Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતોએ ડ્રોનને રોકવા પતંગ ઊડાવ્યાઃ પંજાબ-હરિયાણા પોલીસ વચ્ચે વિવાદઃ ખેડૂતોએ મંગાવ્યા સ્પ્રે મશીનોઃ હવે રેલરોકો આંદોલનની ઘોષણા
નવી દિલ્હી તા. ૧૪ઃ પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચના બીજા દિવસે પણ આજે શંભુ બોર્ડરે ખેડૂત અને પોલીસ સામસામે આવી ગયા છે. ટીયર ગેસ રોકવા ખેડૂતો સ્પ્રે મશીન લાવ્યા છે. બીજી તરફ સરકાર અને ખેડૂતો વચ્ચેની વાટાઘાટો અટકી પડી છે, અને એમએસપી મુદ્દે મડાગાંઠ સર્જાઈ હોવાનું જાણવા મળે છે.
પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે (બુધવાર) બીજો દિવસ છે. ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. કિસાન મજદૂર મોરચાના સંયોજક સર્વનસિંહ પંઢેરે કહ્યું કે, તેઓ કોઈપણ સંજોગોમાં દિલ્હી જશે. તો હરિયાણાના ૭ જિલ્લામાં ઈન્ટરનેટ પ્રતિબંધ ૧પ ફેબ્રુઆરીની મધ્યરાત્રિ ૧ર સુધી લંબાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેુહાબાદ, સિરસામાં લાગુ રહેશે.
મંગળવારે (૧૩ ફેબ્રુઆરી) ખેડૂતો સવારે ૧૦ વાગ્યે પંજાબથી હરીયાણા જવા રવાના થયા હતાં. બપોરે ૧ર વાગ્યાની આસપાસ ખેડૂતો પંજાબ-હરિયાણાની શંભુ, ખનૌરી, અને ડબવાલી બોર્ડર પર એકસાથે પહોંચ્યા હતાં. મોટાભાગના ખેડૂતો શંભુ સરહદે પહોંચ્યા હતાં. ખેડૂતો અહીં પહોંચતાં જ હરિયાણા પોલીસે ટીયર ગેસના શેલ છોડવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે મશીનની રેન્જ ઓછી હતી ત્યારે ડ્રોન દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો.
ખેડૂતોએ ટ્રેકટર વડે અહીં રોડની વચ્ચે રાખવામાં આવેલા સિમેન્ટના સ્લેબ હટાવ્યા હતાં. જે બાદ હરિયાણા પોલીસે પણ રબરની ગોળીઓ ચલાવી હતી. આ દરમિયાન અંબાલા પોલીસના ડીએસપી સહિત પ પોલીસકર્મીઓ અને ઘણાં ખેડૂતો પણ ઘાયલ થયા હતાં. ખેડૂતોએ અહીંના ઘગ્ગર પુલના કિનારે મુકવામાં આવેલ સુરક્ષા અવરોધો તોડી નાખ્યા હતાં. પથ્થરમારો તથા લાઠીચાર્જ થયો હોવાના પણ અહેવાલો છે.
અહેવાલો મુજબ સરકાર અને ખેડૂતો વચ્ચેની વાટાઘાટો એમએસપીના મુદ્દે અટકી પડી છે અને મડાગાંઠ ઉકેલવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
પોલીસ દ્વારા ટીચર ગેસના સેલ છોડવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો ખેડૂતો પણ ડ્રોનને રોકવા પતંગ ઉડાડી રહ્યા છે. ખેડૂતો પર ડ્રોનથી ટીયર ગેસ છોડાય છે, આ મામલે પંજાબ અને હરિયાણા આમને-સામને ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા રોકવા માટે શંભુ બોર્ડર પર ટીયર ગેસના છોડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાને લઈને પંજાબ અને હરિયાણા વહીવટીતંત્રો વચ્ચે વિવાદ છે. પટિયાલાના ડીસી શૌકત અહેમદ અંબાલા ડીસીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે હરિયાણા પોલીસના ડ્રોનને પંજાબની બોર્ડર પર ઉડાવવામાં ન આવે. ડીસીએ આ અંગે અંબાલા એસપી સામે વાંધો પણ વ્યકત કર્યો હતો.
શંભુ સરહદ પરના ખેડૂતોએ પોલીસ દ્વારા છોડવામાં આવતા ટીયર ગેસના શેલનો સામનો કરવા માટે ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાના સ્પ્રે મશીનો મંગાવ્યા છે. આ સિવાય હાઈવે પર બોરીઓ ભીની કરીને રાખવામાં આવી છે. જેથી ટીયર ગેસના શેલમાંથી નીકળતા ધુમાડાની અસરને તાત્કાલિક ઓછી કરી શકાય.
પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુએ સોશિયલ મીડિયા પર સીએમ ભગવંત માનને લખ્યું-તમારા વિસ્તારની રક્ષા કરો. પંજાબ સરકારે તેની પ્રાદેશિક સાર્વભૌમત્વનું રક્ષણ કરવું જોઈએ અને હરિયાણા દ્વારા આપણી ધરતી પર શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા પંજાબીઓ પર હુમલો કરવા અને તેમને ઈજા પહોંચાડવાનું પ્રયાસોને નિષ્ફળ બનાવવા જોઈએ. મમતા બેનર્જીની જેમ આપણે પણ સંધીય માળખાનું રક્ષણ કરવું જોઈએ. જ્યારે બીસીઆઈ અધિકારીઓ બંગાળ પહોંચ્યા તો તેઓએ અધિકારીઓને જેલમાં ધકેલી દીધા.
આવતીકાલે રેલ રોકો આંદોલન
છેલ્લા અહેવાલો મુજબ કેટલાક ખેડૂત સંગઠનએ આવતીકાલે બપોરે ૧ર થી ૪ વાગ્યા સુધી રેલરોકો આંદોલનની જાહેરાત કરી છે. આજે ત્રણ રાજ્યોને જોડતી કેટલીક સરહદો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
અહેવાલો મુજબ ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે ફરીથી વાટાઘાટો થઈ, પરંતુ તે કોઈ નક્કર પરિણામ સુધી પહોંચી શકી નથી. ખેડૂતોએ આજે દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે મલ્ટિ-લેયર બેરિકેડ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. આ સિવાય સરહદો પર આરએએફ, અર્ધલશ્કરી દળ, એન્ટી રાઈટ વ્હીકલ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ વાહનોની તપાસ કરી રહી છે. ટ્રાફિક જામથી લોકોને બચાવવા માટે પોલીસે એડવાઈઝરી જારી કરી છે.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ મોડી રાત્રે શંભુ બોર્ડર પર ઈજાગ્રસ્ત ખેડૂતોની હાલત પૂછવા માટે રાજપુરાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. અહીં તેમણે ઈજાગ્રસ્ત ખેડૂતોને રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરાવી હતી. રાહુલ ગાંધીએ ખેડૂતો પાસેથી તેમની ઈજાઓ વિશે જાણ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial