Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના ૨૯ તાલુકાઓમાં વરસાદી ઝાપટાં: આઠ જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયુ

ગોંડલમાં બે ઈંચ, ડાંગમાં ૩ ઈંચ, ઉમરગામમાં ૪ ઈંચ વરસાદ, સાગબારા-સેલંબા જળબંબાકાર

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૪: છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૯ તાલુકાઓમાં વરસાદી ઝાપટાં થયા છે, તો કેટલાક વિસ્તારોમાં દોઢથી ચાર ઈંચ સુધી વરસાદ થયો છે. સાગબારે-સેલંબા જળબંબાકાર થયા હોવાના વાવડ છે.

ગુજરાતમાં આ વખતે ચોમાસુ મોડુ પડ્યુ છે ત્યારે પ્રિ મોનસૂન એક્ટિવિટી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ૨૩ જૂનના રોજ એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૯ તાલુકાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. માહિતી અનુસાર, ડાંગ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ગોંડલ વરસાદનું મુખ્ય કેન્દ્ર રહૃાા છે, જ્યાં ૨ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.

આ સાથે હવામાન વિભાગે નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક માટે નવી લેટેસ્ટ આગાહી જાહેર કરી છે જે અનુસાર તાપી અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ડાંગ, છોટા ઉદેપુર, ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં પ્રિ મોનસૂન વરસાદ વરસી રહૃાો છે. મોનસૂન સત્તાવાર રીતે પહોંચવાનુ બાકી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર નર્મદા અને ડાંગ જિલ્લામાં આજે મેઘરાજાની સવારી નીકળી હતી. જેમાં નર્મદાના સાગબારામાં ૧.૭૭ ઈંચ તો ડાંગના સુબિરમાં ૧.૫૭ ઈંચ તથા ધ ડાંગમાં ૦.૭૧ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે તાપીના ઉચ્છલમાં ૦.૩૯ ઈંચ અને નર્મદાના ચિકડામાં ૦.૧૬ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ વલસાડના ઉંબરગામમાં ૪.૩૩ ઈંચ જ્યારે ડાંગના ડાંગ આહ્વામાં ૩.૦૭ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેના બાદ રાજકોટના ગોંડલમાં ૨.૧૩ તો વલસાડના કપરાડામાં ૧.૪૬ અને વાપીમાં ૧.૪૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે તાપીના ઉકાઈમાં ૧.૧૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના આંકડા પ્રમાણે કુલ ૨૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

નર્મદા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ એક અનોખો અને ચોંકાવનારો વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના સાગબારા અને સેલંબા પંથકમાં મધ્યરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદે કલાકના ગણતરીના સમયમાં જ સમગ્ર વિસ્તારને જળબંબોળ કરી દીધો છે. ચોમાસાના આ પ્રથમ ભારે વરસાદમાં જ સાગબારા અને સેલંબાના ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ગઈકાલથી અત્યાર સુધી નર્મદાના સાગબારામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહૃાો છે.

રાત્રિના સમયે ખાબકેલા આ અણધાર્યા આક્રમક વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓ ઓવરફ્લો થવાના કારણે પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેને પગલે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દોડતા થઈ ગયા છે. આ પૂરની સ્થિતિની સૌથી ગંભીર અસર વાહનવ્યવહાર પર પડી છે, જેમાં સેલંબાથી નવાપાડા થઈને મહારાષ્ટ્ર તરફ જતો મુખ્ય રસ્તો પાણી ભરાઈ જવાના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આંતરરાજ્ય કનેક્ટિવિટી ધરાવતો આ માર્ગ બંધ થતાં હાઈવેની બંને બાજુએ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે.

નર્મદા જિલ્લામાં કુદરતનો એક અદ્ભુત કરિશ્મા પણ જોવા મળ્યો છે. એક તરફ જ્યાં સાગબારા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યાં બીજી તરફ જિલ્લાના બાકીના ૪ તાલુકાઓનાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર, ડેડીયાપાડામાં વરસાદનું એક છાંટું પણ પડ્યું નથી! આ પાંચેય તાલુકાઓ અત્યારે બિલકુલ કોરાધાકોર છે. જોકે, ધોધમાર વરસાદ ન પડ્યો હોવા છતાં સમગ્ર નર્મદા જિલ્લામાં સવારથી જ કાળાડિબાંગ વાદળો છવાયેલા રહૃાા છે. આ વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોના કારણે લાંબા સમયથી અસહૃા ગરમી અને બફારાથી પરેશાન જિલ્લાના નાગરિકોને મોટી રાહત મળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh