Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં ૭૪૮ વ્યક્તિઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર માટે મંજૂરી માંગતા ખળભળાટ

મામલતદાર દોડી આવ્યાઃ હિન્દુ સેનાએ સમજાવટ શરૂ કરીઃ રાજ્યભરમાં ચર્ચાઃ તંત્ર સફાળુ દોડ્યું

જામનગર તા.૨: ધ્રોલ શહેરમાં આવેલા વોર્ડ નં.૭માં પડધરી નાકા પાછળ સાત ડેરી મહાદેવ મંદિરવાળા રોડ પર વસવાટ કરતા હિન્દુ સમાજના ૭૪૮ વ્યક્તિઓએ ગઈકાલે જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરીને હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી આપવા ખળભળાટ મચી ગયો છે. જેના પગલે હિન્દુ સેનાના પદાધિકારીઓ તથા ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા સહિતના વ્યક્તિઓ દોડી ગયા હતા.

અગાઉ જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે હિન્દુ તથા મુસ્લિમ ધર્મના લોકો શાંતિથી જીવતા હતા પરતુ જ્યારથી હિન્દુઓની સરકાર આવી છે ત્યારથી હિન્દુઓની ચિંતાઓ વધી ગઈ છે અને હિન્દુ લોકોની સમસ્યાઓનું કોઈ નિરાકરણ થતું નથી. તેમજ સરકારી અધિકારીઓ, આ વિસ્તારના ધારાસભ્ય, ત્યાંના નગરસેવકોની ઢીલી નીતિના કારણે ૭૪૮ વ્યક્તિઓએ હિન્દુ ધર્મને છોડીને મુસ્લિમ ધર્મ સ્વીકારી લેવા માટે મંજૂરી માંગી છે. તેઓએ આ માટે રજૂ કરેલા કાગળોમાં તમામ વ્યક્તિઓના ચૂંટણી કાર્ડ તથા આધારકાર્ડના નંબરો લખી સહી કરી આપી હતી.

ઉપરોક્ત બાબત પ્રકાશમાં આવતા જ ખળભળાટ મચ્યો છે. વોર્ડ નં.૭ના આ રહેવાસીઓએ જણાવ્યું છે કે, પડધરીના નાકા બહાર ખાટકી વાડ આવેલો છે. ત્યાં જાહેર માર્ગ પર મટન, મચ્છી, મૃત પશુના હાડકા જાહેરમાં ફેંકી હલન ચલનમાં અવરોધ કરવામાં આવે છે અને પ્રસરતી દુર્ગંધના કારણે ઘરમાં રહેવું દુષ્કર બની રહ્યું છે. ત્યાં જ આવેલુ મરઘા ઉછેર કેન્દ્ર પણ તમામ નીતિ નિયમોથી પર છે. મૃત મરઘાઓનો નિકાલ જાહેર રોડ પર કરવામાં આવે છે તેવી રજૂઆત અનેક વખત ધ્રોલ મામલતદાર, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સમક્ષ કરવામાં આવી છે પરંતુ કોઈ પગલાં ભરવામાં આવતા નથી.

તે ઉપરાંત પડધરીથી નાકાથી ધ્રોલ પ્રાથમિક શાળા નં.ર સુધીનો રોડ ડામર કે સીસી રોડ બનાવાયો નથી, આ રોડ પર સિમેન્ટ, લોખંડના સળીયા લાવવામાં આવે છે, મજૂરો પણ આવી જાય છે પરંતુ બે-ચાર દિવસમાં જ આ બધો સામાન ક્યા ગુમ થઈ જાય છે તેની ખબર પડતી નથી, કેટલીય વખત આ રોડ કાગળ પર પાસ થઈ ગયો હશે તેવી પણ આશંકા ત્યાંના રહેવાસીઓએ વ્યક્ત કરી છે. આ રોડ પર ચોમાસાના કારણે કાદવ-કિચ્ચડ થઈ રહ્યો છે, બાળકો શાળાએ નથી જઈ શકતા કે ધંધાર્થીઓ કામ પર નથી જઈ શકતા.

નજીકમાં જ આવેલા શ્યામ સુંદર મહાદેવ મંદિર અને બ્રહ્મનાથ મહાદેવ મંદિર સુધીનો રોડ બાવળથી ઢંકાઈ ગયો છે તેને સાફ કરવામાં આવતો નથી. વાગુદળીયા વોકળામાં વરસાદી પાણીના નિકાલ માટે સફાઈ કરવામાં આવતી નથી, જ્યારે મોટાભાગના રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટ નથી જેના કારણે રાત્રિના સમયે ગુન્હાઓ બને તેવી શક્યતા જોવાઈ રહી છે.

ત્યાંની બદતર હાલતની વધુ વિગતો આપતા જણાવવામાં આવ્યું છે કે, શાળા નં.રમાં ૨૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે, આ માર્ગનો ઉપયોગ ૫૦૦થી વધુ નાગરિકો કરે છે તેમ છતાં રોડ પર દર ચોમાસામાં સાત ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે તેનો કોઈ ઉપાય કરવામાં આવતો નથી.

જ્યારે ચૂંટણી આવે ત્યારે આ વિસ્તારના નગરસેવકો સભાઓમાં લઈ જાય છે પછી તેમના દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી. સાંસદ જ્યારે ધ્રોલ આવે ત્યારે રજૂઆત માટે આ નગરસેવકો નાગરિકોને તેમના સુધી પહોંચવા દેતા નથી. આવી કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહેલા ૭૪૮ સભ્યોએ હિન્દુ સરકારની બેદરકારી અને હિન્દુઓને પડતી મુશ્કેલીથી કંટાળીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું નક્કી કરી તે માટે મંજૂરી માંગી છે.

ઉપરોક્ત રજૂઆતના પગલે ભારે ચકચાર ફેલાતા તંત્ર સફાળુ જાગ્યું છે. આજે સવારે સ્થળ પર મામલતદાર દોડી આવ્યા હતા. તેમની સમક્ષ હિન્દુ સેનાની ટીમે રજૂઆત કરતા મામલતદારે કામ શરૂ કરાવ્યું છે. બાવળ હટાવવાની કામગીરી માટે જેસીબી બોલાવી કાર્યવાહી આરંભી દેવાઈ છે અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઈચ્છતા ૭૪૮ વ્યક્તિઓને હિન્દુ ધર્મમાં જ રહેવા માટે સમજાવવામાં આવ્યા હતા. સામૂહિક ધર્માંતરણને અટકાવવા હિન્દુ સેનાને સફળતા મળી છે પરંતુ આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચા પ્રસરાવી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh