Advertisement
Author: નોબત સમાચાર

કેદારનાથમાં ભારે વરસાદઃ ભૂ-સ્ખલનમાં ફસાયેલા ૩૦૦૦ લોકોને બચાવાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તરાખંડના સીએમ સાથે કરી વાતઃ ૧૭ ગુજરાતીઓનું સલામત રેસ્કયૂ

નવી દિલ્હી તા.૨: કેદારનાથમાં વાદળ ફાટ્યા પછી ભારે વરસાદ અને ભૂ-સ્ખલનમાં ફસાયેલા ૩૦૦૦ જેટલા યાત્રિકોને બચાવી લેવાયા છે. ગુજરાતના મુખ્યમંત્રી અને સરકારના પ્રયાસોથી ૧૭ ગુજરાતીઓનું પણ સલામત રેસ્ક્યૂ કરાયું છે. હજુ ૩૦૦ જેટલા યાત્રિકો ફસાયેલા છે અને દિલધડક ઓપરેશન જારી છે.

દહેરાદૂનથી મળી રહેલા અહેવાલો મુજબ કેદારનાથમાં લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલા ૧૭ ગુજરાતીઓનું રેસ્ક્યુ કરાયું છે, જેમાં તમામ યાત્રીઓને સલામત સ્થળે ખસેડાયા છે, તેમજ ગુજરાતના મુખ્યમંત્રીએ ઉત્તરાખંડમાં સરકાર સાથે વાતચીત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ એસ.ઈ.ઓ.સી.નો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી હતી. તેથી કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના ૧૭ જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ફસાયેલા યાત્રિકો અંગેની જાણ થતાં જ તેમણે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સહીસલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાત્કાલિક સંકલન કરવા સૂચનાઓ આપી હતી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશનર આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી.નો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં.

ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રૂદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાતાવરણ ક્લિયર થતા જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહીસલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. અરવલ્લીના આ યાત્રિકોના ગ્રુપના એક અગ્રણી મનોજભાઈ પોતે સહુ યાત્રિકોને ટૂંકા સમયમાં સહીસલામત નીચે પહોંચાડી દેવા માટેની તત્કાલ વ્યવસ્થાઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત અને ઉત્તરાખંડના એસ.ઈ.ઓ.-સી.ના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમેજ ગામ તણાઈ ગયુ

શિમલાના રામપુરામાં સમેજ નામનું આખું ગામ પૂરમાં વહી ગયું છે. અહીંના ૯૯ ટકા ઘર ધોવાઈ ગયા છે અને માત્ર ર-૪ જ બચ્યા છે. આ ગામમાં ૧૮ મહિલાઓ અને ૭ બાળકો સહિત ૩૬ લોકો ગુમ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ અહીં બચાવ કાર્ય સમાપ્ત કરી દીધું છે અને હવે સર્ચ ઓપરેશન ચાલુ છે. ગામ નજીક આવેલ નાળામાં અચાનક પૂર આવતા આવી સ્થિતિ સર્જાઈ છે.

બે જિલ્લામાં આજે શાળાઓ બંધ

ભારે વરસાદને કારણે મંડી અને કુલ્લુમાં આજે શાળાઓ બંધ, રાખવામાં આવી છે. મંડીના પધરના રામબન ગામમાં ૧૧ લોકો પાણીમાં વહી ગયા છે જેમાંથી ૩ ના મૃતદેહ મળી આવ્યા છે. કુલ્લુના આનીના બાગીપુલમાં એક જ પરિવારના પ સભ્યો પણ પૂરના પાણીમાં વહી ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh