Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નદીઓમાં પૂરઃ રાવલ-સૂર્યાવદર અને ટંકારિયા-પ્રેમસરનો માર્ગ બંધઃ વૃક્ષો-વીજવાયરો ધરાશાયીઃ ઠેર-ઠેર જલભરાવઃ
જામનગર તા. ૧૦: હાલારમાં ફરી એક વખત થોડા દિવસના વિરામ પછી મોંઘેરા મેઘરાજાનું આગમન થયું હતું, કાલે સમગ્ર હાલારમાં સાર્વત્રિક વરસાદ થયો હતો.
આકાશી વીજળીએ કહેર વર્તાવતા ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા હતાં, તો એક યુવાન વીજળીથી દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
થોડા દિવસના વિરામ પછી ગઈકાલે મેઘરાજાનું પુનઃ આગમન થયું હતું. વીજળીના કડાકા-ભડાકા અને વાદળોની ગડગડાટી વચ્ચે વરસાદ વરસ્યો હતો, જો કે વરસાદ સામાન્ય હતો, પરંતુ આકાશી વીજળીએ કહેર વર્તાવ્યો હતો. જામજોધપુરમાં બુટાવદરમાં વીજળી ત્રાટકતા કિરીટસિંહ મનુભા ઝાલાનું મૃત્યુ થયું હતું.
જામજોધપુરના નરમાણા ગામમાં આકાશી વીજળી પડવાથી દુલજીયા ઉર્ફે મગન દલુભાઈ ભટિયા (ઉ.વ. ૩૦) નું મૃત્યુ થયું હતું, તો જામનગર તાલુકાના દોઢિયા ગામમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે એક યુવક દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લાના તમામ છ તાલુકામાં અડધાથી પોણાબે ઈંચ જેટલો વરસાદ થયો છે. જેમાં જામનગરમાં ર૧ મી.મી., જોડિયામાં ર૩ મી.મી., ધ્રોળમાં ૧૮ મી.મી., કાલાવડમાં ૧૪ મી.મી., લાલપુરમાં ૩૯ મી.મી. અને જામજોધપુરમાં ૪૪ મી.મી. વરસાદ થયો છે.
જ્યારે અમુક ગામડામાં ખૂબ સારો વરસાદ નોંધાયો હતો જેમાં વસઈમાં ૩૭ મી.મી., લાખાબાવળમાં રપ મી.મી., મોટી બાણુંગારમાં પ૦ મી.મી., ફલ્લામાં ૩૦ મી.મી., મોટી ભલસાણમાં ૧૮ મી.મી., દરેડમાં ર૮ મી.મી., દડિયામાં ૪ મી.મી., બાલંભામાં પપ મી.મી., પીઠડમાં ૩પ મી.મી., લૈયારામાં ૧૩ મી.મી., નિકાવામાં ૬૭ મી.મી., મોટા વડળામાં ર૦ મી.મી., ભલસાણ બેરાજામાં પપ મી.મી. નવગામમાં ૩૦ મી.મી., મોટા પાંચ દેવડામાં ૪ર મી.મી., સમાણામાં ૮૭ મી.મી., શેઠવડાળામાં ૬૬ મી.મી., જામવાડીમાં ૩ર મી.મી., વાંસજાળિયામાં ૪૬ મી.મી., ધુનડામાં ૩ર મી.મી., ધ્રાફામાં ૬૦ મી.મી., પરડવામાં ૩પ મી.મી., પીપરટોડામાં ૩૬ મી.મી., પડાણામાં ર૦ મી.મી., ભણગોરમાં ૧૬ મી.મી., મોટા ખડબામાં ૩૭ મી.મી., મોડપરમાં ૩ર મી.મી. અને હરિપરમાં ૪૦ મી.મી. વરસાદ નોંધાયો છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક ઈંચ, દ્વારકામાં પાંચ મી.મી., કલ્યાણપુરમાં ૧ ઈંચ અને ભાણવડમાં અઢી ઈંચ વરસાદ થયો છે.
કલ્યાણપુર તાલુકાના ચુર, યપર, પાનેલી, જામરાવલ, ભાટિયા, રાજપરા, દુધિયા, નગડિયા, ટંકારિયા વગેરે ગામોમાં ૩ થી સાડાચાર ઈંચ જેટલો વરસાદ થયો હતો. આથી નદીઓમાં પૂર આવ્યા છે.
નાના તળાવ ચેકડેમો છલકાયા છે. સાની ડેમની દીવાલની ઉપરથી પાણી વહી રહ્યા છે. આ ડેમના નિર્માણનું કામ ચાલું છે. તેના કારણે રાવલથી સૂર્યાવદરનો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે.
કલ્યાણપુરમાં એક ઈંચ થયો હતો, પરંતુ તાલુકાના જામરાવલ, ભાટિયા, ટંકારિયામાં ૩ થી સાડત્રણ ઈંચ વરસાદ થયો છે. ટંકારિયાથી પ્રેમસર તરફનો માર્ગ પણ પાણી ભરાવાના કારણે બંધ થયો છે.
ખંભાળિયામાં સાંજે દસેક મિનિટ સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થયો છે, સાથે પવન પણ ફૂંકાયો હોવાથી અનેક વૃક્ષો પડી ગયા હતાં. વીજવાયરો પણ તૂટ્યા હતાં. આથી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. હવે તા. ૧૭ થી રર જુલાઈમાં ૭ થી ૧૦ ઈંચ જેટલો સારો વરસાદ થશે તેવી આગાહી કનુભાઈ કણઝારિયાએ કરી છે.
સતત સારા વરસાદથી ડેમોમાં પાણી આવ્યા છે. વર્તુ ૧/ર, ઘી ડેમ, સિંહણ સહિતના ડેમમાં નવા નીરની આવક થઈ છે.
ભાટિયાના અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં, અને એકથી અઢી-ત્રણ ઈંચ વરસાદ થયો છે. પરિણામે ખેતરોમાં પાણી ભરાયા હતાં. ભાટિયા-ભોગાત માર્ગ વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ રહ્યો હતો.
રાવલમાં બસ સ્ટેન્ડ વિસ્તાર, સરકારી હોસ્પિટલ વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ભાટિયાના કેસરિયા તળાવમાં નવા પાણીની ભરપૂર આવક થવા પામી છે.
વરસાદના કારણે અનેક ગામડામાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બારાડી પંથકમાં ટંકારિયામાં ચાર ઈંચ વરસાદ થયો છે. તો ભાટિયા-રાવલ, બાંકોડી, ભોગાત, લાંબા, રાણ, નંદાણા, મેવાસા, વિરપરમાં બેથી ત્રણ ઈંચ વરસાદ થયો છે, અને ખેતરોમાં પાણી ભરાયા છે, જો કે આજે મેઘરાજાએ વિરામ લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial