Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'રંગમતિ નદી ઉપર ગેરકાયદે પુલ'
જામનગર તા. ૧ઃ જામનગર-લાલપુર રોડ ઉપર લાલપુર ચોકડીથી આગળ રંગમતિ નદી ઉપર ગેરકાયદેસરરીતે કોઈપણ જાતની મંજુરી વગર પુલનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાના પ્રકરણમાં જાગૃત નાગરિક નીતિનભાઈ માડમે માહિતી અધિકાર હેઠળ માંગેલી માહિતીના જવાબમાં ખુદ મહાનગરપાલિકાએ સત્તાવાર ખુલાસો કર્યો છે કે મહાનગરપાલિકામાં અરજદારો ભાવેશ ગાગિયા, જયાબેન વિરાણી, અશ્વિન વિરાણી, રજનીકાંત વિરાણી (શ્યામ બિલ્ડકોન) તરફથી તા. ર૧-૧-ર૦ર૩ ના પુલ બાંધવા અરજી મળી છે. (અત્રે ઉલ્લેખનિય છે કે, નીતિનભાઈ માડમે તા. ર૩-૧-ર૦ર૩ ના દિને કોર્પોરેશનમાં લેખિતમાં ગેરકાયદે પુલ બંધાઈ રહ્યો હોવા અંગે ધ્યાન દોર્યું હતું). આ અરજી સાથે સ્ટ્રક્ચર ડિઝાઈન પણ રજૂ કરવામાં આવી છે. આ ડિઝાઈન અંગે કોર્પોરેશનના એપ્રુવડ ઈજનેરનો અભિપ્રાય આવી ગયો છે.
બસ... આટલી વિધિ થઈ હોવાનું ખુદ કોર્પોરેશને જણાવ્યું છે અને સાથે એવો બચાવ કરવાનો પ્રયાસ થયો છે કે આવી મંજુરી આપવાની સત્તા કોર્પોરેશનને છે. અફ કોર્ષ... કોર્પોરેશનને મંજુરીની સત્તા છે જ, પણ મંજુરી માટે કોઈ પ્રક્રિયા-નિયમોનુસારની તબક્કાવાર-સ્ટેજવાઈસ કાર્યવાહી થઈ નથી તે હકીકતનો પણ આ જવાબમાં સ્વીકાર થયો છે. મંજુરી આપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ અને જનરલ બોર્ડમાં પ્રસ્તાવ રજૂ કરવાની પ્રક્રિયા તો હજી બાકી જ છે. અર્થાત્ મંજુરી વગર માત્ર અરજી કરીને અત્યાર સુધીનું બાંધકામનું કમઠાણ ખડકી દેવાયું છે! અને મંજુરી વગર નદી ઉપર થયેલા આ ગંભીર પ્રકારના અને જોખમી દબાણો દૂર કરવાની સત્તા પણ કોર્પોરેશનને છે જ. તો પછી આ દબાણ દૂર કરવામાં શા માટે વિલંબ થઈ રહ્યો છે?
જામનગરના જ વાલકેશ્વરી નગરીમાં એક કોમ્પલેક્ષમાં નાનકડી દુકાનના મંજુરી વગરના ગેરકાયદે બાંધકામને દૂર કરવાનો કિસ્સો પણ જાણવા મળ્યો છે. તેમાં અંતરંગ વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે અદાલતે કોર્પોરેશનને આ દબાણ દૂર કરવાનો આદેશ કર્યો... આદેશ ફાઈલમાં... ત્યારપછી અદાલતે આદેશનો અમલ નહીં કરવા બદલ કોર્ટના અનાદરની નોટીસ ફટકારતા તાબડતોબ દુકાનનું દબાણ તોડી પાડી અદાલતમાં જવાબ આપી દેવો પડ્યો કે અમે અદાલતના આદેશનું પાલન કર્યું છે!
જો આ પુલ જેવી ગંભીર બાબતમાં અદાલતનો આશરો લઈને અદાલતમાંથી તેને તોડી પાડવાનો હુકમ થાય તો...? મહાનગરપાલિકાનું તંત્ર અને ખાસ કરીને મ્યુનિ. કમિશનર કોઈ અરજદાર કે જાગૃત નાગરિક કે સંસ્થા અદાલતમાં સમગ્ર મામલાને પડકારે તે પૂર્વે આ ગેરકાયદે બાંધકામ દૂર કરવું જોઈએ. આવા કિસ્સામાં 'મંજુરી અપેક્ષાએ' જેવા રિમાકર્સ સાથે કોઈ કામ કરી શકે નહીં તે એક સરળ અને સમજી શકાય તેવો નિયમ છે જ.
હવે જ્યારે... મહાનગરપાલિકાએ ખુદ સત્તાવારરીતે જાહેર કરી દીધું કે આ પુલના બાંધકામ માટે મંજુરીની કાર્યવાહી બાકી જ છે, તેનો મતલબ કે અત્યાર સુધી જે કાંઈ બાંધકામ-દબાણ થયા છે તે મંજુરી વગર ગેરકાયદેસરના છે, છે ને છે જ. જોઈએ... આપણું મનપાનું તંત્ર મોરબીના ઝૂલતા પુલની ગોઝારી હોનારત જેવી ઘટનાને આમંત્રણ આપે છે કે પછી કડક થઈને પારદર્શી રીતે સારો-મજબૂત પુલ તમામ મંજુરી-નિયમોના પાલન સાથે બાંધવા માટેની કાર્યવાહી કરે છે!
... તો સારૃ!
છેલ્લે જાણવા મળતી વિગતો પ્રમાણે મહાનગરપાલિકાએ અરજદારોને નોટીસ આપી આ દબાણ દૂર કરવા જણાવ્યું છે. જો નોટીસમાં દર્શાવેલી સમયમર્યાદામાં ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં કરાય તો મહાનગરપાલિકા તંત્ર તે અંગેની કાર્યવાહી કરશે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag