Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણિયા મેળાઓને લક્ષ્યમાં લઈને તંત્રની તૈયારીઓ કેવી અને કેટલી છે? લોકોમાં ઉત્સાહ...

સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે ત્યારે

જામનગર તા. રઃ સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, અને જન્માષ્ટમીના દિવસે તા. ર૬ ના દિવસે પણ સોમવાર હશે. ચારેય શ્રાવણિયા સોમવારે પણ ઠેર-ઠેર મેળાઓ યોજાશે અને શ્રાવણ વદ-પાંચમથી શરૂ કરીને જામનગર સહિત હાલારના ઘણાં સ્થળે સાતમ-આઠમના મોટા મેળાઓ યોજાતા હોય છે. રાજ્યમાં કેટલીક મહાપાલિકા-નગરપાલિકા-પંચાયતોએ તો શ્રાવણિયા મેળાઓની તૈયારીઓ તથા પ્રક્રિયાઓ શરૂ કરી દીધી જ છે, જ્યારે કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કદાચ વરસાદી માહોલ, ફોરકાસ્ટ અને અન્ય કેટલીક સ્થાનિક ઉજવણીઓ-તહેવારો તથા પૂર-પાણીની સ્થિતિને લક્ષ્યમાં લઈને નિર્ણય લેશે તેમ જણા છે, તેથી જસ્ટ વેઈટ એન્ડ વોચ...

જામનગરની વાત કરીએ તો આ વખતે તો આકાશમાંથી તો સુંદર જળ વરસ્યું, પરંતુ નગરમાં ઘણી જગ્યાએ કાદવ-કીચડનું સામ્રાજ્ય પથરાયેલું હોવાથી કદાચ તંત્રો પણ દ્વિધામાં હશે કે આવી બદતર સ્થિતિ અને ગંદકી વચ્ચે આ વખતે શ્રાવણી મેળાનું આયોજન સફળ થશે કે નહીં? એથી જ પ્લોટ ફાળવણી સહિતની મુખ્ય મેળાઓને સંબંધિત પ્રક્રિયાઓને લઈને કેટલાક શહેરોમાં તંત્રો સળવળી રહ્યા નહીં હોય... કે પછી નેશનલ નાકામિયાબીની માઠી અસરો નગર સુધી પહોંચી હશે... અને નિરાશાની માનસિક્તા ટોપ..ટુ...બોટમ ફેલાઈ ગઈ હશે? તેવી ગુપસુપ થતી પણ સંભળાતી હોય છે. ઘણાં લોકો એવું પણ કહેતા હોય છે કે જ્યાં મળતર હોય, વળતર હોય ત્યાં જ 'રસ' લેવાની કદાચ લત લાગી ગઈ હશે... આ પ્રકારની લત (વ્યસન) લાગી ગયા પછી તમાકુના મસાલા-માવો-ફાકી-પાન કે ધૂમ્રપાનની જેમ ઘડીકમાં છૂટતી હોતી નથી.

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને નદીના પટમાં શ્રાવણિયા મેળાઓ યોજાતા હોય છે, પરંતુ ત્યાં ગારા-કીચડનું સામ્રાજ્ય હટાવીને અને સંલગ્ન તમમ વ્યવસ્થાઓનું પૂરેપૂરૃં પ્લાનિંગ કરીને જ મેળાઓ યોજવા જેવા છે... જો જરાક પણ કચાશ રહી જશે, તો હવે તો તેના પડઘા છેક સંસદ સુધી પડવાના છે... કારણ કે વિપક્ષ મજબૂત થઈ ગયો છે ને...?

શાસક પક્ષ કે વિપક્ષ જનતાને અંડરએસ્ટિમેટ ન કરે, અને દુર્ઘટનાઓ, લાપરવાહી અને ભ્રષ્ટાચારને અનુકૂળતા મુજબના ચશ્મા પહેરીને જોવાનું બંધ કરીને નરી આંખે જ જુઓ... કારણ કે હવે જનતા જાગૃત થઈ ગઈ છે અને બધું જ સમજે છે... રેલવે અકસ્માતોની વાત થાય તો રેલવે મંત્રી ખીજાઈ જાય કે સંસદમાં વિપક્ષ કોઈ માંગ ઊઠાવે, તો 'પર્સનલ' શાબ્દિક હુમલાઓ થાય કે પછી અડધીરાતે વિપક્ષી નેતાને ત્યાં ઈડીની રેડની આશંકા જાગે, તે નહીં ચાલે... તેવી જ રીતે દિલ્હીમાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હોય, લઠ્ઠાકાંડ થયો હોય કે ઉત્તરપ્રદેશમાં ૧ર વર્ષની ઉંમરે ચાઈલ્ડ ગેંગરેપ થયો હોય, તેને પણ વખોડવાની હિંમત મજબૂત વિપક્ષે દાખવવી પડશે... હવે સિલેક્ટિવ કે તાનાશાહીભર્યા વલણો નહીં ચાલે, ભલે તે પક્ષ હોય કે વિપક્ષ... કેન્દ્ર, રાજ્ય સરકારો હોય કે પાલિકા-મહાનગર પાલિકાઓ... બી એલર્ટ!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh