Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરના મુખ્ય માર્ગો પર ચારે તરફ ટ્રાફિક જામની સમસ્યાઃ પ્રજા રામ ભરોસે...!

ટ્રાફિક વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ જામનગર શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અન્ય મહાનગરો કરતા સાવ અલગ જ છે... આપણા આ મહાનગરમાં વસતિ અને વાહનોની સંખ્યા કૂદકે-ભૂસકે વધી રહી છે પણ તેની સામે નગરની આસપાસમાં રહેણાંક વિસ્તારો વિકસ્યા નથી. પરિણામે શહેરમાં ટ્રાફિક અને લોકોની અવરજવરનું ભારણ અતિશય વધી ગયું છે અને વધી રહ્યું છે.

શહેરની આસપાસના વિસ્તારોનો વિકાસ કેમ થતો નથી તે પ્રશ્ન સાઈડમાં રાખીએ... કારણ કે, તે બાબતમાં જામનગરમાં દીર્ઘદૃષ્ટિવાળા નેતાઓ જ નથી... ચૂંટાયેલા નેતાઓ અને મનપાના પદાધિકારીઓ શહેરના સર્વાંગી અને વ્યાપક વિકાસ વિસ્તાર માટે સાવ "અભણ" હોય તે રીતે નિષ્ક્રિય રહ્યાં છે...!

પણ...અત્યારે વાત ટ્રાફિક વ્યવસ્થાની કરવાની છે. જામનગરના દરેક વિસ્તારમાં ગીચતાને ધ્યાને લઈને સરકાર, પોલીસ વિભાગે ક્યારે ય પુરતા સ્ટાફ સાથે બંદોબસ્ત મૂકવાની દરકાર કરી નથી. વરસોથી પોલીસ વિભાગ દ્વારા એક જ ગાણું ગવાઈ રહ્યું છે કે, અમારી પાસે પુરતો સ્ટાફ નથી...!

સરકારની નવી સ્ટાઈલ મુજબ ટ્રાફિક વ્યવસ્થા જેવી ગંભીર બાબતો અંગે રોજમદાર/ફીક્સ પગારવાળા યુવા સહાયકોની મોટાપાયે ભરતી તો કરી જ છે, પણ લગભગ તમામ નગરજનો દરરોજ નજરે જુએ છે, અનુભવે છે કે આ સહાયકો કેવી કામગીરી કરે છે...! શહેરના અતિ વ્યસ્ત મુખ્ય માર્ગો, ટ્રાફિક ચોકડી, જી.જી. હોસ્પિટલ, રણજીત રોડ, સેન્ટ્રલ બેંક રોડ, હવાઈચોક, એસ.ટી. રોડ જેવા લગભગ વિસ્તારોમાં જયાં-જ્યાં એકાદ પોલીસ વિભાગના કાયમી કર્મચારી સાથે બે-ચાર સહાયકો જોવા મળે છે... પણ ટ્રાફિક નિયમન કરવું, સાઈડો ખોલવી, બંધ કરવી, રસ્તા વચ્ચેના દબાણોને દૂર કરવા જેવી કામગીરી કરતા જ નથી... રસ્તાના કે ચોકડીના ખૂણે બાઈક પર બેસીને મોબાઈલમાં વ્યસ્ત જ જોવા મળતા હોય છે...! અથવા ટોળે વળીને ગપ્પા મારતા હોય છે...! તેમની હાજરીમાં, તેમની નજર સામે વાહનોની બન્ને તરફ લાંબી લાઈનો લાગી ગઈ હોય, વાહનો સામસામા આવી ગયા હોય, વાહનોવાળા મોટામોટા હોર્ન વગાડીને વાતાવરણને ગજવી મૂકતા હોય, તેવા સંજોગોમાં પણ આ સ્ટાફ સાવ મૂક પ્રેક્ષક જ જોવા મળે છે...! પરિણામ સ્વરૂપે સમગ્ર શહેરમાં વાહનોની અવરજવરને ભારે અસર થઈ રહી છે. રાહદારીઓ રસ્તો ક્રોસ ન કરી શકે તેવી સ્થિતિ હોય છે, ફૂટપાથો, રસ્તા પરના દબાણો અને ચારે તરફ ચાલી રહેલા અસંખ્ય ખોદકામ તેમજ શહેરની મધ્યમાં ચાલી રહેલા ફલાય ઓવર જેવા કામના કારણે સમગ્ર શહેરની ટ્રાફિક વ્યવસ્થા રામભરોસે જેવી સ્થિતિમાં ફેરવાઈ ગઈ છે.

ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ક્યાંય સુચારૂ નિયમન થાય, ક્યાંય ટ્રાફિક જામ ન સર્જાય તેવી વ્યવસ્થા શા માટે કરવમાં આવતી નથી...!

જામનગરમાં ધાર્મિક શોભાયાત્રાઓ, રેલીઓ, સરઘસ સમયે તો હાલત વધુ જટીલ બની જાય છે. ગઈકાલે આંબેડકર જ્યંતીના ઉત્સવ-રેલીમાં શહેરના અનેક માર્ગો પર વાહન ચાલકો - લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતાં. એમ્બ્યુલન્સ કે પોલીસના ઈમરજન્સી વાહનો પણ વાહનોના ખડકલા વચ્ચે અટવાઈ ગયા હતાં...!

આ સ્થિતિનો, આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે...? તેવો પ્રશ્ન સમગ્ર શહેરમાં ઉઠવા પામ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજકીય નેતાઓ તો બંધ કાચવાળી એ/સી ગાડીઓમાં પરિભ્રમણ કરતા હોવાથી કદાચ શહેરની  આ અત્યંત વરવી સ્થિતિનો તેમને ખ્યાલ નહીં આવતો હોય...? પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે કમસેકમ અખબારોમાં પ્રસિદ્ધ થતી પ્રજાની આ મહાપીડાને દૂર કરવા જાત નિરીક્ષણ કરવા પરિભ્રમણ કરી સાચી સ્થિતિનો તાગ મેળવી સંબંધિત વિભાગોને તાકીદે કરવા જેટલી તો દરકાર કરવાની જરૂર છે.

વારંવારની સમીક્ષા બેઠકોમાં સંબંધિત વિભાગોને તાકીદ કરી, સૂચના આપી, આદેશ કર્યા જેવી પ્રેસનોટો છપાવવાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh