Advertisement
Author: નોબત સમાચાર

પ્રચારમાં ઉપયોગ કરવાના વાહનોની પૂર્વમંજુરી લેવી ફરજિયાત

દ્વારકા જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૪: ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ-૨૦૨૫ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો કે વ્યક્તિઓએ વાહનોની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય/ વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન તા. ૨૨-૦૬-૨૦૨૫ના યોજાનાર છે. તેમજ જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તેની તા. ૨૪-૦૬-૨૦૨૫ તથા મત ગણતરી તા. ૨૫-૦૬-૨૦૨૫ના હાથ ધરાશે. ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો તરફથી પોતપોતાના મતવિસ્તારમાં પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. આ હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે જરૂરી છે.

ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની અસર સામાન્ય જનમાનસ તેમજ પ્રતિસ્પર્ધી ઉમેદવારો ઉપર પણ થાય છે. જેના કારણે ખોટી ફરિયાદો ઉપસ્થિત થવાની, ઉમેદવારોના એકબીજા જૂથો વચ્ચે મનદુઃખ થાય અને ઘર્ષણ ઊભું થવાની તેમજ સુલેહશાંતિ ભંગ થવાની સંભાવના રહેલી છે. આ બાબતો ધ્યાને લેતા નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળથી મળેલ સત્તા રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે ત્યાં કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીના ઉમેદવારો અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવાર કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી યોજાઈ રહી છે તેવા સમગ્ર વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજિસ્ટર કરાવવાના રહેશે. રજિસ્ટર કરાવેલ વાહનની પરમિટ તેઓની પાસેથી મેળવી વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમિટમાં વાહન ક્યાં મતદાર વિભાગ, ક્યાં વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી પરમિટ મેળવ્યા સિવાય અને વાહન રજિસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહીં.

આ નિયંત્રણોમાં યાંત્રિક શક્તિથી ચાલતા કે બીજી કોઈ રીતે ચાલતા વાહનો જેવા કે, બસ, મીની બસ, ટેક્સી, ખાનગી કાર, ટ્રક, ટેમ્પો, ટ્રેલર સાથેનું કે તે વિનાનું ટ્રેક્ટર, ઑટોરિક્ષા, સ્કૂટર, પશુથી ચાલતા વાહનો સહિત તમામ પ્રકારના વાહનોને લાગુ પડે છે.

આ જાહેરનામું તા. ૨૭-૦૬-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh