Advertisement
Author: નોબત સમાચાર

આપની આતૂરતાનો અંત... શહેરના અનેક નવા વિકાસકામોના થશે ખાતમુહૂર્ત

'વ્યંગ-વ્યથા કથા'

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં સંભવતઃ આગામી ૭ મી જૂને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ર૦ જેટલા વિકાસકામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ખૂબ જ સારા અને લોકોપયોગી, સુવિધાજનક કામોની ભેટ નગરવાસીઓને મળશે.

હવે, આગામી દિવસોમાં અને સંભવતઃ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રપ-૩૦ વર્ષથી મહાનગરપાલિકામાં સત્તાસ્થાને રહેતા ભાજપના સત્તાધીશો દ્વારા જામનગરના શાંત, સમજુ, સહનશીલ પ્રજાજનોને 'આશ્ચર્યજનક' વિકાસકામોની ભેટ આપવા માટેના ચક્રો ગતિમાન થયા હોવાનું જાણવા મળે છે.

આ અંગે 'બિનઆધારભૂત' રીતે જાણવા મળતી વિગતો પ્રમાણે સાધનાકોલોની-ગ્રીન સિટી, પટેલ પાર્ક જેવા વિકસિત વિસ્તારોના લોકોને રાહત મળે તે માટે ત્રીજા સ્મશાન માટે વિશાળ જગ્યા-જમીનની પસંદગી થઈ ગઈ છે. (મનપા દ્વારા આ જગ્યા અંગે કોઈ વગદાર લેન્ડ ડેવલપર કે રાજકીય અગ્રણીને વાંધો ન આવે તેવી રીતે જગ્યા/જમીન લેવામાં આવે તેવી શક્યતા છે) આમ આ જમીન પર નવા અતિ આધુનિક, ઈલેક્ટ્રીક ભઠ્ઠીની સુવિધા સાથે ત્રીજા સ્મશાનગૃહનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

જામનગર શહેરના તમામ રસ્તાઓનું ડામર-પેવર રોડથી નવીનિકરણ કરવાના મહાન વિકાસ કામનું પણ ખાતમુહૂર્ત કરી યુદ્ધના ધોરણે શહેરના તમામ ખાડા-ચિરોડા પૂરી નગરજનોને નવા સુચારૂ રસ્તાઓની સુવિધા મળશે.

જામનગર શહેરના તમામ મુખ્ય માર્ગો પરના રેંકડી, કેબિન, પાથરણા, ચીજવસ્તુઓના ડીસપ્લેના દબાણો હટાવવાના અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ પંદર-વીસ દિવસના અભિયાનમાં મનપા તંત્ર, પોલીસ વિભાગ તેમજ સેનાનો સહયોગ લ્યે તેવી શક્યતા છે.!

જામનગરના કોમર્શિયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગોને ખુલ્લા કરી સુવ્યવસ્થિત કરવા મનપા તંત્ર દ્વારા લોન-સબસિડી આપવાનું વિચારાય રહ્યું છે, જેથી આ સમસ્યાનો પણ ઉકેલ આવી શકે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ઠેક-ઠેકાણે ઊભા કરેલા ટ્રાફિક સીગ્નલો વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે, લાખો-કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ હોય, આ બંધ રહેલા તમામ ટ્રાફિક સીગ્નલોના માંચડાઓને જડમૂળથી દૂર કરવાનો સમારોહ યોજાશે અને તેની સાથે જ હવે પછી ક્યારેય શહેરમાં પ્રજાના પૈસે એકપણ નવું ટ્રાફિક સીગ્નલ નહીં નાંખવાનો સંકલ્પ લેવામાં આવશે.

જામનગરના બાળ અને યુવા ખેલાડીઓને રમતગમત પ્રત્યે આકર્ષવા એક પણ મેદાન હવે રહ્યું નથી. શાળા-કોલેજોમાં તો રમતગમતના ફરજિયાત મેદાનના નિયમનો સરેઆમ ભંગ જ થઈ રહ્યો હોવાથી મનપા તંત્ર દ્વારા શહેરની આસપાસ શહેરના ચારેય ખૂણે વિશાળ જમીન-જગ્યાની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. જામીનો મળશે કે તરત જ ત્યાં સ્પોર્ટસ સંકુલ નહીં તો કાંઈ નહીં પણ ખુલ્લા મેદાનની તો સુવિધા મળશે જ. ખાસ કરીને ક્રિકેટ અને ફૂટબોલની રમતને પ્રાધ્યાન્ય આપવામાં આવે તેવી ગણતરી છે.

આવા તો... અનેક વિકાસકામો મળવાના છે, અને આપણા મનપાના સત્તાધારી ચૂંટાયેલા લોકો, અન્ય રજકીય ચૂંટાયેલા નેતાઓ જામનગરની જનતાને આ વિકાસકામોની ભેટ આપવા હવે દોડધામ કરી રહ્યા છે, કારણ કે ઉપર દર્શાવેલા વિકાસકામો ખાસ કરીને ભાજપના દર વખતની ચૂંટણીના ચૂંટણી ઢંઢેરા (સંકલ્પ પત્ર) માં દર્શાવાય જ છે.

રખડતા ઢોરની સમસ્યા અને કૂતરાના ત્રાસ અંગે કોઈ ખાતમુહૂર્ત કે લોકાર્પણ શક્ય નથી... અને તે માટેની થોડી-ઘણી કામગીરી તો ચાલી જ રહી છે.

ટૂંકમાં... આગામી મનપાની ચૂંટણી પૂર્વ આ વિકાસ કામોની ભેટ મળે તો નવાઈ ચોક્કસ થશે જ.!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh