Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌથી વધુ લોધિકામાં સાડાપાંચ ઈંચ પાણી પડ્યું : ઠેર-ઠેર જળબંબાકારઃ વીજપુરવઠો ખોરવાયો : રસ્તા બંધ
અમદાવાદ તા. ૧૦: ગુજરાતના ૧૬ર તાલુકાઓમાં છેલ્લા ર૪ કલાકમાં એકથી સાડાપાંચ ઈંચ વરસાદ થયો છે, અને આજે ૧પ જેટલા સ્થળોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ઠેર-ઠેર જલભરાવ થયો છે, અને વીજપુરવઠો પણ ખોરવાયો હોવાના અહેવાલો છે. કેટલાક માર્ગો પણ અવરોધાયા છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૬ર તાલુકાઓમાં વરસાદ આવ્યો છે, જેમાં ૩૧ તાલુકાઓમાં બે ઈંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. લોધિકામાં સૌથી વધુ સાડાપાંચ ઈંચ વરસાદ પડ્યો છે, તથા વેરાવળમાં પાંચ ઈંચ, વંથલીમાં સાડાચાર ઈંચ વરસાદ તથા માણાવદરમાં સાડાચાર ઈંચ, માળિયામાં ૪ ઈંચ વરસાદ આવ્યો છે.
ભાભરમાં ૪ ઈંચ, તાલાલામાં સાડાત્રણ ઈંચ વરસાદ સાથે કેશોદમાં સાડાત્રણ ઈંચ, મેંદરડામાં સાડાત્રણ ઈંચ તેમજ લાઠી, ધોરાજી, ભાણવડમાં સાડાત્રણ ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ રાણાવાવમાં સવાત્રણ ઈંચ વરસાદ તથા મહેમદાવાદ, ચોટીલામાં ૩-૩ ઈંચ વરસાદ સાથે બગસરામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, ત્યારે રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૬ર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ ઈચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં ૪.૯ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત વંથલી, માણાવદર, કેશોદ, માળિયા હાટીનામાં ૪ ઈંચ, સાબરકાંઠાના ભાભરમાં પણ ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઢી, મેંદરડા અને તલાલામાં ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૮ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ૧ર તાલુકામાં બે ઈંચથી વધુ અને ૩૧ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુરુવારથી શનિવાર સુધીમાં નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં અચાનક આવેલા ભારે વરસાદથી ૧૯ર વીજથાંભલાઓને નુક્સાન થયું હતું અને ર૦ થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ખેતીવાડીના ૪૭ સહિત પપ ફીડરમાં ફોલ્ટ સર્જાયો હતો, જેમાં સૌથી વધુ જામનગરમાં ૭૦, જૂનાગઢ જિલ્લાના પ૮, ભાવનગરના ૩૭, પોરબંદરના ૧૬ સહિત ૧૯ર વીજથાંભલાઓને નુક્સાન થયું છે અને ર૦ ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયા હતાં.
સત્તાવાર સૂત્રો અનુસાર સૌરાષ્ટ્રમાં પ૦ થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો, જેમાં રાજકોટ જિ.ના ધોરાજીમાં બપોર પછી ર થી ૪ વચ્ચે બે કલાકમાં અઢી ઈંચ સાથે આશરે સાડાત્રણ ઈંચ, લાઠીમાં સાંજે ૪ થી ૮ ચાર કલાકમાં સાડાત્રણથી ચાર ઈંચ, બગસરામાં અઢી ઈંચ, તાલાલામાં સાંજ સુધી હળવા ઝાપટા પછી બે કલાકમાં બે સહિત અઢી ઈંચ, જૂનાગઢના વિસાવદર, મેંદરડામાં અઢી ઈંચ, કુંકાવાવડિયા, ગોંડલ, માળિયા હાટીના, સૂત્રાપાડા સહિત વિસ્તારોમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજકોટ શહેરમાં દોઢ ઈંચ વરસાદથી માધાપર ચોક સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સાંજના સમયે લોકોની અવરજવર વધારે રહેતી હોય છે ત્યારે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો.આમરણ વિસ્તારમાં રાત્રિના એક કલાકમાં વીજળીના કડાકાભડાકા સાથે બે ઈંચ પાણી વરસી ગયું હતું. ઉપરાંત રાણાવાવ, માળિયા મિયાણા, ઉના, જેતપુર, જાફરાબાદ, ગીર ગઢડા, કલ્યાણપુરમાં એકથી દોઢ ઈંચ તેમજ ભાણવડ, થાનગઢ, વાંકાનેર, લાલપુર, અમરેલી, ધ્રોળ, બાબરા, કોડીનાર, ઉપલેટા, કેશોદ, ચોટીલા, લીલિયા, જોડિયા, બોટાદ, સાયલા, જામનગર, જૂનાગઢ શહેર સહિત વિસ્તારોમાં અડધાથી એક ઈંચ સહિત વ્યાપક વરસાદ રહ્યો હતો જે મુજબ આગાહી નહોતી.
સૌરાષ્ટ્રમાંથી અહેવાલો મુજબ ચિત્તલ, જસવંતગઢ વિસ્તારમાં વાવણી પછી આજે એકથી દોઢ ઈંચ વરસાદ વરસી જતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી. અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ લાઠીમાં સાડાત્રણ, બગસરામાં અઢી, કુંકાવાવમાં ર ઈંચ અને અન્ય તાલુકામાં ઝાપટાથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અને નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતાં. ખેતરો જળથી તરબતર થયા હતાં. સોરઠના ગડુ પંથકમાં પણ એક સપ્તાહના વિરામ પછી આજે બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. ગોંડલ પંથકમાં અઢી ઈંચ સુધી શ્રીકાર વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.જૂનાગઢમાં રાત્રે આઠ વાગ્યા પછી પણ વરસાદનું જોર વધ્યું હતું અને રાત્રિના ૧૦ સુધીમાં માળિયા હાટીના ૪ ઈંચ, મેંદરડા તાલુકામાં ૪.પ૦ થી પાંચ ઈંચ, કેશોદમાં ૩ ઈંચ, માંગરોળ અને માણાવદરમાં અઢી ઈંચ, જૂનાગઢમાં દોઢ ઈંચ વરસાદથી સોરઠ પંથક વધુ એકવાર જળબંબાકાર થયો હતો. આ પહેલા પણ ત્યાં ભારે વરસાદ વરસ્યો છે. મોરબી જિલ્લામાં ગત્ મોડી રાત્રે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો અને મચ્છુ-૩ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.
ખંભાળિયા જિલ્લામાં સપ્તાહના વિરામ પછી મેઘરાજા વરસ્યા હતાં અને કેટલાક ગામોમાં ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યાના અહેવાલો છે. વરસાદની સાથે તીવ્ર પવન ફૂંકાયો હતો, તો રાજકોટના ધોરાજી તાલુકામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial