Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કલાત્મક ઝળહળતા તાજીયાઓના દિદાર કરવા ઉમટ્યા મુસ્લિમ બિરાદરો

નગરના તાજીયા એશિયામાં મોખરે છે અને બેડીના તાજીયા દેશભરમાં પ્રખ્યાત છેઃ કોમી એકતાના દૃશ્યો સર્જાયા

જામનગર તા. ૧૮: જામનગરમાં મોહર્રમ નિમિત્તે ઈમામ હુશેન અને તેમના ૭ર વફાદાર સાથીઓની શહાદતની યાદમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ જામનગર અને જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ સરઘસની રાત્રિએ અને આસુરાના દિવસે ભવ્ય અને કલાત્મક તાજીયાઓના ઝુલુસ કાઢી શાંતિ-સદ્ભાવ એકતા અને ભાઈચારાના માહોલમાં અને એહતરામની સાથે મોહર્રમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ વિખ્યાત જામનગર બેનમૂન કલાત્મક તાજીયા નિહાળવા હિન્દુ-મુસ્લિમો અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

કરબલાના આ મહાન શહીદીની યાદમાં જામનગર શહેર ઉપરાંત સમગ્ર હાલારમાં ખંભાળીયા, સલાયા, વાડીનાર, મીઠાપુર, ઓખા, ધ્રોલ, કાલાવડ, અલીયા, બાડા, લાલપુર, મસીતીયા, સિક્કા, દ્વારકા, બેડી, જોડિયા-ભૂંગા, જવાહરનગર ૧/ર સહિત જિલ્લાભરમાં કલાત્મક બેનમૂન તાજીયાઓના ઝુલુસ નીકળ્યા હતાં. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં.

જામનગર શહેરમાં પરવાના ધરાવતા ર૯-તાજીયા મધ્યરાત્રિએ (સરઘસની રાત્રે) શહેરના માર્ગો પર ઝુલુસ સ્વરૂપે ફર્યા હતાં અને વહેલી સવારે માતમમાં આવ્યા હતાં અને તા. ૧૭-૭-ર૦ર૩ આસુરાના ઐતિહાસિક ચાંદીના તાજીયાની આગેવાની હેઠળ આ ભવ્ય અને કલાત્મક તાજીયાઓ નક્કી કરેલા શહેરના માર્ગો પર ઝુલુસ સ્વરૂપે કતારબદ્ધ રીતે ફર્યા હતાં.

ચાંદીનો તાજીયો

ઝુલુસમાં પ્રથમ નંબર ધરાવતો આ ઐતિહાસિક ચાંદીના તાજીયાના દિદાર (દર્શન) માટે આ વર્ષે પણ લોકોની ભારેભીડ જામી હતી. હંમેશાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા આ ચાંદીના તાજીયા નિહાળવા દૂર-દૂરથી લોકો આવ્યા હતાં.

અમીધૂળધોયાનો તાજીયો

આ તાજીયાનો નંબર ઝુલુસમાં ર૩ મો છે. દરવર્ષે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતા આ તાજીયાને પ૦૦૦ જેટલા બલ્બ વડે સુશોભિત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ તાજીયાને માતમમાંથી લંઘાવાડનો ઢાળિયો ચઢાવતી વખતે હજારોની મેદની એકત્ર થાય છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે, આ વેળાએ દુઆ કબુલ થાય છે. આ તાજીયો હિન્દુ-મુસ્લિમોનું પ્રતીક છે.

મેમણ જમાતનો તાજીયો

આ તાજીયો ઝુલુસમાં ર૪મા ક્રમે આવે છે. એક જમાનામાં ફૂલોની ડોલી તરીકે ઓળખાતા તાજીયાને ૮૦૦૦ હજાર બલ્બો વડે શણગારવામાં આવેલ હતો. આ તાજીયાને બનાવવામાં કમિટીએ બે માસની જહેમત ઉઠાવી હતી.

મકરાણી જમાતનો તાજીયો

આ તાજીયાનો નંબર રપ મો છે. દર વર્ષે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતા આ તાજીયાને ૮૦૦૦ જેટલા બલ્બો વડે સુશોભિત કરાયો હતો. આ તાજીયાને બનાવવા કમિટીએ દોઢ માસની જહેમત ઉઠાવી હતી.

ગોવાળ મસ્જિદનો તાજીયો

ઝુલુસમાં આ તાજીયાનો ક્રમ ૧૮ મો છે. થર્મોકોલની આ સીટ ઉપર બારીક કોતરકામની કમાલ હતી. ૬૦૦૦ બલ્બો દ્વારા રોશનીથી ઝળહળતા કરાયેલા કમિટીના સર્વે સભ્યોએ બે માસની મહેનત પછી આ તાજીયો તૈયાર કરાયો હતો.

ગોવાળ જમાતનો તાજીયો

ઝુલુસમાં આ તાજીયાનો ક્રમ ૧૮ મો છે. થર્મોકોલની આ સીટ ઉપર બારીક, કોતરકામની કમાલ હતી. ૬૦૦૦ બલ્બો દ્વારા રોશનીથી ઝળહળતા કરાયેલા કમિટીના સર્વે સભ્યોએ બે માસની મહેનત પછી આ તાજીયો તૈયાર કરાયો હતો.

કુરૈશી કસાઈ જમાતનો તાજીયો

આ તાજીયાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તાજીયા કમિટીની બે માસની મહેનત પછી તૈયાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતી બારીગર     જમાતનો તાજીયો

આ તાજીયાનો નંબર ઝુલુસમાં બીજા ક્રમે છે. આ તાજીયા પાંચથી આઠ હજાર બલ્બોથી શણગારવામાં આવ્યો હતો. આ તાજીયાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.

પઠાણ જમાતનો તાજીયો

રરમો ક્રમ ધરાવતા આ તાજીયાને નિહાળવા લોકોની ભારેભીડ જામી હતી. પોતાની અનેક વિશિષ્ટતાઓને લીધે આ તાજીયો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કમિટીના સભ્યોએ આ તાજીયાનું નિર્માણ કરવામાં બે માસથી વધુ જહેમત ઉઠાવી હતી.

પિંજારા જમાતનો તાજીયો

ઝુલુસમાં ર૭મા ક્રમે આવતો આ તાજીયાને ૪૦૦૦ બલ્બોથી સુશોભિત કરવામાં આવ્યો હતો. આ તાજીયાને બનાવવા કમિટીના સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ગોરી જમાતનો તાજીયો

ઝુલુસમાં ૧પમા ક્રમે આવતા આ તાજીયાને ૪૦૦૦ જેટલા બલ્બથી ઝળહળતો કરવામાં આવ્યો હતો. ગોરી જમાતની કમિટીના સર્વે સભ્યોએ આ તાજીયાને નિર્માણ કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

પટણી જમાતનો તાજીયો

પટણી જમાતના આ તાજીયાનો ક્રમ ત્રીજો આવતા આ તાજીયો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લાઈટીંગ કામમાં આગવું સ્થાન ધરાવતા તાજીયાને હજારો બલ્બ વડે ઝળહળતો કરાયો હતો. સર્વે સભ્યો તેમજ કાર્યકરોએ આ તાજીયાનું સુશોભિત કરવામાં બે માસ સુધી જહેમત ઉઠાવી હતી.

મોટા દાવલશાહનો તાજીયો

મોટા દાવલશાહના તાજીયાને અસંખ્ય બલ્બોથી ઝળહળતો કરી સુશોભિત કરવામાં આવ્યો હતો. કમિટીના સભ્યોએ બે માસથી વધુ જહેમત કરી આ તાજીયાનું નિર્માણ કાર્ય કરાયું હતું.

મોહર્રમ પર્વે બેડીના તાજીયા દેશમાં આગવું સ્થાન

બેડીમાં મોહર્રમ પર્વની ઉજવણી શૌકત-શાનથી કરવામાં આવે છે. જ્યાં સતત દસ દિવસથી વાએઝ શરીફના કાર્યક્રમો બેડીમાં બે પ્રવેશદ્વારો બેડીના તાજીયા અને ન્યાઝનું ડેકોરેશન જે સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. તાજીયાઓને આંસુરાના દિવસે ઠંડા કરવાની પ્રક્રિયા તો બેડીમાં જોઈ શકાય છે. જેને જોવા માટે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, ઓખા-મીઠાપુર, ખંભાળીયાઅને આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતા શહેરના કલાત્મક તાજીયા

સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતા શહેરના ભવ્ય અને કલાત્મક તાજીયાઓ સુન્નીસાટી જમાતનો, મણીયાર જમાતનો તાજીયો, ટીંટાફળી ગરાણા જમાતનો તાજીયો, દુલદુલ ઘોડો, સેજો આ ઉપરાંત જુદી-જુદી કમિટીઓ દ્વારા બનાવેલા પરવાના વિનાના નાના-મોટા તાજીયાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. ઉપરાંત બુલંદી  કમિટી, હૈદરી કમિટી, નિગાહે કરમ કમિટી, આસિફ હુશેને કમિટી દ્વારા નિર્માણ કરાયેલા રોઝાઓ પણ આકર્ષક રહ્યાં હતાં. આ નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં અને તાજીયાના ઝુલુસ દરમિયાન શહેરની જુદી-જુદી જમાતો અને કમિટીઓ દ્વારા બી-બટેટા, સમોસા, વડાપાઉં, હલીમ, ચણા-બટેટા, ચા-કોફી, કોલ્ડ્રીંક્સ, સરબત, આઈસ્ક્રીમ, ફાલુદાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં મોહર્રમ પર્વની ઉજવણી અંતર્ગત તાજીયા પડમાં આવ્યા પછી, ઝુલુસમાં રજૂ થયેલા કલાત્મક તાજીયાઓએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. કેટલાક તાજીયામાં ઝીણવટભરી કામગીરી સાથે કરવામાં આવેલી સજાવટ ઉડીને આંખે વળગી હતી.

માનતા પૂરી કરવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા

જામનગરમાં મોહર્રમ નિમિત્તે સરઘસની રાત્રે અને આંસુરા (ઠંડા) ના દિવસે માનતાઓ પૂરી કરવા દરેક તાજીયા પડપાસે અને ચાંદીના તાજીયામાં શ્રદ્ધાળુઓઓની કતારો લાગી હતી. કોઈ રૂપિયાના સિક્કાથી, પેંડા, સાકર, જાંબુ, બરફી અને અન્ય મીઠાઈના ભારોભારથી વજન કરી પોતાની માનતાઓ પૂરી કરતા દૃષ્ટિમાન થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh