Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાકક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ જામકલ્યાણપુરમાં ઉજવાયુઃ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા દેશભક્તિના ગીતોઃ
ખંભાળીયા તા. ૧પઃ રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કલ્યાણપુરમાં દ્વારકા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થઈ હતી, આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડ નિરીક્ષણ કર્યુ હતું અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કે.કે. દાવડા હાઈસ્કૂલ, કલ્યાણપુરમાં કરવામાં આવી હતી. મંત્રીએ રાષ્ટ્રઘ્વજ ફરકાવીને કલેક્ટર જી. ટી. પંડ્યા તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં પોલીસ, હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ સહિતની કુલ ૬ ટુકડીઓ સહભાગી થઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, બ્રિટિશરોની ગુલામી સામે જંગ છેડી, લાઠીઓ-ગોળીઓ ખાઈને માં ભારતીને સ્વતંત્રતા અપાવનારા શહીદો, ક્રાંતિવીરોના પુણ્યોનું સ્મરણ કરવાનો આ અવસર છે. દેશને સ્વરાજ્ય અપાવવાની લડતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ , વીર સાવરકર, શ્યામજીકૃષ્ણ વર્મા, સુભાષચંદ્ર બોઝ,ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ સહિતના અનેક સપૂતો આ દેશની માટીએ આપ્યા છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આજની ૨૧મી સદીનું ભારત આત્મનિર્ભરતા તરફ દોટ મૂકી રહ્યું છે. રાષ્ટ્રને આઝાદી અપાવવા માટે શહીદી વહોરનારા સપૂતોએ આપણી ભાવિ પેઢી સ્વતંત્ર રહી શકે તેમજ ઉન્નત ભારતનું સ્વપ્ન સાકાર કરે તેવો સહિયારો પ્રયાસ આપણે સૌએ કરવાનો છે. ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર પ્રથમના સંકલ્પને આગળ ધપાવી વર્ષ ૨૦૪૭માં રાષ્ટ્રને વિકસિત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. દેશની મહામૂલી આઝાદી માટે બલિદાન આપનારા અનેક વીર સપૂતો તથા વીરાંગનાઓ સ્મૃતિમાં તેમજ રાષ્ટ્રના જન જનમાં દેશભક્તિની ભાવનાની લહેર છવાય તેવા ઉદેશ્યથી વડાપ્રધાનશ્રીએ તા.૦૮ થી ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન માટે આહવાન કર્યું હતું. આ આહવાનને હોંશભેર ઝીલીને સમગ્ર રાજ્યની જનતા સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો પણ આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈને આ અવસરને લોકોત્સવમાં પરિવર્તિત કર્યો હતો. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે "એક પેડ માઁ કે નામ" અભિયાન આદર્યુ છે.
તેમણે કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં થયેલ ભારે મેઘવર્ષાની પરિસ્થિતિના પગલે મુખ્ય મંત્રી દ્વારા હવાઈ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રાહત બચાવની કાબિલેદાદ કામગીરી કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષના સાપેક્ષે ૧૪૦ ટકા વધારે વરસાદ નોંધાયો છે. આવી પરિસ્થિતિમાં જિલ્લા પ્રશાસન દ્વારા ૫૯ જેટલા નાગરિકોનું રેસક્યુ તેમજ ૩૦૩ જેટલા નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લામાં ૧૪ હજાર કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ કરી નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તેની તમામ તકેદારી જિલ્લા પ્રશાસન દ્વારા રાખવામાં આવી હતી.
આર.એસ.કંડોરીયા કન્યા વિદ્યાલય ભાટીયાની વિદ્યાર્થીઓ ટીપણી રાસ , મોડેલ સ્કૂલ કલ્યાણપુરના વિદ્યાર્થીઓ દ્વારા ફ્યુઝન ગીત, કર્મયોગ વિદ્યાલય કલ્યાણપુરના વિદ્યાર્થીઓ દ્વારા રંગ ભીની રાધા કૃતિ તેમજ નવ ભારત કન્યા શાળા કલ્યાણપુરના વિધાર્થીઓ દ્વારા દેશભકિત ગીતની સુંદર પ્રસ્તુતિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષણ, આરોગ્ય, મહેસૂલ સહિતના વિભાગના કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
૭૮માં સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી નિમિતે નિવાસી અધિક કલેકટર ભુપેશ જોટાણીયા, નાયબ વન સંરક્ષક અરૂણ કુમાર, પ્રાંત અધિકારી એચ.બી.ભગોરા, મામલતદાર આર.એચ.સુવા, અગ્રણી મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર, સગાભાઈ રાવલીયા, જગાભાઈ ચાવડા, મેરામણભાઈ ગોરિયા, સુમાતભાઈ ચાવડા, પ્રતાપભાઈ પિંડારીયા, ભરતભાઈ ગોજીયા સહિત સ્થાનિક આગેવાનો, નાગરિકો, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial