Advertisement
Author: નોબત સમાચાર

સફાઈકર્ર્મીને નોકરીમાં સરળતા કરી આપવાનું 'મહેનતાણું' સ્વીકારતા બેને પકડતી એસીબી

જામ્યુકોના એસએસઆઈ તથા અવેજી કર્મચારી સામે ગુન્હો નોંધી કરાઈ ધરપકડઃ

જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૯માં સફાઈકર્મી તરીકે કામ કરતા એક મહિલા કર્મચારીને નોકરીમાં સરળતા કરી આપવા તે વોર્ડના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તથા કર્મચારીઓની હાજરી પુરવાનું કામ કરતા અવેજી સફાઈ કર્મચારી સામે રૂ.૨૨૫૦૦ની લાંચ લેવાનો ગુન્હો નોંધાયો છે. એસએસઆઈ વતી લાંચ સ્વીકારી રહેલા અવેજી કર્મચારીને રકમ લેતી વખતે શંકા પડતા તેણે લાંચની રકમ એસએસઆઈને જ આપી દેવાનું કહી હાથ ખંખેરી નાખવાનો પ્રયાસ કર્યાે હતો. બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ છે.

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૯માં સફાઈ કામદાર તરીકે કામ કરતા એક મહિલા કર્મચારીને નોકરીમાં સરળતા કરી આપવા તેમજ હેરાનગતિ ન થાય તે માટે અવેજ પેટે વોર્ડ નં.૯ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર પ્રકાશચંદ્ર મોતીલાલ મકવાણાનો તે મહિલા કર્મચારીના પૌત્રએ સંપર્ક કર્યાે હતો.

આ યુવકે પોતાના દાદીને હેરાનગતિ ન થાય તે માટે એસએસઆઈ પ્રકાશ મકવાણાને કહેતા આ અધિકારીએ રૂ.૨૨૫૦૦ની લાંચની માગણી કરી હતી અને તા.૧૦ની સાંજ સુધીમાં તે રકમ પહોંચાડી દેવા તાકીદ પણ કરી હતી.

લાંચ ન આપવા ઈચ્છતા મહિલા કર્મચારીના પૌત્રએ જામનગર એસીબી કચેરીનો સંપર્ક કરી રજૂઆત કરતા તેની ફરિયાદ નોંધી જામનગરના એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. વિરાણીએ સ્ટાફને છટકુ ગોઠવવા સૂચના આપી હતી.

છટકાના ભાગરૂપે ગઈકાલે સાંજે જામનગરના ગૌરવપથ પર આવેલા ક્રિકેટ બંગલા પાસે હોમગાર્ડઝ કચેરી સામે વોર્ડ નં.૯ની ઓફિસ નજીક એસીબી સ્ટાફ વોચમાં ગોઠવાઈ ગયો હતો. તે પછી એસએસઆઈ પ્રકાશ મકવાણા વતી લાંચની રકમ સ્વીકારવા માટે આવેલો જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૯માં અવેજી સફાઈ કામદાર તરીકે વર્ગ-૪માં ફરજ બજાવતો રવજી મગનભાઈ પરમાર આવ્યો હતો. તેણે ફરિયાદી સાથે વાતચીત કર્યા પછી એસએસઆઈ પ્રકાશને વાત કરી હતી અને પ્રકાશ વતી ફરિયાદી પાસેથી રૂ.૨૨૫૦૦ ની ચલણી નોટ સ્વીકારી હતી. આ વેળાએ રવજીને શંકા પડતા તેણે ઉપરોક્ત રકમ ફરિયાદીને પાછી આપી હતી અને ઓફિસે જઈ પ્રકાશને જ પૈસા આપી દેવાનું કહી દીધુ હતું.

તે પછી ફરિયાદીએ પ્રકાશ મકવાણા સાથે વાત કરી વોર્ડ નં.૧૯માં આવેલી ઓફિસે જઈ પ્રકાશ મકવાણાને રૂ.૨૨૫૦૦ સુપ્રત કર્યા હતા. તે રકમ મળી ગયાનું પ્રકાશે ફોન કરીને તરત જ રવજીને કહ્યું હતું. ત્યારે જ એસીબી સ્ટાફે પ્રગટ થઈ પ્રકાશ તથા તેના વતી લાંચ લેવા ગયેલા અવેજી સફાઈકર્મી રવજી પરમારની ધરપકડ કરી લીધી હતી.

બંને શખ્સને એસીબી કચેરીએ ખસેડ્યા પછી રાજકોટ સ્થિત એસીબી કચેરીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલને વિગતો આપી હતી. બંને સામે રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂરઉપયોગ કરી લાંચ લેવા અંગે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ શખ્સોની ધરપકડ કરી એસીબીએ એસએસઆઈ પ્રકાશ મોતીલાલ મકવાણા તથા અવેજી સફાઈ કામદાર અને સફાઈ કામદારોની હાજરી પુરવાનું કામ કરતા રવજી મગનલાલ પરમારની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh