ તો ચૂંટણીના સંદર્ભમાં કાંઈ ગુમાવવાનું નથી, કારણ કે ગુજરાતની ર૬ બેઠકોમાંથી એક પણ બેઠક ઉપર ભાજપે ક્ષત્રિયને ટીકિટ આપી નથી, જ્યારે ભાજપને મોટાભાગની બેઠકો ઉપર થોડેઘણે અંશે મતોનું નુક્સાન થઈ શકે છે. કોઈ-કોઈ બેઠકો ઉપર ક્ષત્રિયોનું આંદોલન અને વિરોધ નિર્ણાયક પણ બની શકે છે.

અબ કી બાર ૪૦૦ પાર અને ગુજરાતમાં તમામ ર૬ બેઠકો ઉપર પાંચ લાખથી વધુ લીડ સાથેના વિજયના લલકારમાં ભાજપનો હાથ અત્યારના માહોલમાં તો ઉપર રહ્યો છે. બાકી તો મતદાનના દિવસે અને તે પહેલાના પ્રચારના દિવસોમાં શું થાય છે, અને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોનું આંદોલન કેવો વળાંક લ્યે છે તેના પર નિર્ભર છે.

અત્યારે ભલે ગમે તેવી સ્થિતિ લાગતી હોય, પણ ક્ષત્રિય સમાજ, ભાજપ જ નહીં પણ ભાજપના ઉમેદવારો, પ્રચારકો, તેમજ સમગ્ર ગુજરાતમાં ઉચાટભરી સ્થિતિનું નિર્માણ થયું છે તે હકીકત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh