Advertisement
Author: નોબત સમાચાર

કરાઈ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહેલા ફેક ઉમેદવાર મયુર તડવીએ કરી ગોલમાલઃ ગુન્હો દાખલ

યુવા નેતા યુવરાજસિંહના સણસણતા આક્ષેપો પછી સરકાર એક્શનમાં!

અમદાવાદ તા. ૧ઃ કરાઈ એકેડેમીમાં મયુર લાલજીભાઈ તડવી નામનો ફેક ઉમેદવાર પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો હોવાના યુવા નેતા યુવરાજસિંહના આક્ષેપો પછી સરકારે તેની તપાસ કરી છે,અને ગુન્હો દાખલ કર્યો છે.

યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર અને પોલીસ ભરતીની પ્રક્રિયા પર સણસણતો આક્ષેપ કર્યો હતો કે, ૪૦ લાખ રૃપિયાની લાંચ આપીને એક યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર જ સીધો જ કરાઈ પોલીસ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે.

આ અંગેના પુરાવા પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવતા સરકાર તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને ગુપ્ત તપાસ હાથ ધરતા વાસ્તવમાં ખોટા દસ્તાવેજોના આધારે એક યુવક જાન્યુઆરી મહિનાથી કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હોવાનું બહાર આવતા ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે કરાઈ એકેડેમીના નિરૃભા રાણાએ ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ દર અઠવાડિયે પો. ઈન્સ. દરજ્જાના અધિકારીને વિક ઓફિસર તરીકેની ફરજ બજાવવાની હોય છે. જેમાં મુખ્યત્વે તાલીમાર્થીઓની હાજરી, ગેરહાજરી, સીક રજા તથા તેઓના સૂચના માર્ગદર્શન મુજબ નિરાકરણ જેવી કામગીરી કરવાની હોય છે. વધુમાં તેઓએ જણાવેલું છે ક, ગુજરાત પોલીસ એકેડેમી કરાઈમાં હાલમાં પાયાની તાલીમ લઈ રહેલા અલગ-અલગ સંવર્ગના માહે ર/ર૦ર૩ ના પગાર બીલની વિસંગતતા જણાતા વહીવટી વિભાગ દ્વારા ચકાસણી દરમિયાન ધ્યાન ઉપર આવેલું કે, તાલીમાર્થી મયુર લાલજીભાઈ તડવીનું નામ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદીમાં નથી.

તે પછી કરાઈ અકેડેમીના કે.જે. પટેલ દ્વારા ઉચ્ચ અધિકારીના ધયાન ઉપર લાવતા તેને સંપૂર્ણ ગંભીરતાથી લઈ ઉપરોક્ત નામવાળી વ્યક્તિ કઈ રીતે પોલીસ એકેડેમી કરાઈમાં પ્રવેશ મેળવેલો અને તેની પાછળ કોઈ સંગઠીત ગેંગનું મેળાપીપણું છે કે કેમ? તે અંગે ગુપ્તતા જળવાઈ રહે તે હેતુને ધ્યાને લઈ પોલીસ એકેડેમી કરાઈના અધિકારી દ્વારા ગુપ્ત તપાસ શરૃ કરવામાં આવી હતી. બાદમાં મયુર લાલજી તડવીની હીલચાલ ઉપર વોચ રાખી સમગ્ર મૂળ દસ્તાવેજો પો.સ.ઈ. ભરતી બોર્ડની કચેરી તેમજ પોલીસ મહાનિર્દેશકની કચેરીમાંથી મેળવી ચકાસણી કરવામાં આવી હતી.

આ દરમિયાન તેની સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ સાથેના મયુર લાલજી તડવી સંપર્કો અંગેની ખાનગી રાહે તપાસ એકેડેમીના ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવી હતી. ત્યારપછી મયુર લાલજીભાઈ તડવી હાજર મળી આવ્યો હતો. બાદમાં તેની પાસેનો સામાન ચેક કરતા તેના સામાનમાં એક કાળા કલરની બેગ મળી આવી હતી, જે બેગમાં ૧ પ્રિન્ટ કરેલો પો.સ.ઈ. ભરતી બોર્ડ શારીરિક ક્ષમતા તથા માપ કસોટી માટેનું પ્રવેશ પત્ર હતો. જેમાં લાલ અક્ષરે પ૦૦૦ એમ.ટી. ફેઈલ લખેલું અને તેમાં મયુર લાલજીભાઈ તડવીનું નામ દર્શાવેલ હતું.

આ બાબતે મયુર તડવીને પૂછતા તેણે જણાવ્યું હતું કે, પોતે આ પરીક્ષામાં ફેલ થયેલનું રિઝલ્ટ છે. આ હકીકત સામે આવ્યા પછી બીજો કાગળ ચેક કરતા ગુજરાત પોલીસ ગાંધીનગર જેના નં.-બી/પોસઈ-૧/૧૪ર૩/સીધી ભરતી/નિમણૂક/૯૯/ર૦ર૩ તા. ૯-૧-ર૦ર૩ નો પત્ર હતો. જેમાં અનુ.નં. ૩ માં અંગ્રેજીમાં મયુર લાલજીભાઈ તડવી નામ લખેલું હતું અને તે હુકમ વડોદરા વિભાગના હસ્તકના છોટા ઉદેપુર, ડભોઈ અને નર્મદા જિલ્લામાંથી ૫સંદગી પામેલા ઉમેદવારનું નિમણૂક પત્ર હતો.

આ પત્ર બાબતે તેણે જણાવેલું કે પોતે સોશિયલ મીડિયા દ્વારા મેહુલ કરશનભાઈ રાઠવાના સંપર્કમાં આવેલો અને તેઓને પો.સ.ઈ.નો નિમણૂક હુકમ મળતા તેની પી.ડી.એફ. મંગાવી મોબાઈલમાં ટેકનોલોજીના માધ્યમથી સદર હુકમમાં અનુ.નં. ૦૩ ઉપર દર્શાવેલા વિશાલસિંહ તેરશીંગભાઈ રાઠવાના નામ ઉપર એડિટીંગ કરી પોતાના નામ, સરનામું ઉમેરી દીધું અને બનાવેલા ખોટા હુકમ દ્વારા ગઈ તા. રર-ર-ર૦ર૩ ના પોલીસ એકેડેમી કરાઈમાં પાયાની તાલીમ અર્થે પ્રવેશ મેળવી લીધો હતો, જેના પગલે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. તેમની આ કબુલાત પછી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh