Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાની ઘી નદી પર રૂા. ૩૮.પ૮ કરોડના ખર્ચે બનશે રિવરફ્રન્ટ

રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો ફળ્યા

ખંભાળીયા તા. ૧પઃ રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેનના સફળ પ્રયાસો થકી ખંભાળીયામાં ઘી નદી રીવરફ્રન્ટ માટે રાજ્યના શહેરી વિકાસ મિશનમાં ૩૮.પ૮ કરોડ મંજુર થયા છે તેથી નગરજનોમાં ખુશીની લાગણી ફેલાવા પામી છે.

ખંભાળીયા શહેરમાં જિલ્લાનું વડુ મથક હોવા છતાં પણ કોઈ ફરવાલાયક સ્થળ કે વિશેષ સ્થળ ના હોય મોટા સેન્ટરોમાંથી યુવતીઓએ ખંભાળીયાના યુવાનો સાથે સગાઈ કર્યા પછી તે ફોક થયાના બનાવો પણ નોંધાયા છે ત્યારે ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના સહિયારા પ્રયાસોથી ખંભાળીયા શહેરના લોકો માટે નઝરાણું સમાન ઘી નદી રીવરફ્રન્ટમાં શહેરી વિકાસ મિશન અંતર્ગત ૩૮.પ૮ કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપતા નગરજનોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે.

ખંભાળીયામાં ઘી નદી ઐતિહાસિક તથા લોકોને ખૂબ જ પ્રિય હોય અહીં રીવરફ્રન્ટ થાય તે માટે પૂર્વ ધારાસભ્યો સ્વ. કાળુભાઈ ચાવડા, સ્વ. મેઘજીભાઈ કણઝારીયા તથા હાલના ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા ભાણવડના ધારાસભ્ય તથા નિગમના ચેરમેન હતા ત્યારે તેમણે તથા સાંસદ પૂનમબેન દ્વારા પણ પ્રયત્નો થયા હતા તથા પૂર્વ પાલિકાની બોડીના હોદ્દેદારો હીનાબેન આચાર્ય, ભાવનાબેન પરમાર, જગભાઈ રાયચુરા તથા હાલના હોદ્દેદારો રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, વિષ્ણુભાઈ પતાણી તથ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના તથા ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા પણ રજુઆતો થઈ હતી અને છેવટે હકારાત્મક પરિણામ આવતા ૩૮.પ૮ કરોડની માતબર રકમ ફાળવાઈ છે.

ખંભાળીયા પાલિકા દ્વારા ઈજનેર એન.આર. નંદાણીયાની ટીમ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન સાથે પ્રાદેશિક નિયામક રાજકોટને રજુઆત કરાઈ હતી જેમણે ભલામણ સાથે શહેરી વિકાસને મોકલતા ૯-૮-ર૪ ના સરકારે પણ મંજુર કરતા આ ૩૮.પ૮ કરોડનું રીવરફ્રન્ટ મંજુર થયું છે.

ખંભાળીયામાં રામનાથ મહાદેવ પાસેથી ખામનાથ મહાદેવ સુધી નદી રીવરફ્રન્ટ બનશે જ્યાં બન્ને બાજુ આર.સી.સી.ની રીટેઈનીંગ વોલ, રીવર બેડનું ડિસ્લીટીંગ, ચેકડેમ, કમ્પાઉન્ડ વોલ, વોક વે, જોગીંગ ટ્રેક, યોગા સેન્ટર, વિવિધ સ્થળ ગાર્ડન, રસ્તાઓ, ફલોરીંગ ફાઉન્ટેઈન, પાર્કીંગ સુવિધા, સિક્યોરીટી કેબીનો, કમ્પાઉન્ડ વોલ, મુખ્ય ગેઈટ, પેડેસ્ટ્રીયન ગેઈટ, ચિલ્ડ્રન પ્લે એરીયા, ફલોરીંગ ફાઉન્ટેઈન, ટોયલેટ બ્લોકસ એન્ટ્રસ પ્લાઝા, લેન્ડ સ્કેબીંગ જેવી સુંદર સુવિધાઓ ઉભી કરાશે.

નગરના અનેક પ્રશ્નો હલ થશે

હાલ ઘી નદીમાં અનેક ગટર ભળતા ગંદુ પાણી થવાથી ગંદકી, ગાંડી વેલ, નદીની બાજુમાં ઢોરને દાટવા, ગંદકી, પશુ વાડા, કચરાના ઢગલા, કાંટાળી વનસ્પતિ વિગેરેના પ્રશ્નો હલ થઈ જશે તથા ગંદી ગંધાતી ગાંડી વેલથી ભરપૂર નદી રીવરફ્રન્ટથી અનોખી થઈ જશે. વળી નદીમાં ગંદુ પાણી ના ભળે તે માટે પણ અગાઉ કરોડો રૂપિયા મંજુર થયા છે.

આ ૩૮.પ૮ કરોડની રકમ મુખ્યમંત્રી શહેરી વિકાસ સ્વર્ણીમ જયંતીની ગ્રાંટમાંથી ફાળવાશે તથા તબક્કાવાર આયોજન ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. કરશે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરીને યોજનાની કામગીરી થશે અને વહીવટી મંજુરી બાદ બે વર્ષમાં કામ પૂર્ણ કરવાનું રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh