Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીસીટીવી ફૂટેજમાં બનાવનો થયો પર્દાફાશઃ
ખંભાળિયા તા. ૩: ખંભાળિયાના પોરબંદર રોડ પર એક પેટ્રોલપંપ પાસે રવિવારે રાત્રે આગ ભભૂકી હતી. જેમાં બે બાઈક, એક મોટર સળગી ગયા હતા. પોલીસે ત્યાં સીસીટીવી ફૂટેજ ચકાસતા એક શખ્સ પેટ્રોલ ટેન્કની સફાઈમાં નીકળેલા કચરામાં દીવાસળી ચાંપતો જોવા મળતા પોલીસે તેના સહિત ચાર સામે ગુન્હો નોંધ્યો છે.
ખંભાળિયા નજીક પોરબંદર રોડ પર આવેલા એક પેટ્રોલ પંપમાં ગયા સપ્તાહે પડેલા વરસાદના કારણે જમીનમાં આવેલા ઈંધણના સ્ટોરેજ માટેના ટાંકાની સફાઈ કરવી જરૂરી બનતા પેટ્રોલપંપ સંચાલકે તે કામગીરી માટે પેટ્રોલપંપ સાથે સંકળાયેલી કંપનીને જાણ કરી હતી.
ત્યારપછી રવિવારે સાંજે કંપની દ્વારા કોન્ટ્રાકટ પર રાખવામાં આવેલી ટૂકડી તે ટાંકાની સફાઈ માટે આવી હતી અને સફાઈ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ટેન્ક ખાલી કરવામાં આવ્યા પછી તેમાંથી નીકળેલો કેટલોક કચરો નિકાલ માટે બહાર કાઢીને મૂકવામાં આવ્યો હતો. તેમાં કોઈ શખ્સે દીવાસળી સળગાવીને ફેંકતા આગ ભભૂકી હતી. જેમાં બે બાઈક તથા એક સ્વીફ્ટ મોટર સળગીને ખાખ થઈ ગઈ હતી.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. તેણે આગને કાબૂમાં લીધી હતી. તે દરમિયાન દોડી આવેલી પોલીસે હાથ ધરેલી તપાસ પછી પેટ્રોલપંપ તથા આજુબાજુમાં રહેલા કેટલાક સીસીટીવી કેમેરામાં એક શખ્સ ટેન્ક સાફ કરીને બહાર રખાયેલા કચરામાં દીવાસળી ચાંપતો હોવાનું દેખાઈ આવ્યું હતું. તે ફૂટેજ પરથી પોલીસે આગળ તપાસ કરતા પેટ્રોલપંપ નજીક વાળંદની દુકાનમાંથી જીગર પ્રકાશભાઈ રાઠોડ નામનો શખ્સ તે કચરામાં સળગતી દીવાસળી ફેંકતો જોવા મળ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે ખંભાળિયા પોલીસે કંપની તરફથી સફાઈ કામગીરી માટે આવેલા અનુપ રાય, પપ્પુ રાય, દીવાસળી ચાંપનાર જીગર પ્રકાશભાઈ રાઠોડ તથા પેટ્રોલ પંપ સંચાલક સામે બીએનએસની કલમ ૧૨૫, ૨૮૭, ૧૧૦, ૩૨૪ (૪), ૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ પંપની ટાંકીની સફાઈ થઈ રહી હતી ત્યારે તેમાંથી નીકળેલો કચરો સફાઈ કરી રહેલા વ્યક્તિઓએ બહાર મૂક્યો હતો. તેમાં રહેલા પેટ્રોલના અંશ પર જીગર રાઠોડે દીવાસળી ફેંકતા ફેલાયેલી આગ છેક ક્યાંય સુધી પહોંચી હતી. ત્રણ વાહન આગની લપેટમાં આવી જતાં અંદાજે રૂ.૪ લાખ ૪૫ હજારનું નુકસાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial