Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉદ્ઘાટન કેમ કરવું!
જામનગર તા. ર૧: જામનગરમાં દર વર્ષે યોજાતા શ્રાવણી લોકમેળા સમગ્ર હાલારમાં સુવિખ્યાત છે. ચાર-પાંચ દિવસ માટે યોજાતા જનમાષ્ટમી મેળામાં ચાર-પાંચ લાખ લોકો આનંદ માણવા આવે છે, અને આમ જુઓ તો વર્ષોથી યોજાઈ રહેલા લોકમેળામાં એકાદ-બે નાની-મોટી દુર્ઘટના કે અકસ્માત સિવાય મેળા હેમખેમ પૂરા થતા રહ્યા છે.
બાકી સૌથી મોટી અને ઉત્સવપ્રેમી જનતાની સરાહનિય બાબત એ છે કે જામનગરના મેળામાં મુખ્ય આયોજક જામનગર મહાનગરપાલિકા તંત્ર અને જવાબદારીમાં સંલગ્ન વહીવટીતંત્ર દ્વારા સુવિધા-વ્યવસ્થામાં ઘોર બેદરકારી અને શંકાસ્પદરીતે નિષ્ક્રિયતા જ જોવા મળે છે, છતાં તમામ અસુવિધાઓ, અવ્યવસ્થાને કોરાણે મૂકીને લોકો સ્વયંભૂ એડજસ્ટ થઈને આનંદ માણે છે... અને સહનશીલ, શાંત અને સમજુ પ્રજાની આવી મનોવૃત્તિનો પૂરેપૂરો ગેરલાભ જવાબદાર તંત્રો ઊઠાવી વધુને વધુ બેદરકાર અને નિષ્ક્રિય બનતા રહ્યા છે.
જામનગરના લોકમેળા જ્યાં યોજાનાર છે તેવા પ્રદર્શન ગ્રાઉન્ડ તરફ આવવા-જવાના માર્ગની વાત કરીએ તો ટાઉનહોલથી સાત રસ્તા, લીમડાલેનમાંથી લાલબંગલા, જી.જી. હોસ્પિટલથી ગુરુદ્વારા-લાલબંગલના માર્ગ છે. આ ઉપરાંત દિ. પ્લોટ તરફથી આવવા માટે દિ. પ્લોટથી એસ.ટી. રોડ, ખોડિયાર કોલોનીથી સાત રસ્તા, હરિયા કોલેજ/રણજીતનગર સહિતના વિસ્તારોથી આવવા માટે સાત રસ્તા સુધીનો ઈન્દિરા માર્ગ છે, પણ હાલ જે રીતે ફ્લાય ઓવરનું કામ સાત રસ્તા પાસે, ગુરુદ્વારા પાસે ચાલી રહ્યું છે તેના કારણે ટ્રાફિક વ્યવસ્થાને ભારે અસર થઈ શકે, ટ્રાફિક જમીની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. ભારે અને મોટા વાહનો પર મેળાના દિવસો દરમિયાન આ માર્ગો પર અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પણ નિર્ધારીત કરેલા વૈકલ્પિક માર્ગો પર જબરદસ્ત ટ્રાફિક જામ ન થાય તો જ નવાઈ!
પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી ટુ-વ્હીલરવાળા અને મોટરકાર લઈને જવું હોય તો ક્યાં સુધી જઈ શકાશે? આ વાહનો ક્યાં પાર્ક કરવા? તેમાં ય ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક રીતે વ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા અંગે જાહેર જનતાને જાણ થાય તેવી કોઈ જાહેરાત થઈ નથી.
જિલ્લા પંચાયતથી લઈ સાત રસ્તા સુધી રસ્તાની બન્ને બાજુ પાર્કિંગની જગ્યા જો રાખવામાં આવી હોય તો ત્યાં આડેધડ ટુ વ્હીલરો ખડકાય જાય છે. મેળામાં તો પબ્લિક રોટેશનમાં આવતી જતી હોય છે, તેથી કોઈને પોતાનું ટુ વ્હીલર કે મોટરકાર કાઢવા હોય તો ભારે મુશ્કેલી પડે છે. એટલું જ નહીં, બેરીગેડ બાંધેલા છે, પણ આ બેરીગેડની બહાર રસ્તા વચ્ચોવચ્ચ આવી જાય તેવી રીતે રસ્તાની બન્ને બાજુ નાના ધંધાર્થીઓ રમકડા જેવી ચીજવસ્તુઓ વેંચવા પાથરણામાં મનપાની મીઠી નજર હેઠળ ગોઠવાય જાય છે. તો વળી કેટલાક માથાભારે રેંકડીવાળા મેદાનમાં મેળાના પ્રવેશદ્વાર પાસે, પ્રવેશ દ્વાર સામે લાઈનબંધ રસ્તા ઉપર ખડકાઈ જતા હોય છે. દર વર્ષે આ દૃશ્યો જોવા મળે છે અને સૌ કોઈ જાણે કે ગેરકાયદે ઉઘરાણા થઈ જતા હોવાથી આવા દબાણો જોવા મળે છે.
ટ્રાફિક પોલીસ વિભાગ, ટ્રાફિક સહાયકોનો પૂરતો બંદોબસ્ત સવારથી મોડી રાત્રિ સુધી તમામ મહત્ત્વના પોઈન્ટ ઉપર ગોઠવાય અને વાહનચાલકો, લોકોને યોગ્ય માર્ગદર્શન, દિશા સૂચન અને સહકાર આપે તેવી વ્યવસ્થા એસ.પી. સાહેબે અંગત રસ લઈને કરવાની જરૂર છે.
મેળામાં દર વર્ષે ખાણીપીણીના ધંધાર્થીઓ મનફાવે તેવા ભાવ લઈને લોટ-પાણી ને લાકડા જેવી ખાદ્ય સામગ્રી બિન્દાસ વેંચતા હોય છે. સ્વચ્છતા જાળવવામાં અને આરોગ્ય લક્ષી સાવધાની રાખવામાં તેઓ કોઈ દરકાર કરતા નથી. એ તો ધંધાર્થીઓ છે, પણ અખાદ્ય કે આરોગ્યને હાનિકારક ખોરાક ન વેંચાય તે જોવાની જવાબદારી મનપાના આરોગ્ય વિભાગની છે, પણ આ વિભાગના આંખ મિચામણાનો દર વર્ષે લોકોને અનુભવ થાય જ છે. આ ધંધાર્થીઓ, રસ્તા ઉપરના લારીવાળા ખાદ્ય સામગ્રી બનાવવા માટે પાણી ક્યાંથી લાવે છે, ક્યું પાણી વાપરે છે તે તપાસનો વિષય છે.
મેળાના મેદાનમાં એકાદ-બે હજાર લોકો હરીફરી શકે તેટલી વિશાળ જગ્યામાં મનપાએ પોતાનો વીઆઈપી સમિયાણો ઊભો કર્યો છે. એક તો પ્રદર્શન મેદાન હવે વસતિ વધારા પછી અને મેળામાં ઉમટતી જનમેદની સામે ખૂબ જ ટૂંકુ પડે છે. તેના મેદાનની વચ્ચોવચ્ચ આટલી મોટી જગ્યા રોકાય જાય છે... આ સમિયાણાનો ઉપયોગ શું? તેમજ સોફા, સારી ખુરશીઓ માત્ર મોટા લોકોને આરામથી બેસવા માટે આવી વ્યવસ્થા શા માટે કરવામાં આવે છે? કન્ટ્રોલ ટાવર, પોલીસ ટેન્ટ, સ્ટેન્ડ બાય ફાયર સુવિધા, ડોક્ટર ટેન્ટ જરૂરી છે, પણ આવો વીઆઈપી સમિયાણો કાયમ માટે ટીકાપાત્ર જ બન્યો છે.
મેળામાં કન્ટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્કના ટેન્ટ રાખવા જોઈએ જેમાં ચોક્કસ જાબદારી સાથેના અધિકારી સતત હાજર રહે. મેળામાં વધુ ભાવ કે અન્ય કોઈ અવ્યવસ્થા કે બનાવ અંગે લોકોને ક્યાં ફરિયાદ કરવી તેના હેલ્પ લાઈન નંબર મેળામાં થાંભલાઓ પર દરેકને દેખાય તેમ લગાડવાની જરૂર છે. બાકી તો મેળાના પીક અવર્સમાં રાઈડવાળા કે ખાણીપીણીવાળા બેફામ ભાવ વધારો લ્યે ત્યારે ફરિયાદ કરવા ક્યાં જવું... કોઈ હાજર જ હોતું નથી!
મેળામાં રાઈડ્સવાળાનો સ્ટાફ, રમકડાના સ્ટોલવાળા આવેલા લોકો ન્હાવા ધોવા, કુદરતી હાજતે ક્યાં જાય છે તેની પણ તપાસ કરવા જેવી છે. સાત રસ્તાના ખૂણે પે એન્ડ યુઝ છે. મનપા મોબાઈલ ટોયલેટ રાખે છે, પણ તેમ છતાં આ વ્યવસ્થા અપૂરતી જણાય છે. પરિણામે તળાવના પાળા પાછળ આ લોકો તમામ વિધિ પતાવતા જોવા મળે છે!
આ તમામ બાબતો અંગે આ વખતના મેળામાં તંત્ર દ્વારા પૂરતી અને સુચારૂ વ્યવસ્થા ગોઠવાય તેવી અપેક્ષા રાખીએ.
બાકી તો રાજકોટના ગેઈમ ઝોનની દુર્ઘટના પછી રાઈડ્સ ચલાવવા માટેની આકરી શરતો અને નિયમો સાથેના પ્રમાણપત્રો જરૂરી બન્યા છે અને આ લખાય છે ત્યાં સુધી હજી પરફોમન્સ લાયસન્સ કોઈને ઈસ્યુ થયા જ નથી, જો કે તંત્રના જણાવ્યા પ્રમાણે તમામ ચકાસણીના અભિપ્રાય આવી ગયા પછી આજ સાંજ અથવા કાલે બપોર સુધીમાં માન્યતા પ્રાપ્ત કરવા યોગ્ય સંચાલકોને પરફોમન્સ લાયસન્સ ઈસ્યુ કરવામાં આવશે!
જોઈએ... દર વર્ષે તો 'રામભરોસે' જેવી સ્થિતિમાં યોજાતા લોકમેળા નિર્વિઘ્ને ઉજવાતા રહ્યા છે. આ વર્ષે પણ લોકો કોઈપણ જાતનો ભય રાખ્યા વગર સારી વ્યવસ્થા સાથે બાળકો પરિવાર સાથે મેળાનો આનંદ માણે!
ફજેતફાળકાનું ચક્કર
લોકમેળાનું ઉદ્ઘાટન કોઈને કોઈ રાજકીય ચૂટાયેલા નેતાના હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવાની પ્રણામી છે, અને આ મહાનુભાવો જુદી જુદી રાઈડ્સમાં બેસી ફોટા પડાવતા હોય છે... પણ આ મહાનુભવોએ મેળામાં ખાણીપીણીના સ્ટોલ, મેદાન બહાર રસ્તા પરના દબાણો, પાર્કિંગની વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અંગે ક્યારે ય નિરીક્ષણ કર્યું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial