Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે વરસાદથી રાજધાની દિલ્હી જળબંબાકારઃ કેદારનાથમાં ૬ ના મૃત્યુઃ અનેક ઘરો તબાહઃ હવાઈ સેવાઓ પ્રભાવિત
નવી દિલ્હી તા. ૧: આજે ગુજરાત સહિત દેશભરમાં ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. દિલ્હીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે, તો હિમાચલ પ્રદેશના ત્રણેક સ્થળે વાદળો ફાટતા પૂર પ્રલય જેવા દૃશ્યો સર્જાયા છે અને તબાહી મચી છે. કેટલાક લોકોના જીવ ગયા છે, તો અનેક લોકો ગૂમ થયા છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. શિમલાના રામપુર, મંડી અને કુલ્લુના મલાનામાં વાદળ ફાટયા હતાં. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય જગ્યાએ રપ થી વધુ લોકો ગુમ થયા છે. વાદળ ફાટવાની ઘટના બાદ આજે મંડીમાં તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. મંડીના થલતુખોડમાં મધરાત્રે વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ હતી. મકાન ધરાશાયી થવાની માહિતી છે. એનડીઆરએફ સહિત અન્ય ટીમો ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. આ ઘટનામાં પણ લોકો ગૂમ છે. ત્રણ મકાનો ધોવાઈ ગયા હોવાના અહેવાલો છે.
પધાર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટનામાં નવ લોકો ગૂમ થયાની માહિતી મળી છે. મંડી જિલ્લા પ્રશાસને બચાવ માટે એરફોર્સને એલર્ટ કરી દીધી છે. જ્યારે મદદની જરૂર પડશે ત્યારે સેવાઓ માંગવામાં આવશે. ડીસી અપૂર્વ દેવગન અને બચાવ ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પગપાળા જઈ રહી છે. રસ્તાઓ અને રસ્તાઓને કારણે સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.
રાજધાની શિમલામાં વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ હતી. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. ૧૯ લોકો ગૂમ થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. રામપુર વિસ્તારના ઝાકરીમાં સમેજ ખાડમાં હાઈડ્રો પ્રોજેક્ટની નજીક વાદળ ફાટ્યું હોવાની માહિતી મળી છે. કમિશ્નર અનુપમ કશ્યપ અને પોલીસ અધિક્ષક સંજીવ ગાંધી પણ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે.
ડેપ્યુટી કમિશ્નર અનુપમ કશ્યપે જણાવ્યું કે, રેસ્ક્યૂ ટીમમાં આઈટીબીપી, સ્પેશિયલ હોમગાર્ડ ટૂકડીને પણ સામેલ કરવામાં આવી છે. બચાવ કામગીરીમાં એમ્બ્યુલન્સ સહિત તમામ પાયાની સવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કુલ્લુ જિલ્લાના મલાના નાળામાં ભારે વરસાદ દરમિયાન વાદળ ફટવાને કારણે મલાના વન અને મલાના બે પાવર પ્રોજેક્ટને નુકસાન થયું છે. કુલ્લુ જિલ્લાના નિર્મડ વિસ્તારના બાગીપુલમાં ૮-૧૦ ઘરો ધોવાઈ ગયા છે. જેમાં પટવાર ફૂડ, હોટલ, દુકાનોનો પણ સમાવેશ થાય છે. દસ લોકો ગૂમ થયાના અહેવાલ છે. જેમાં એક જ પરિવારના સાત લોકો ગૂમ હોવાનું કહેવાય છે. તહસીલદાર સ્થળ પર છે. મોટાભાગના રસ્તાઓ બંધ છે. બાગીપુલનું બસ સ્ટેન્ડ ગાયબ થઈ ગયું છે. ૧પ વાહનો પાણીમાં વહી ગયા છે.
ગઈ રાત્રે કેદારનાથ ધામની આસપાસ વાદળ ફાટવાથી આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મંદાકિની નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થવાને કારણે આ વિસ્તારમાં ભારે વિનાશનો ભય છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીંચોલી વિસ્તારમાં પણ વાદળ ફાટવાના સમાચાર છે. જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. એસડીઆરએફ જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમોને રાહત અને બચાવ કામગીરી માટે ઘટના સ્થળે મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેદારનાથ ધામમાં લગભગ ૧પ૦ થી ર૦૦ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતા સમાચાર મુજબ અત્યાર સુધીમાં ૬ ના મોત થયા છે અને સેંકડો ઘર અને વાહનો તણાય ગયા છે.
આ ઘટનાને ગંભીરતાથી લેતા ઉત્તરાખંડ સરકારે તમામ જિલ્લા પ્રશાસનને એલર્ટ પર મૂકી દીધા છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તમને જણાવી દઈએ કે, ર૦૧૩ માં કેદારનાથમાં બનેલી ભયાનક દુર્ઘટનાને જોતા પ્રશાસન આ વખતે વધુ સતર્ક છે, જો કે કુદરતના પ્રકોપથી સંપૂર્ણપણે બચવું મુશ્કેલ છે.
પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ભારે નુક્સાન થયું છે. બન્ને રાજ્યોમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવાના અહેવાલ છે. ઉત્તરાખંડની સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે વાદળ ફાટવાના કારણે ઉત્તરાખંડના ટિહરી, રૂદ્રપ્રયાગ અને ભીંબલીમાં ચારધામ યાત્રાના માર્ગ પર અનેક શ્રદ્ધાળુઓ ફસાઈ જવાની સંભાવના છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. વિવિધ સ્થળોએ વાદળ ફાટવાના અહેવાલ પછી સમગ્ર ઉત્તરાખંડમાં એનડીઆરએફ, એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સહિતની ઈમરજન્સી સેવાઓને એલર્ટ જાહેર કરવામાં આવી છે. કેદારનાથમાં ફસાયેલા ૧પ૦ થી ર૦૦ શ્રદ્ધાળુઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ટિહરીના ઘંસાલીમાં ગડેરે ઓવરફ્લો થવાને કારણે રસ્તાની બાજુની એક રેસ્ટોરન્ટ અને આઠથી ૧૦ વાહનો ધોવાઈ ગયા હતાં, જેમાં રેસ્ટોરન્ટ સંચાલક, તેની પત્ની અને પુત્રનું મોત થયું હતું.
રાજધાની દિલ્હી જળબંબાકાર
દિલ્હી-એનસીઆરમાં વરસાદને કારણે લોકોનું ટેન્શન પણ વધી રહ્યું છે. ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં ત્રણ મકાનો પણ ધરાશાયી થયા છે. આ માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોં ગયા હતાં, જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મકાનો ખૂબ જ જર્જરિત અને જુના હતાં અને લાંબા સમયથી તેમાં કોઈ રહેતું ન હતું. તે જ સમયે મંડી વિસ્તારમાં ધરાશાયી થયેલા મકાનને લઈને ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.ુ
રાજધાની દિલ્હીમાં આજે સવારથી જ માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર જોવા મળી હતી. વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કેટલીક કોલેજો પણ બંધ રહેશે. દિલ્હીમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે બે લોકોના મોત થયા છે. ઉત્તર દિલ્હીના સબઝી મંડી વિસ્તારમાં મકાન ધરાશાયી થતા એક વ્યક્તિ ઘાયલ થયો છે. ફારયબ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યારે દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં એક દિવાલ ધરાશાયી થતા એક મહિલા ઘાયલ થઈ હતી.
રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ પછી અનેક વિસ્તારોમાં પણી ભરાઈ ગયા હતાં, તેથી વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે.
કરોલ બાગ મેટ્રો સ્ટેશન અને બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે. રોના કોચિંગ વિસ્તારમાં ફરી પાણી ભરાયા છે. પ્રગતિ મેદાન પાસે ભૈરવ માર્ગ રેલવે અંડરપાસ પર પાણીનો ભરાવો થયો છે. લૈરવે માર્ગ રેલવે અંડરપાસથી સરાય કાલે ખાન તરફ જતી ટનલ બંધ છે. સરિતા વિહાર મેટ્રો સ્ટેશન પાસે ભારે પાણી ભરાયા, ટ્રાફિક પ્રભાવિત થયા. દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં એક શાળાની દીવાલ પડી, અનેક વાહનોને નુક્સાન. પુલ પ્રહ્લાદપુર રેલવે અંડરપાસ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક ડાયવર્ઝન થયું છે. રાજધાની દિલ્હીમાં આર.ટી.ઓ. પાસે પાણી ભરાવાને કારણે ટ્રાફિક પ્રભાવી થયો છે. ઝડેવાલન વિસ્તારમાં ભારે વરસાદ પછી રસ્તાઓ પર પાણી ભરાયા હતાં.
દિલ્હીમાં ભારે વરસાદને કારણે ફ્લાઈટનો સમય પણ ખોરવાઈ ગયો છે. દિલ્હી જતી ઓછામાં ઓછી ૧૦ ફ્લાઈટ ડાયવર્ટ કરી ફ્લાઈટને જયપુર ડાયવર્ડ કરવામાં આવી રહી છે. દિલ્હી, ગુવાહાટી, બેંગ્લુરૂ, પશ્ચિમ બંગાળની ફ્લાઈટ્સ જયપુર એરપોર્ટ પર આવી દિલ્હી પહોંચવામાં કેટલો સમય લાગશે તેની માહિતી બહાર આવી નથી.
આજે દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ
દિલ્હીના શિક્ષણમંત્રી આતિશીએ ભારે વરસાદને કારણે આજે શહેરની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. મંત્રીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે, બુધવારે સાંજે ખૂબ જ ભારે વરસાદ અને ગુરૂવારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, તમામ સરકારી અને ખાનગી શાળાઓ પહેલી ઓગસ્ટે બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ભારે વરસાદને કારણે રોબિન સિનેમા પાસે એક મકાન ધરાશાયી થતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અન્ય એક ઘટનામાં દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંત કુંજમાં દિવાલ ધરાશાયી થતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial