Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત
જામનગર તા. ૧૪ઃ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધુતારપુર ગામે સ્વામીનારાયણ મંદિરની બાજુમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી સુવિધા પ્રધાનમ જન આરોગ્ય યોજના ભારતમાં લાગુ છે. આયુષ્માન કાર્ડ થકી જરૂરિયાતમંદોને રૂ.૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. બે વર્ષ પહેલા જ કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે ભારત દેશે ટૂંકા ગાળામાં કોરોના રસી બનાવી વિનામૂલ્યે વેક્સિનેશનનું મહાઅભિયાન ચાલુ કર્યું એટલું જ નહીં વિશ્વના અન્ય દેશોમાં પણ ભારતની કોરોના વેક્સિન પહોચી છે. કોરોનાના કપરા કાળમાં જામનગરની જીજી હોસ્પિટલ સહીત અન્ય દવાખાનાઓમાં પણ લોકોને સારવાર આપવામાં આવી હતી. કોરોના ક્ષેત્રે જામનગર જિલ્લાના ધુતારપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વર્ષ ૨૦૧૬માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી અપગ્રેડ કરવામા આવ્યુ છે. અને લોકોની માંગ તેમજ જરૂરિયાતોને પહોચી વળવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગના બાંધકામનું ખાતમુહૂર્ત થયું છે. જે નિર્માણ પામવાથી લોકોને અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળી રહેશે. અગાઉ લોકોને સારવાર માટે દૂર સુધી ધક્કા ખાવા પડતા હતા. સગર્ભાઓને સમયસર સારવાર ન મળતા તેમના અને નવજાતના મૃત્યુદરમાં વધારો હતો. પરંતુ હવે તેઓને તાત્કાલિક સારવાર મળી રહેતા માતૃ મૃત્યુદર અટકાવી શકાયો છે. તેમજ જામનગર જિલ્લામાં ડાયાલિસિસ સેન્ટરની સુવિધા ઊભી થતાં દર્દીઓને અન્ય જિલ્લામાં જવું પડતું નથી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ કાર્યરત ગુજરાત સરકારે લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી આરોગ્યલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. અને તેનો લાભ છેવાડાના માનવીને મળી રહ્યો છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ગંભીર બીમારી થાય તો તેઓ વિનામૂલ્યે અત્યાધુનિક સારવાર મેળવી શકે છે. ધુતારપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર થકી હજારો લોકોને લાભ મળ્યો છે. આ કેન્દ્રને રાજકોટ રિજિયનનું સૌથી પહેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે બહુમાન મળ્યું છે. તે બદલ મંત્રીએ તમામ ડોક્ટરોને અને લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે ધુતારપુર તેમજ આજુબાજના ગ્રામજનોને સુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ લોકોને સારામાં સારી આરોગ્યની સુવિધાઓ મળી રહે તે પ્રકારે કામગીરી અને સારવાર કરવા ડોક્ટરોને માર્ગદર્શન આપ્યું હતું.
આરોગ્ય કેન્દ્રનીં વિશેષતાઓ
ધુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુલ ૩૦ બેડની ક્ષમતા ધરાવે છે. આ કેન્દ્રમાં દર માસે ૨૫ થી વધુ ડિલિવરી કરવામાં આવે છે. દરરોજ ૧૨૫ થી વધુ દર્દી ઓ.પી.ડી.ના અને ૮ થી ૧૦ દર્દીઓને આઇ.પી.ડી. સારવાર આપવામાં આવે છે. ભારત સરકાર તરફથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રને લક્ષ્ય નેશનલ લેવલ નો એર્વોડ તા.૧૪-૦૨-૨૦૨૨ ના મળેલ છે. આ કેન્દ્રને રાજકોટ રીજીયનનું સૌથી પહેલુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકેનું બહુમન મળેલ છે. અંહી દાંત સારવાર, ફિઝીઓથેરાપી સારવાર સહિતની સારવાર ઉપલબ્ધ રહેશે. ડિલિવરીના દર્દી ને રહેવા, જમવા ઘરે મુકવાની મફત સુવિધા પૂરી પાડવામાં આવે છે. અંહી દરેક પ્રકારના બ્લડ રિપોર્ટ થશે તેમજ આ સેન્ટર ૨૪ કલાક કાર્યર ત રહેશે.
નવા નિર્માણ પામનાર બિલ્ડીંગ વિશે
અંદાજિત રૂ.૪કરોડના ખર્ચે પીએમ રૂમ સાથે બે માળનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ૧૫૯૩ ચો.મી. વિસ્તારમાં નિર્માણ પામશે. કેન્દ્રમાં કુલ ૩૦ બેડ, રિસેપ્શન, ૩ જનરલ ઓપીડી રૂમ, એક્સરે રૂમ, સોનોગ્રાફી રૂમ, ઇંજેક્શન રૂમ, ડ્રેસિંગ રૂમ, લેબર રૂમ, સ્ક્રબ રૂમ, લેબોરેટરી અને ટોઇલેટ બ્લોક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. પ્રથમ માળે ઓપરેશન થિયેટર, મેલ અને ફીમેલ વોર્ડ રૂમ, પોસ્ટ ઓપરેશન રૂમ, આઇસોલેશન રૂમ, સ્પેશિયલ અને સેમી સ્પેશિયલ રૂમનીં અદ્યતન સાધનો સાથેની સુવિધા ઉપલબ્ધ કરાશે.
કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ સંગીતાબેન દુધાગરા, જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ બોરસદિયા, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા, પ્રદેશ કારોબારી સદસ્ય ડૉ. વિનુભાઈ ભંડેરી, જિલ્લા ભાજપ મહામંત્રી કુમારપાળસિંહ રાણા, સીડીએચઓ ડો. એચ.એચ. ભાયા, પી.આઈ.યુ. જામનગરના બળદેવભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જિજ્ઞેશ પટેલ સહિત ડોક્ટરોનો સ્ટાફ, બી.ઓ.બી. રિજનલ મેનેજર ચંદનસિંહ, આજુબાજુના ગામના સરપંચ, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં ભાદરા મંદિરના સંત ધર્મકુવર સ્વામી, મોટી હવેલી જામનગરના વલ્લભરાયજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આભારવિધિ ડો.નેહા કણસાગરાએે કરી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial