Advertisement
Author: નોબત સમાચાર

રૂપાલા મુદ્દે ક્ષત્રિયો અડગઃ મોડી રાત સુધી ચાલેલી બેઠક રહી અનિર્ણિત

મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાટીલ, સી.એમ. ગૃહ રાજ્યમંત્રી, સાથે ક્ષત્રિય અગ્રણીઓ વચ્ચે લાંબી મંત્રણા થઈઃ

ગાંધીનગર તા. ૧૬: મોડી રાત સુધી ચાલેલી સરકાર સાથેની 'લેઈટ નાઈટ' બેઠક અનિર્ણિત રહી છે. રૂપાલા મામલે ક્ષત્રિયો ઝુક્યા નથી તેથી હવે દડો ભાજપ હાઈકમાન્ડના મેદાનમાં છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન પછી ક્ષત્રિય સમાજમાં ઊભો થયેલો રોષ ટાઢો પાડવા અને કોઈ સુખદ સમાધાન કરવા સરકાર અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે ગઈકાલે યોજાયેલી 'લેઈટ નાઈટ મંત્રણા'નું કોઈ પરિણામ આવ્યું નથી.

ક્ષત્રિયો પોતાની માંગણી પરત્વે મક્કમ રહ્યા છે-હતાં અને એકસૂરમાં જણાવ્યું હતું કે, પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્ કરવામાં આવે. આ બેઠકમાં કોઈ સમાધાન ન આવતા બે દિવસમાં પાછા બેઠક માટે મળવાની વાત બન્ને પક્ષે થઈ છે જેમાં ગુજરાત સરકારે ક્ષત્રિય આગેવાનોને ભોજન સાથે બેઠકનું આમંત્રણ આપ્યું છે.

જો કે, ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા મક્કમ છે. રાજપૂતોને મનાવવા ગુજરાત સરકારે મોડી રાતે બે વાગ્યા સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી, પરંતુ ક્ષત્રિયોએ સંમાધાન ન કર્યું. અઢી કલાક સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી, પણ પરિણામ આવ્યું નહોતું.

ક્ષત્રિયો તરફથી સંકલન સમિતિના સભ્યોએ જણાવ્યું કે, 'અમારી કોર કમિટીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મિટિંગ કરવામાં આવી છે. તેમણે અમને કહ્યું કે, રૂપાલાજીએ ત્રણવાર માફી માંગી છે. તમે અત્યાર સુધી ઘણો જ સંયમ રાખ્યો છે. તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમ છતાં તમારૂ આંદોલન સંયમિત રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, સરકારે પણ તમને સહયોગ આપ્યો છે. અમે સરકારના સહયોગ બદલ તેમનો આભાર પણ માન્યો છે. આ સામે અમે જણાવ્યું હતું કે, સંપૂર્ણ ક્ષત્રિય સમાજ અને તેની સાથે જોડાયેલા અન્ય સમાજની એક જ માંગણી છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્ કરવામાં આવે. જો અલ્ટિમેટમ સુધીમાં માગ પૂરી નહીં થાય તો આંદોલન પાર્ટ ર કરવામાં આવશે.' આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, 'તો આ માંગણીના જવાબમાં ગુજરાત સરકારે જવાબ આપ્યો કે તમે આ અંગે ફરીથી વિચારી લો. તમારી જે લાગણી છે તે અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. આ સાથે જણાવ્યું કે, એટલે હવે આ સરકારનો વિષય છે. પરસોત્તમ રૂપાલા મુદ્દે કોઈપણ સમાધાન કરવામાં આવ્યું નથી કે કરવામાં આવશે નહીં.'

પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર ક્ષત્રિય સમાજને મનાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. ક્ષત્રિય સમાજ કહે તે પ્રમાણે માફી મંગાવવા પણ તૈયાર છે. ધર્મગુરુ સમક્ષ માફી મંગાવવા સરકારે તૈયારી બતાવી છે, પરંતુ બીજી તરફ ક્ષત્રિય સમાજે સરકાર સામે માંગણી કરી હતી કે સરકાર સાથે કોઈ પણ દુશ્મની કે નથી પક્ષ સામે અમારી માત્ર એક જ માંગણી રૂપાલાને ટિકિટ નહિં. તેમના પરિવારને ટિકિટ આપશો તો પણ વાંધો નહિં. આમ બેઠકમાં કોઈ સમાધાન ન આવતા બે દિવસમાં પાછા બેઠક માટે મળવાની વાત બન્ને પક્ષે થઈ છે. જેમાં ગુજરાત સરકારે ક્ષત્રિય આગેવાનોને ભોજન સાથે બેઠકનું આમંત્રણ આપ્યું છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવીને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળ્યા પછી પણ ક્ષત્રિય સંકલન સમિતિ પોતાના નિર્ણય ઉપર મક્કમ છે. હાલ ક્ષત્રિયોએ સરકાર સામે નહિં ઝુકવાનું નક્કી કરી લીધું છે. સંકલન સમિતિએ સરકાર સામે એક જ માંગણી કરી કે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્ થાય, સરકાર સાથે બેઠક પછી ક્ષત્રિયોએ અમદાવાદના ગોતા વિસ્તારમાં અલગથી મિટિંગ કરી હતી, જે મોડી રાતે ર વાગ્યા પછી શરૂ થઈ હતી, અને મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં પણ ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની કોર કમિટી ટીમ હાજર રહી હતી.

પ્રમુખસ્થાને ગોવુભા જાડેજા (દાદા) જામનગર રહ્યા હતાં, અને તેની સાથે ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ તથા સંગઠનોના દોઢ ડઝન જેટલા હોદ્દેદારો, પ્રમુખો વગેરે જોડાયા હતાં.

ક્ષત્રિય સમાજના આગેવાને બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે, બેઠકમાં કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. અમે અમારી માગ પર અડગ છીએ અને રૂપાલાની ટિકિટ રદ્ થાય તે સિવાય કોઈ વાત ચલાવી લેવામાં આવશે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh