Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છએય આરોપી પોલીસની ગિરફતમાં: દોઢ મહિનાની પુત્રીએ પિતાની છત્રછાયા ગૂમાવતા ચકચારઃ
ભાણવડ તા. ૫: ભાણવડના શેઢાખાઈ ગામમાં એક બાવાજી યુવાને દોઢ વર્ષ પહેલાં એક મુસ્લિમ યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. આ દંપતી અજ્ઞાત વાસમાં રહ્યા પછી સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થતાં પોતાના ઘરે પરત ફર્યું હતું. આ લગ્ન યુવતીના પરિવારને નામંજૂર હતા. આટલા વખતથી ખાર ખાઈને બેસેલા યુવતીના ભાઈ તથા અન્ય પાંચ શખ્સે શનિવારે બપોરે શેઢાખાઈમાં બનેવીને ઘેરી લઈ પ્રાણઘાતક હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ચકચારી બનાવમાં પોલીસે છએય આરોપીની અટકાયત કરી લીધી છે. દોઢ મહિનાની પુત્રીએ પિતાની છત્રછાયા ગૂમાવી દીધી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડથી આશરે ૧૫ કિ.મી. દૂર આવેલા શેઢાખાઈ ગામમાં રહેતા યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજીયા (ઉ.વ.૨૪) નામના બાવાજી યુવાનને આ જ ગામમાં રહેતા ઈશા અબુભાઈ દેથાની પુત્રી રમઝા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તે ૫છી બંનેના પરિવારને જાણ થતાં રમઝાના પરિવારને તે સંબંધ સ્વીકાર્ય ન બન્યો હતો અને આ યુવતીની સગાઈ તેણીની મરજી મુજબ અન્યત્ર કરી નાખવામાં આવી હતી.
તે પછી આ પ્રેમીયુગલ પોત પોતાના ઘરેથી ગયા વર્ષે ભાગી છૂટ્યું હતું. અજાણ્યા સ્થળે તેઓએ વસવાટ શરૂ કર્યાે હતો. તે દરમિયાન ઈશા અબુભાઈએ તા.૭-૧-૨૩ના દિને પોલીસમાં પોતાની પુત્રી ગુમ થયાની જાણ કરી હતી. રમઝાનું લગ્ન પછી પતિ યાજ્ઞિકે નવું નામ હેતલ રાખ્યું હતું. તે દંપતીને દોઢેક વર્ષના લગ્નગાળા દરમિયાન ગઈ તા.૨૪ જુનના દિને પુત્રીની સંતાનમાં પ્રાપ્તિ થઈ હતી.
આ દંપતી હવે સંતાન થઈ ગયું છે તેથી યુવતીનો પરિવાર શાંતિથી રહેવા દેશે તેમ માનીને પોતાના ઘેર પરત ફર્યાે હતો પરંતુ આ બાબત રમઝા ઉર્ફે હેતલના પરિવારને પસંદ પડી ન હતી. યાજ્ઞિક પર ગુસ્સો કાઢવાના ખાર સાથે યુવતીનો ભાઈ સાજીદ ઈશા દેથા વગેરે મોકાની રાહ જોતા હતા.
તે દરમિયાન શનિવારે બપોરે ત્રણેક વાગ્યે શેઢાખાઈના બસ સ્ટેન્ડમાં યાજ્ઞિક પોતાના મિત્ર હરદીપ સિંહ વજુભા જાડેજા સાથે ઉભા હતા. ત્યારે ત્યાં પાઈપ, કુહાડા વગેરે હથિયારો સાથે રમઝાનો ભાઈ સાજીદ ઈશા, સલીમ હુસેન, જુમા મુસા, આદમ મુસા, ઓસમાણ મુસા ઉર્ફે ભક્કો તથા હોથી કાસમ ઉર્ફે ડાડો દેથા નામના છ શખ્સ ધસી આવ્યા હતા.
આ ટોળાએ યાજ્ઞિકને ઘેરી લઈને પ્રાણઘાતક હુમલો કર્યાે હતો. સાથે રહેલા હરદીપસિંહે પોતાના મિત્રને બચાવવાનો પ્રયાસ કર્યાે હતો. તે દરમિયાન યાજ્ઞિકને કુહાડો તથા પાઈપ વડે ફટકા મારવામાં આવ્યા હતા અને લોહીલુહાણ બની ઢળી પડેલા યાજ્ઞિકનું મૃત્યુ નિપજ્યું હતું. તે પછી હુમલાખોરો નાસી ગયા હતા. બનાવની જાણ થતાં હેતલ ઉર્ફે રમઝા તથા યાજ્ઞિકના માતા નિર્મળાબેન સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા. ૧૦૮ને જાણ કરાતા એમ્બ્યુલન્સ ધસી આવી હતી. યાજ્ઞિકને સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવતા હતા ત્યારે સિક્કા પાટીયા નજીક આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. તેનો મૃતદેહ જ નગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચવા પામ્યો હતો.
ઉપરોક્ત બનાવની નિર્મળા બેન દુધરેજીયાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા સ્ટાફ દોડી આવ્યા હતા. પોલીસે શેઢાખાઈમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે. તે પછી આરોપીઓના સગડ દબાવાતા ૬ આરોપી પોલીસની ગિરફતમાં આવી ગયા છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial