Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની નાબૂદીના સૂત્ર સાથે ત્રણ દાયકા પહેલા ગુજરાતમાં સત્તારૃઢ થયેલી ભારતીય જનતા પાર્ટીમાં એક તરફ આંતરિક અસંતોષનો ચરૃ ઉકળી રહ્યો છે, તો બીજી તરફ પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાએ પણ પક્ષની કાર્ય પદ્ધતિ, શિસ્ત અને ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીને લઈને અંદરથી જ સવાલો ઉઠવા લાગ્યા છે... અમરેલીમાં આંતરિક ખેંચતાણ એટલી વધી ગઈ છે કે રાષ્ટ્રીય કક્ષાના એક દિગ્ગજ નેતાએ તો પોતાના સહિત કેટલાક નેતાઓના નાર્કો ટેસ્ટ કરવાની વાત કરી છે, તો ડો. ભરત કાનાબારે તો જાહેરમાં એવી વાત વહેતી મૂકી છે કે ભાજપમાં માત્ર જીતી શકે તેવા અને જ્ઞાતિના સમિકરણોને ધ્યાને લઈને પસંદ કરાયેલા દાવેદારોને જ ચૂંટણીઓમાં ટિકિટ ફાળવાય છે, અને સિનિયોરિટી, નિષ્ઠા કે વફાદારીનો કોઈ ભાવ જ પૂછાતો નથી વગેરે...વગેરે...
એક તરફ ડો. ભરત કાનાબારે સોશ્યલ મીડિયાના માધ્યમથી વહેતી ચૂકેલી આ વાતોની ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ તાજેતરમાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે 'ભાજપમાં દલાલો વધી ગયા છે' તેવું જે નિવેદન આપ્યું છે, તે પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
બીજી તરફ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોમાં ભય ફેલાવીને તથા મતદારયાદીમાં ગરબડ તથા નાણાના જોરે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના અરવિંદ કેજરીવાલે પણ આક્ષેપો લગાવ્યા છે. આમ, ભય ફેલાવીને સત્તાની ભૂખ સંતોષવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના કટાક્ષ સાથે ભાજપને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદીનું સૂત્ર યાદ કરાવાઈ રહ્યું છે.
જો કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સામે લડવાના બદલે ભાજપ અને આમ આદમી પાર્ટી બન્ને ચૂંટણી જીતવા અવનવી તરકીબો અજમાવી રહ્યા છે તેવા આક્ષેપો કોંગ્રેસે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરતા ત્યાં ત્રિપાંખિયો જંગ વધુ રોમાંચક અને રસાકસીભર્યો બન્યો છે.
ગાંધીનગર એસીબીએ તાજેતરમાં જમિયતપુરા નજીક આવેલા ડ્રાય પાર્ટના ઈનલેન્ડ કન્ટેનર ડિપોમાં કામ કરતા ત્રણ કસ્ટમ કર્મીઓની ધરપકડ કરી તેની પૂછપરછ દરમિયાન ભયંકર ભ્રષ્ટાચારની ચોંકાવનારી વિગતો બહાર આવી અને ભ્રષ્ટાચારની નિયત કરેલી રકમનું પ્રાઈસ લિસ્ટ અને તેના ઉઘરાણા માટે ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓએ સમાંતર તંત્ર ઊભું કર્યું છે. એટલું જ નહીં કન્ટેનર દીઠ નક્કી કરેલી રકમ ઉઘરાવવા (અંગત રીતે) માણસો પણ રોક્યા છે. કન્ટેનર કલીયરન્સ માટે નક્કી થયેલા ભાવો મુજબ ઉઘરાણી કરતી આ સમાંતર 'સિસ્ટમ' રોકડાનું સોનાના સ્વરૃપમાં (ગોલ્ડ પેમેન્ટ!!) સ્વીકારતી (ઉઘરાવતી) હોવાના તથા જે વેપારી લાંચ-રૃશ્વતની રકમ ન ચૂકવે તેના કન્ટેનરના ક્લીયરન્સને અટકાવી દેવાના ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. આથી સ્વાભાવિક રીતે જ સામાન્ય લોકોને એવું લાગે છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાનું સૂત્ર હવે વિસરાઈ ગયું છે અને આ 'સડો' જ પાર્ટીમાં આંતરિક અસંતોષ કરાવી રહ્યો હોઈ શકે છે.
આમ તો, આ રીતે ભ્રષ્ટાચારના ભાવબાંધણા થતા હોય અને ઉઘરાણા થતા હોય, તે કોઈ નવી વાત નથી. કેટલાક અધિકારી-કર્મચારીઓ તો પોતે નિવૃત્ત થઈ ગયા પછી પણ પોતે નિવૃત્તિ પહેલા જ્યાં ફરજ પર હતાં, ત્યાંના 'ભાવબાંધણા' મુજબ હપ્તા કે ભ્રષ્ટાચારના 'બાકી' રહી ગયેલા નાણા વસૂલવા ઉઘરાણી કરતા હોવાની ગુસપુસ પણ ઘણી વખત સંભળાતી હોય છે, તેથી હવે ભ્રષ્ટાચારને એક પ્રકારે 'શિષ્ટાચાર' જ થઈ ગયો હોય તેમ નથી લાગતું?
જો દિલ્હીમાં કેજરીવાલ એન્ડ કાું. પર શરાબકાંડના લાગેલા આક્ષેપોમાં થોડુંક પણ તથ્ય હોય, તો એમ કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ... કોઈનો ભરોસો થાય તેમ નથી... યુપીએ સરકાર સામે ભ્રષ્ટાચારના જોરદાર આક્ષેપો કરીને પ્રથમ વખત એ જ યુપીએના મુખ્ય પક્ષ કોંગ્રેસના ટેકાથી સરકાર રચનાર કેજરીવાલ એ જ કોંગ્રેસ સામે, એક વખત ફરીથી દિલ્હીમાં ચૂંટણી લડી રહી છે, જોઈએ, હવે શું થાય છે તે...
ગઈકાલે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે સટાસટી બોલવી ત પછી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાના વડાપ્રધાનના આજના જવાબ પર સૌની નજર મંડાયેલી હતી અને આ તમામ સંસદીય પ્રક્રિયાઓ, પ્રવૃત્તિઓ તથા પ્રવચનોની અસર દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓ પર કેટલી થશે, તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ એક સમયે કોંગ્રેસનો સૂરજ સોળેકળાએ તપતો હતો, ત્યારે તેની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને સત્તામાં કેન્દ્રમાં આવેલા ભાજપ અને દિલ્હીમાં સત્તામાં આવેલ આમ આદમી પાર્ટી સામે પૂરી તાકાતથી મેદાનમાં ઉતરેલી કોંગ્રેસ પાર્ટી માટે પણ દિલ્હી વિધાનસભાની આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે.
ટૂંકમાં, રાજકીય પક્ષો ચૂંટણી ટાણે વાયદાઓ કરે, સૂત્રો વહેતા કરે કે મોટી મોટી વાતો કરે, અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદી, ગરીબી નાબૂદી, ગુંડાગીરી નાબૂદી, બેરોજગારી નાબૂદીના વચનો આપે, પરંતુ સત્તા પર આવ્યા પછી બધું ભૂલી જતા હોય છે. આથી જનતાએ કોનો ભરોસો કરવો? તેવો સવાલ ઊઠે ત્યારે ઓછા ભ્રષ્ટ, ઓછા નપાવટ અને ઓછા ખોટાબોલા નેતાઓની પસંદગીનો વિકલ્પ જ રહેને...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial