Advertisement
Author: નોબત સમાચાર

બાંગ્લાદેશમાં હિન્દુઓ-લઘુમતીઓની સુરક્ષા અંગે દેશ ચિંતિતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સેક્યુલર સિવિલ કોડ, ઓલિમ્પિક, શહીદો, સર્જિકલ સ્ટ્રાઈક, વિકસિત ભારતને આવરીને વિપક્ષ પર પ્રહારઃ નેશન ફર્સ્ટનો સંકલ્પ

નવી દિલ્હી તા. ૧પઃ આજે સ્વાતંત્ર્ય દિને લાલકિલ્લા પર તિરંગો ફરકાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦૦ મિનિટથી વધુ કરેલા પ્રવચનમાં સરકારની સિદ્ધિઓ ઉપરાંત સેક્યુલર, સિવિલકોડ, વિકસિત ભારતનું લક્ષ્ય, ઓલિમ્પિક, સર્જિકલ સ્ટ્રાઈક, દેશ માટે જાન કુરબાન શહીદો સહિતના અનેક મુદ્દાઓ આવરી લીધા હતાં અને વિપક્ષો પર પરોક્ષ રીતે તીખા પ્રહારો કર્યા હતાં.

આજે ૭૮ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૧ મી વખત દિલ્હીના લાલ કિલા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પંચરંગી પાઘડી પહેરીને વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની કિલ્લા પરથી વર્ષ ર૦૪૭ સુધીમાં વિશ્વ સમક્ષ ભારતનું વિઝન રજૂ કર્યું હતું. વર્ષ ર૦૪૭ માં ભારત આઝાદીની ૧૦૦ મી વર્ષગાંઠની ઉજવણી કરશે અને ત્યાં સુધીમાં વડાપ્રધાને ભારતને ફરીથી સોને કી ચિડિયા બનાવવા સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેમના ભાષણમાં તેમણે બાળકો, મહિલાઓ, દીકરીઓ, યુવાનો, વૃદ્ધો, સેના, ખેડૂતો વગેરે સહિત સમાજના દરેક વર્ગનો ઉલ્લેખ કર્યો હતો. તેમની સરકારના આગામી પ વર્ષ માટેના લક્ષયોની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે ર૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે દેશવાસીઓનો સહયોગ પણ માંગ્યો હતો અને નેશન ફર્સ્ટનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું કે, આજે ભારતની મહિલાઓ ઈનોવેશન, ટેકનોલોજી, રોજગાર, એરફોર્સ, આર્મી, નેવી, સ્પેસ સેક્ટરમાં પોતાની પ્રતિભા બતાવી રહી છે. આ સાથે જ તેમણે મહિલાઓ વિરૂદ્ધ વધી રહેલા ગુનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે માતાઓ અને બહેનો સામે ગુનાઓથી રોષ જોવા મળ્યો છે. ગુનો કરનારા પાપીઓને સજા થાય, તેમને ફાંસીએ લટકાવવામાં આવે, આ ડર ઊભો કરવો પડશે.

વડાપ્રધાને કહ્યું કે, આગામી પ વર્ષમાં મેડિકલ કોલેજોમાં ૭પ હજાર બેઠકો વધારવાની જાહેરાત કરી હતી. હવે દેશના યુવાનોને મેડિકલ શિક્ષણ માટે દેશની બહાર જવું નહીં પડે. મેડિકલ રિસર્ચ પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં લગભગ એક લાખ મેડિકલ સીટમાં વધારો કરવામાં આવ્યો હતો અને આગામી પ વર્ષમાં ૭પ,૦૦૦ સીટ વધારીને અમે યુવાનોને ભારતમાં રહિને મેડિકલ કોર્સ કરવાની તક આપીશું.

તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક ર૦ર૪ સમાપ્ત થયુંછે, જેમાં ભારતીય ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કર્યું છે, અને મેડલ પણ જીત્યા છે. ભારત ઓલિમ્પિક ર૦૩૬ ની યજમાની કરવા માંગે છે. મોદી સરકાર આ માટે તૈયારી કરી રહી છે. ઓલિમ્પિક એસોસિએશન સાથે વાત કરીને આ લક્ષ્યાંક હાંસલ કરવાના પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવી એ-૧ ટેકનોલોજીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ ગેમિંગ ઈન્ડસ્ટ્રીને ઈન્ટરનેશનલ લેવલ પર લઈ જવાનું વચન આપ્યું હતું. આજે દેશમાં જ રમકડાં બને છે, જે હાઈટેક બની ગયા છે. ભારત એક વિશાળ ગેમિંગ ઈન્ડસ્ટ્રી પણ ધરાવે છે. એ-૧ ટેકનોલોજીએ આ ઉદ્યોગને નવો આકાર આપ્યો છે. તેથી અમે ભારતમાં બનેલા રમકડાં અને ગેમિંગને સમગ્ર વિશ્વમાં લઈ જઈશું.

વડાપ્રધાને ભારપૂર્વક સેક્યુલર સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં કોમ્યુનલ સિવિલ કોડ હજુ પણ અમલમાં છે, જેને સેક્યુુલર સિવિલ કોડમાં બદલવાનો પ્રયાસ કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે યુસીસી વિશે પણ વાત કરી છે. સરકારને આ મુદ્દા પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી દેશને ધાર્મિક ભેદભાવના વલણમાંથી મુક્તિ મળી શકે.

વન નેશન વન ઈલેક્શનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ચૂંટણી કરાવવામાં ઘણો સમય લાગે છે. ઘણાં મહિનાઓ સુધી ચાલતી લાંબી પ્રક્રિયાને અનુસરવી પડે છે. તેને ખતમ કરવા માટે મોદી સરકારે સમગ્ર દેશમાં વન ઈલેક્શન કરાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જેના માટે એક કમિટી બનાવવામાં આવી હતી, જેના માટે તૈયાર રિપોર્ટમાં કરાયેલી ભલામણોને અમલમાં મૂકવાના પ્રયાસો કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં ગ્રીન જોબ્સનું લક્ષ્ય નક્કી કર્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં ગ્રીન જોબ્સનું કલ્ચર વધ્યું છે. સરકારનું ધ્યાન ઈલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઈડ્રોજન, નેટ ઝીરો એમિશન પર છે. આ સાથે દેશના યુવાનોને ગ્રીન જોબ મળશે અને દેશ પર્યાવરણ સંરક્ષણની દિશામાં આગળ વધશે.

વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં કૃષિ ક્ષેત્રને ર૦૪૭ ના વિસિત ભારતનો મહત્ત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. તેમણે કૃષિ ક્ષેત્રમાં સુધારાનો સંકલ્પ કર્યો અને લક્ષ્યો નક્કી કર્યા છે. કૃષિ ક્ષેત્રને જુની પરંપરાઓમાંથી મુક્ત કરવામાં આવશે. અજો નવી ટેકનોલોજી દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવી રહી છે. એન્ડ ટુ એન્ડ હોલ્ડિંગ આપવામં આવી રહ્યું છે, જેથી ઓર્ગેનિક ફૂડ ઉદ્યોગને પ્રોત્સાહન મળી શકે.

આજે વડાપ્રધાન મોદીએ ૧૦૦ મિનિટથી વધુ લાંબુ ભાષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે દરેક મહત્ત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે વિકસિત ભારત અને દેશની સમૃદ્ધિ માટે સકારાત્મક અને આશાવાદી રહેવાની વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ભારતે જી-ર૦ દેશોની બેઠકની યજમાની કરી. ર૦૦ થી વધુ કાર્યક્રમો કર્યા. આનાથી એક વાત સાબિત થઈ છે કે ભારત સૌથી મોટી ઈવેન્ટ્સનું પણ આયોજન કરવાની ક્ષમતા ધરાવે છે. સમગ્ર વિશ્વમાં ભારતની યજમાનીનો કોઈ જવાબ નથી. આવી સ્થિતિમાં ભારત ર૦૩૬ ઓલિમ્પિકની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે.

ધ્વજાવંદન પછી હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરાઈ હતી અને ર૧ તોપોની સલામતી અપાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh