Advertisement
Author: નોબત સમાચાર

ખાતરના વિક્રેતાઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનો આક્રોશ

ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વ્યક્ત કર્યો

જામનગર તા. ૩: હાલ ચોમાસુ પાકની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોમાં સૈથી ઉપયોગી એવા ખાતરની માંગ જોવા મળી રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક ખેડૂતોને ખાતર સાથે-સાથે વિક્રેતાઓ દવા અને બિયારણ ધરાર પધરાવી દેતા હોવાથી જગતના તાતને વધારાનું આર્થિક ભારણ ભોગવવાનો વારો આવે છે. વિક્રેતાઓ ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનું પ્રકરણ ધ્યાને આવતા જામજોધપુર લાલપુર વિધાનસભા બેઠકના યુવા ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંતભાઈ ખવાએ વિધાનસભા ગૃહમાં સંબંધિત વિભાગના મંત્રીને સવાલો કર્યા હતાં.

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર ચાલી રહ્યું હતુંં. આ સત્રમાં વધુ એક વખત જામજોધપુર, લાલપુર પંથકનો બુલંદ અવાજ બનીને ધારાસભ્ય હેમંતભાઈ ખવા લોક સમસ્યાને સરકાર સુધી પહોંચાડી તેના ઉકેલ મટો જહેમત ઉઠાવી રહ્યાં છે. ત્યારે હાલની સળગતી સમસ્યા સમાન ખેડૂતોને ખાતરના વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરની સાથે-સાથે અન્ય વધારાની વસ્તુઓ પણ પકડાવી દેવામાં આવતી હોવાથી કિસાન આલમમાં કચવાટ જોવા મળી રહ્યો છે. અગાઉ દાહોદ, બાયડ બાદમાં અબડાસા તાલુકા બાદ હવે સમગ્ર કચ્છ અને ગુજરાતના અમુક પંથકમાં ખાતર વિક્રેતાઓ ખેડૂતોને વધારાના બોજા સમાન જંતુનાશક દવાઓ બિયારણ ઉપરાંત અન્ય ખાનગી ખાતરનો જથ્થો સહિતની વસ્તુઓ ધરાર પકડાવી તેના મનફાવે તેવા રૂપિયા વસુલી રહ્યાં છે. તેવી રાવ ઉઠી રહી છે.

જો ખેડૂતો આ પ્રકારની વધારાની વસ્તુ લેવાની ના પાડે તો વિક્રેતાઓ ખાતર પણ દેતા નથી. એટલું જ નહિ, અમુક વેપારીઓ કાળાબજાર કરી બમણા ભાવ કરતા હોવાના પણ ધરતીપુત્રો આરોપ લગાવી રહ્યાં છે. એકબાજુ હાલ ચોમાસુ પાકની સિઝન હોવાથી ખેડૂતો ભૂખ્યા તરસ્યા લાઈનો લગાવી ખાતર ખરીદી રહ્યાં છે. પરંતુ ખાતર સાથે અન્ય વસ્તુઓનો વેપારીઓ ધિંકતો ધંધો કરી રહ્યાં છે. અન્ય વસ્તુઓ ખરીદવાની ખેડૂતો મનાઈ કરે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ફરજીયાત વસ્તુ આપવાનો નિયમ છે. તેવા ગાણા ગાઈને વેપારીઓ ભોળા ખેડૂતોને ખૂલ્લેઆમ છેતરી રહ્યાં છે, ત્યારે ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વિધાનસભામાં આ સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, ખાતરની સાથે જુદી-જુદી કંપનીના બિયારણ કે જંતુનાશક દવાઓ અથવા અન્ય ખાતર આપવાનો નિયમ છે કે નહીં...? આ સવાલની વિધાનસભામાં ચર્ચા દરમિયાન આ વિભાગનો હવાલો સંભાળતા મંત્રીએ જણાવ્યું હતું કે, ફરજીયાત આવી કોઈ વસ્તુ આપવાનો નિયમ નથી.

આવો કોઈ નિયમ ન હોવા છતાં પણ તંત્રની ઢીલી નીતિના પાપે અભણ ખેડૂતો સાથે દિનદહાડે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. તો આવા ધનલાલચું તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય હેમંતભાઈએ માંગણી કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh