Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા કક્ષાની જામજોધપુરમાં થઈ ઉજવણીઃ પરેડ નિરીક્ષણઃ વૃક્ષારોપણઃ વ્યક્તિ વિશેષોનું સન્માન
જામનગર તા. ૧પઃ જામનગર જિલ્લા કક્ષાનું ધ્વજવંદન જામજોધપુરમાં કલેક્ટર બી.કે. પંડ્યાએ કરાવ્યું હતું. એસ.પી. પ્રેમસુખ ડેલુ સાથે પરેડ નિરીક્ષણ કરાયું હતું. અને કલેક્ટરે ઉપસ્થિત લોકોને ઉદ્બોધન કર્યુ હતું.
જામનગર જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને જામજોધપુર તાલુકામાં આવેલ ખાનસરી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર જિલ્લા કક્ષાના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની આન...બાન...શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટરે રાષ્ટ્રધ્વજને ફરકાવ્યા પછી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, ત્યારબાદ રાષ્ટ્રગાન કરી તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાથે ૯ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.
ઉપસ્થિત લોકોને ઉદ્બોધનના પ્રારંભે સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા કલેક્ટરે જણાવ્યું હતું કે, દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહીદોને નમન કરૃં છું. હર ઘર તિરંગા અભિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનજનને જોડ્યા. અને નેશન ફર્સ્ટની ભાવના સાથે લોકોએ રાષ્ટ્રીય પર્વને લોકોત્સવ તરીકે ઉજવણી કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૃં પાડ્યું છે. દેશ અને દુનિયાના નકશામાં ગુજરાતે વિશેષ સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં રજૂ કરાયેલા દેશના બજેટમાં યુવાઓ અને નારિશક્તિને કેન્દ્રમાં રાખવામાં આવ્યાં છે.
ગરીબ, વંચિત અને શોષિત તેમજ આવાસ વિહોણા ૩ કરોડ લોકોને ઘરનું ઘર આપી સરકારે તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. જરૂરિયાતમંદ લોકોને સરકારની સીધી યોજનાનો લાભ મળે તે માટે વર્ષ ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે અને સપ્ટેમ્બર ૨૦૨૪મા ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી શૃંખલાનું આયોજન કરાશે. રોજનું રોજ કમાઈને ખાનારા ફેરિયાઓના જામીન ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા છે અને તેઓને લોન અપાવી છે. શ્રમયોગીઓને કામના સ્થળે જ પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે તેઓના કામના સ્થળનની નજીક નજીવા દરે ભોજનની વ્યવસ્થા કરાવવા પીએમ અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી છે.
અનુસૂચિત જાતિ અને જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે સરકારે વનબંધુ સહિત અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. પર્યાવરણમાં સુધારો લાવવા, જમીનની ફળદ્રુફતા વધારવા તેમજ લોકોના આરોગ્યની ચિંતા કરીને સરકાર દ્વારા જૈવિક, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારે સોલાર રૂફટોપ યોજનાનું અમલીકરણ કરતા લોકોને આર્થિક ફાયદો તેમજ વીજળીનો બચાવ થયો છે.
કાશ્મીરથી કન્યા કુમારી, ઓખાથી આસામ સુધી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં માર્ચ-૨૦૨૫ સુધી ૧૭ કરોડ વૃક્ષ વાવવાનું આયોજન છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'હર ઘર તિરંગા' કાર્યક્રમને પણ જામનગરવાસીઓએ બહોળો પ્રતિસાદ આપી વધાવી લીધો. સમગ્ર જિલ્લામાં તા.૦૯ થી ૧૫ ઓગષ્ટ સુધી ઠેર ઠેર 'હર ઘર તિરંગા' કાર્યક્રમનું આયોજન થયું. જેમાં અબાલવૃદ્ધ સૌએ દેશભક્તિની જ્યોત હૃદયમાં પ્રગટાવી ખૂબ ઉત્સાહ અને આદરભેર સહભાગી થયા અને રાષ્ટ્રધ્વજને ગૌરવભેર માન આપ્યું. તે બદલ સૌને શુભકામનાઓ પાઠવી હતી.
રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં જામજોધપુર તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની ૭ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ પુરૂષ પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, હથિયારધારી અને બિન હથિયારધારી હોમગાર્ડ પ્લાટુન, એનસીસી પ્લાટુન, પુરુષ અને મહિલા એસ૫ીસી કમાન્ડર, ડોગી યુનિટ પ્લાટુન અને બેન્ડ વિભાગની પરેડ યોજાઈ હતી.
કલેકટરના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક નિવાસી અધિક કલેકટરને તેમજ જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો. બાદમાં મહાનુભાવોના હસ્તે ૪૫ જેટલા જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ/સંસ્થાઓનું, આરોગ્ય કેન્દ્રોની, હોસ્પિટલની સુંદર સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પર્વમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગલચર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, નાયબ વન સંરક્ષકશ્રી આર.ધનપાલ, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, અગ્રણીઓ, મહેમાનો, ૯ પ્લાટુનના પ્લાટુન કમાન્ડર શ્રીઓ, હોમગાર્ડ જવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial