Advertisement
Author: નોબત સમાચાર

વાલિયામાં ૧ર, સોનગઢ-૧૦, વ્યારા-૯ ઈંચ સહિત રાજ્યના ૧૮૩ તાલુકામાં મેઘાની બઘડાટી

રાજ્ય પર એકીસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિયઃ ફરીથી જળબંબાકારઃ અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક સ્થળે ભારે વરસાદ

અમદાવાદ તા. ૩: ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૮૩ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, અને મોટાભાગના સ્થળે ધોધમાર વરસાદ પડતા ફરીથી જનજીવન પ્રભાવિત થયું છે. ભરૂચના વાલિયામાં ૧ર ઈંચ સહિત ઘણા જિલ્લાઓમાં પાંચ ઈંચથી ૧ર ઈંચ વચ્ચે અનરાધાર વરસાદ પડ્યો છે. કેટલાક સ્થળે મેઘાએ તબાહી મચાવી છે, જેથી ભયનો માહોલ ફરીથી ફેલાયો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની જુદા જુદા એલર્ટ અપાયા છે.

ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ લઈ રહ્યા નથી. રાજ્યના ઘણાં જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરી રાજ્યમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આઈએમડીનું કહેવું છે કે ડ્રિપેશન, શિયર ટ્રફ, મોનસુન ટ્રફ શિયર ઝોન, ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તુફાની જમાવટ કરી છે. અનેક જિલ્લાઓમાં જળબંબાકાર થઈ ગયા છે, ત્યારે ભરૂચમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર તોફાની વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદના જે પાછલા ર૪ કલાકના (૩ સપ્ટેમ્બર સવારના પ વાગ્યા સુધી) ના આંકડા રજૂ કરવામાં આવ્યા છે, તેમાં ભરૂચ, તાપી, સુરત, ડાંગ અને નર્મદામાં ૭ થી ૧ર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ (ર૯૭ મી.મી.) ૧૧.૭ ઈંચ વરસાદ ભરૂચના વાલિયા તાલુકામાં પડ્યો છે. ફરી એકવાર ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં નિચાણવાળા વિસ્તારોમાં કફોડી સ્થિતિ સર્જાઈ શકે છે. ભરૂચ શહેરના ફાટા તળાવ, ફુરજા, સેવાશ્રમ રોડ વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો ફુરજા વિસ્તારમાં વરસાદી પાણીમાં બાઈકચાલક તણાયો હોવાની પણ ઘટના સામે આવી છે. વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહનો તણાવા લાગ્યા છે, ત્યારે ભરૂચવાસીઓને એક વર્ષ પહેલા સર્જાયેલી તબાહીનો ફરી એકવાર ડર સતાવી રહ્યો છે.

છેલ્લા ર૪ કલાકમાં રાજ્યમાં થયેલા વરસાદમાં ત્રણ તાલુકામાં ર૦૦ મી.મી.થી વધુ વરસાદ થયો છે. જેમાં ભરૂચના વાલિયા ઉપરાંત તાપીના સોનગઢમાં ૧૦ ઈંચ (રપ૪ મી.મી.) વરસાદ થયો છે, જ્યારે તાપીના વ્યારામાં ૯ ઈંચ (રર૮ મી.મી.) જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૮૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે વાલિયાના નિચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતાં, જ્યારે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થતા વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતાં. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતાં.

ભરૂચ જિલ્લાની ઘણી દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના કારણે વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. સમગ્ર જનજીવન અસ્તવ્યવસ્ત થતા ભરૂચના મુખ્ય હાથ સમા વિસ્તારમાં શક્તિનાથ નજીકનું રેલવે તથા કલેક્ટર નજીકથી સિવિલ હોસ્પિટલ તરફ જવાના માર્ગ ઉપરનું રેલવેનું નાડું વરસાદી પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે બંધ કરવાની નોબત આવતા સતત વાહનોની લાંબી કતારો માર્ગો ઉપર જામી ગઈ હતી.

ત્રીજી સપ્ટેમ્બરના છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ચોથી સપ્ટેમ્બરઃ ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. પાંચમી સપ્ટેમ્બર બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, કચ્છમાં ઓરેન્જે એલર્ટ અપાયું છે. આજે પણ ઘણાં સ્થળે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ પૂર્વમાં જળબંબાકારની સ્થિતિ છે. જેમાં નરોડામાં સૌથી વધુ સાડાત્રણ અને મણિનગરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ પર નવી સિસ્ટમ પુનઃ સક્રિય થઈ છે. જેમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાતા રહીશો, વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. કોતરપુર, મેમ્કો, વટવા, નિકોલ, ઓઢવમાં પોણાબે ઈંચ, બીજી તરફ પશ્ચિમમાં અડધો ઈંચ જ વરસાદ છે. સોમવારે સવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને દિવસ દરમિયાન શહેરમાં સરેરાશ સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદ પર નવી સિસ્ટમ પુનઃ સક્રિય થવા સાથે શહેરના પૂર્વ પટ્ટામાં બારે મેઘ ખાંગા થયા હતાં અને નરોડામાં સૌથી વધુ સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

નરોડા, સૈજપુરબોધા, ગીતામંદિર, પાલડી, વાસણા, મેમકો, આશ્રમ રોડ તેમજ એરપોર્ટ રોડ, ઈન્દિરા બ્રીજ અને ઈન્કમ ટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા પછી પશ્ચિમ વીસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના સુભાષ બ્રીજ, શાહીબાગ, આરટીઓ, રાણીપ, નવાવાડજ, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કુબેરનગર વિસ્તારમાં પડેલા ર૦ મિનિટના ધોધમાર વરસાદમાં સિંધી બજારમાં વરસાદી પાણી ભરાયા હતાં. બજારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતાં જેના કારણે દુકાન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાંધીનગરમાં પણ રાત્રે ભારે વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જેમાં ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તથા આણંદ, વડોદરા, નર્મદા, તાપી તેમજ ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ છે તેમજ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં કેટલાક સ્થળે ભારે વરસાદે ફરીથી તબાહી મચાવી હોવાના અહેવાલો છે.

છેલ્લા ર૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ? જાણો...

સૌથી વધુ ભરૂચના વાલિયામાં ૧ર ઈંચ વરસાદ થયો છે. તાપીના સોનગઢમાં ૧૦ ઈંચથી વધુ, તાપીના વ્યારામાં ૯ ઈંચથી વધુ, સુરતના માંગરોળમાં ૮ ઈંચ, ડાંગના વધઈમાં ૮ ઈંચ, ભરૂચમાં ૭.પ ઈંચ, નર્મદાના તિલકવાડામાં ૭ ઈંચ, તાપીના ઉચ્છલમાં ૭ ઈંચ, તાપીના ડોલવણમાં ૬.૮ ઈંચ, ખેડાના નડિયાદમાં ૬.૮ ઈંચ, વાંસદામાં ૬.૬ ઈંચ, ડાંગના સુબિરમાં ૬.૬ ઈંચ, ૧પ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ર૦ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૩૯ તાલુકામાં ર ઈંચથી વધુ અને ૪૪ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh