Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્ર ગુજરાતને પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ફાળવશે રૂપિયા એક હજાર કરોડઃ રાઘવજી પટેલ

પ્રાકૃતિક ખેતી એ ગુજરાત સરકારનું મિશનઃ સી.એમ. ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર તા. ૧૦: રાજ્યભરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચર્ચા-પરામર્શ સાથે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતાં. રાજ્યના કૃષિમંત્રી અને રાઘવજી પટેલે ગુજરાતને આ હેતુ માટે મળનારા ફંડની વિગતો આપી હતી.

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ચાલી રહેલા મહાઅભિયાનને વધુ વેગવાન અને અસરકારક બનાવવા રાજભવનમાં યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે ૯,૨૭,૫૫૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં વધુ ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા છે. પાંચ-પાંચ ગામના ૨,૯૧૬ ક્લસ્ટર્સ બનાવીને દરેક ક્લસ્ટર્સમાં એક નિષ્ણાત ખેડૂત અને  કૃષિ વિભાગના એક નિષ્ણાત અધિકારી ખેડૂતોને તેમના ખેતરમાં જઈને તાલીમ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ૪૩.૯૮ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ગુજરાતની દાંતીવાડા, આણંદ, નવસારી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીઓના ત્રણ વર્ષના સંશોધનોથી વૈજ્ઞાનિક સાબિતી મળી છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ઉત્પાદન પહેલા જ વર્ષે વધે છે અને ઉત્પાદનની ગુણવત્તામાં બમણો સુધારો થાય છે. ભૂમિની ફળદ્રુપતા પાછી લાવવી હશે, લોકોનું સ્વાસ્થ્ય સુધારવું હશે અને પર્યાવરણ બચાવવું હશે તો પ્રાકૃતિક કૃષિ વિના નહીં ચાલે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ ગુજરાત સરકારનું મિશન છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ મિશન છે. તેમણે કહ્યું કે, ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ આપણું લક્ષ્ય છે, આ માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી છે. ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય તે માટે ગામેગામ પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ તૈયાર કરવાની સૂચના આપતાં તેમણેે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડ પર કામ કરવાની આવશ્યકતા છે. વૈજ્ઞાનિક સંશોધનોના પરિણામો અત્યંત પ્રોત્સાહક છે ત્યારે પ્રત્યેક ખેડૂત વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ સમયની માંગ છે. ગત વર્ષે ગુજરાતમાં ૩,૧૦૭ મોડલ પ્રાકૃતિક ફાર્મ તૈયાર કરાયા છે. વર્ષ ૨૦૨૪-૨૫માં વધુ ૩,૨૪૫ મોડેલ ફાર્મ તૈયાર કરવાનું આયોજન છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા કૃષિ વિભાગ પરિણામલક્ષી પ્રયત્નો કરી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે, પરિણામે ગત વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો થયો છે. પરિણામે કેન્દ્ર સરકારની યોજના મુજબ ગુજરાતને રૂ. ૧,૦૦૦ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ પણ મળશે. તેમણે આ રકમ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે વાપરવાની જાહેરાત કરી હતી. તેમણે હજુ વધુ ગંભીરતાથી પરિણામલક્ષી કામ કરવા અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને અનુરોધ કર્યો હતો .

રાજભવનમાં યોજાયેલી રાજ્યની ઉચ્ચકક્ષાની આ સમીક્ષા બેઠકમાં કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ રાજેશ માંજુ, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનીષકુમાર બંસલ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડી. એચ. શાહ સંયુક્ત સચિવ પી. ડી. પલસાણા અને આર. એમ. ડામોર, વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટીંબડીયા, રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક પ્રફુલભાઈ સેંજલીયા અને આગેવાન ખેડૂતોએ ઉપસ્થિત રહીને પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે મહત્ત્વના સૂચનો કર્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh